ખીરસરામાં કલાકમાં 4 ઈંચઃ ભચાઉ-રાપર, અંજાર, માંડવીમાં ધોધમાર ઝાપટા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • ખીરસરામાં કલાકમાં 4 ઈંચઃ ભચાઉ-રાપર, અંજાર, માંડવીમાં ધોધમાર ઝાપટા

ખીરસરામાં કલાકમાં 4 ઈંચઃ ભચાઉ-રાપર, અંજાર, માંડવીમાં ધોધમાર ઝાપટા

 | 2:00 am IST
  • Share

પાછોતરા વરસાદથી ટેવાયેલા કચ્છમાં સપ્ટેમ્બરના વરસાદના કારણે જિલ્લાનો ૭૭.૬૦ ટકા વરસાદ સરકારી આંકડાઓ મુજબ પડી ચુક્યો છે. અંજારમાં સૌથી વધુ ૪૮૯ મિલીમીટર અને ભુજમાં ૩૭૬ મિલીમીટર પાણી વરસી જતાં સીઝનનો ૧૦૦ ટકા વરસાદ પડી ચુક્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘપ્રલય થઈ રહ્યો છે અને ગુજરાતભરમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ છે તેની વચ્ચે કચ્છમાં પણ છૂટીછવાઈ મેઘસવારીની હાજરી નોંધાઈ છે. જોકે, સચરાચરા વરસાદની કમી રહી છે. આ દરમિયાન સોમવારે રાત્રે અબડાસાના ગામોમાં ખાસ કરીને ખીરસરા વિંઝાણ વિસ્તારમાં એક કલાકમાં ચાર ઈંચ પાણી વરસી જતાં ખીરસરા અને મિયાણી ગામ વિખૂટા પડી ગયા હતા. બીજી બાજુ ભુજ શહેર તાલુકામાં વરસાદી જમાવટ થઈ હતી. તો મંગળવારે અંજારમાં બપોરે બે કલાકમાં એક ઈંચ પાણી વરસી ગયું હતું અને શહેરમાં પાણી ભરાયા હતા.
અબડાસામાં સોમવારે રાત્રે ખીરસરા વિસ્તારમાં ધોધમાર ચાર ઈંચ પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. નદીમાં પાણી આવવાના કારણે મિયાણીની પાપડી ધોવાઈ જતાં બંને ગામ અલગ થઈ ગયા હતા એમ અગ્રણી રજાક હિંગોરાએ જણાવ્યું હતું. તો નરેડી, નલિયા સહિતના ગામો પણ પલળ્યા હતા.
ભુજમાં મંગળવારે બપોર સુધી વાદળોની આવનજાવન વચ્ચે સૂર્યનારાયણની નોંધપાત્ર હાજરી રહી હતી. બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને હમણા જોરદાર વરસાદ તૂટી પડશે તેવી આશા બંધાઈ હતી પણ ઠગારી નીવડી હતી. અંજાર તાલુકામાં પાંચ દિવસથી મેઘહેલીનું રોકાણ હોવાથી છૂટો છવાયો વરસાદ પડવાની વચ્ચે વીડી ગામનું બખાણ તળાવ ઓગની ગયું હતું. આ તળાવને સુજલામ સુફલામ યોજના હેઠળ ઊંડું કરવામાં આવ્યું હતું. તળાવમાં હવે વધુ પાણીનો સંગ્રહ થવાથી આસપાસની વાડીઓના તળ પણ ઊંચા આવશે. સરપંચ મજીદ જતના જણાવ્યા મુજબ, બુધવારે તળાવને વાજતે ગાજતે વધાવવામાં આવશે.
મંગળવારે મોડી સાંજે ભચાઉમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. એકાદ કલાક સુધી સતત ચાલુ રહેલા વરસાદના કારણે પાણી વહી નીકળ્યા હતા. મદીનાનગરમાં પાણી ભરાઈ ગયા હતા, પાણીનો નિકાલ કરવા નગરપાલિકાએ રસ્તો તોડવાની કામગીરી કરાઈ હતી. પ્રમુખે દોડી જઈને ટ્રેક્ટર, જેસીબી સહિતના સાધનો કામે લગાડવામાં આવ્યા હતા. સામખિયાળીમાં સવારથી સાંજ સુધી આ વિસ્તારના ગામોમાં દોઢથી બે ઈંચ વરસાદ થયો હતો. સતત ત્રીજા દિવસે મેઘમહેર થતાં કિસાનોમાં ખુશી વ્યાપી હતી. સામખિયાળી, શિકારપુર, જંગી, આંબલિયારા, લલિયાણા, વોંધ સહિતના ગામોમાં મેઘ મહેર થઈ હતી. નદીમાં નવા નીર આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ હતી.
માંડવીમાં સોમવારે રાત્રે એકથી દોઢ ઈંચ પાણી વરસી ગયા બાદ મંગળવારે પણ એટલું જ પાણી વરસી ગયું હતું. ટોપણસરમાં નવા નીર આવ્યા હતા. તો તાલુકાના બાગ, મસ્કા, ગુંદિયાળી, ત્રગડી, ભાડિયા વગેરે ગામોમાં પણ એકથી દોઢ ઈંચ અને કોડાય, આસંબિયા, તલવાણા, બિદડા, રાયણ, દુર્ગાપુર, શિરવા, મેરાઉ, ગોધરા, લાયજા, બાયઠ, દેઢિયા, પદમપુર વગેરે વિસ્તારમાં પણ અડધાથી એક ઈંચ પાણી વરસી ગયું હતું. માંડવીમાં નગરપ્રમુખ હેતલબેન સોનેજી, કારોબારી ચેરમેન જિજ્ઞાબેન હોદરવાલા, મુખ્ય અધિકારી સાગર રાડિયા સહિતનાઓએ ટોપણસર વિસ્તારમાં નિરીક્ષણ કર્યું હતું.
તો સાંજના પાંચ વાગ્યાની આસપાસ નખત્રાણા તાલુકાના આણંદપર પંથકમાં ગાજવીજ સાથે બે ઈંચ વરસાદ પડયો હતો. પલીવાડ યક્ષમાં વાડીઓમાં કયારામાં પાણી ભરાયા હતા તેમજ ગામની શેરીઓમાંથી પાણી વહી નીકળ્યા હતા.
આ ઉપરાંત રાપર શહેર તેમજ પંથકના આડેસર, ભીમાસર, લખાગઢ, નિલપર, રવ, પલાસવા, ચિત્રોડ, કિડીયાનગર, નંદાસર, પ્રાગપર, ભુટકીયા સહિતના વિસ્તારોમાં અડધાથી પોણો ઈંચ વરસાદ દિવસે નોંધાયો હતો અને રાત્રે પુનઃ ઝાપટાં શરૂ થયા હતા. આ દરમિયાનમાં રવેચી મંદિર ખાતે આજે ભાદરવી આઠમે દર્શનાર્થે આવેલા ભાવિકોને બપોરે ધોધમાર ઝાપટાંએ પલાળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન