ખારી ગામના યુવાન પ્રેમી બાદ પ્રેમિકાનું પણ મોત - Sandesh
  • Home
  • Bhavnagar
  • ખારી ગામના યુવાન પ્રેમી બાદ પ્રેમિકાનું પણ મોત

ખારી ગામના યુવાન પ્રેમી બાદ પ્રેમિકાનું પણ મોત

 | 12:08 am IST

(સંદેશ બ્યૂરો)          મહુવા, તા.૧૯

મહુવા તાલુકાના ખારી ગામે રહેતાં પ્રેમીપંખીડાએ સમાજ અને પરિવાર એક નહીં થવા દે તેવા ભય સાથે ઝેરના પારખા કર્યા હતા. જેમાં પ્રેમીનું સ્થળ પર જ મૃત્યુ થયું હતુ. જ્યારે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી પ્રેમિકાએ પણ હોસ્પિટલ બીછાને દમ તોડી દેતા ખારી ગામમાં અરેરાટી સાથે શોકનું મોજુ ફરી વળ્યું છે.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મહુવાના ખારી ગામે રહેતા રત્નકલાકાર યુવાન સંજયભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા (ઉ.વ.ર૧)ને તેજ ગામમાં રહેતી મમતાબેન જયંતીભાઈ પરમાર (ઉ.વ.ર૦) નામની યુવતી સાથે આંખ મળી જતા બન્ને વચ્ચે ગાઢ પ્રેમસબંધ બંધાઈ ગયો હતો. પરંતુ પરિવાર અને સમાજ પ્રેમી ફુદડાંને જીવનભર સાથ નહીં રહેવા દે તેવો ભય બન્નેને સતાવતો હતો. જેના કારણે પ્રેમી યુગલે ગઈકાલે સોમવારે બપોરના સુમારે પોતાના ગામની બાજુમાં આવેલા ડુંગરપરની સીમ ખાતે બાવળની કાંટની અવાવરૃ જગ્યામાં જઈ ઝેરી દવા પી લીધી હતી. જે ઘટનાની જાણ થતા ગામના સરપંચ અને બન્નેના પરિવારજનોએ સ્થળ પર દોડી જઈ ગંભીર હાલતમાં રહેલા યુવક-યુવતીને મહુવા હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે મમતાબેન પરમારની હાલત વધુ નાજૂક હોય, તાબડતોડ સારવાર શરૃ કરી દેવાઈ હતી. જો કે, સારવારમાં રહેલી યુવતીનું પણ મોત નિપજ્યું હતુ.

આમ, પ્રેમી બાદ પ્રેમિકા પણ ફાની દુનિયાને અલવિદા કરી દેવા ખારી ગામ અને બન્નેના પરિવારજનોમાં આઘાત સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતુ. જ્યારે ઘટના સંદર્ભે બગદાણા પોલીસે અકસ્માતે મોતની એન્ટ્રી કરી જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન