ખ્વાજા યુનુસ એન્કાઉન્ટર કેસમાં વઝે અને અન્ય પોલીસો વિરૂદ્ધ ઓગસ્ટમાં ખટલો શરૂ થશે - Sandesh
  • Home
  • Mumbai
  • ખ્વાજા યુનુસ એન્કાઉન્ટર કેસમાં વઝે અને અન્ય પોલીસો વિરૂદ્ધ ઓગસ્ટમાં ખટલો શરૂ થશે

ખ્વાજા યુનુસ એન્કાઉન્ટર કેસમાં વઝે અને અન્ય પોલીસો વિરૂદ્ધ ઓગસ્ટમાં ખટલો શરૂ થશે

 | 3:27 am IST

મુંબઈ, તા. ૨૨

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા મુંબઈ પોલીસના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ ઇન્સ્પેકટર સચિન વઝે અને અન્ય ત્રણ પોલીસો વિરૂદ્ધ ૧૨ વર્ષ જૂના ખ્વાજા યુનુસ એન્કાઉન્ટર કેસમાં આખરે આવતા મહિનેથી ખટલો શરૂ થશે. વઝે અને તેમના સહ-આરોપીઓએ તેમની વિરૂદ્ધના આરોપોની નવેસરથી સુનાવણી માટે કરેલી અરજીને સેશન્સ કોર્ટે બુધવારે નકારી કાઢી હતી.  

આરોપોમાં હત્યા, કબૂલાત કરાવવા જાણીબુઝીને ગંભીર ઈજા પહોંચાડવી, પુરાવા ઉપજાવી કાઢવા અને ગુનાહિત કાવતરું ઘડવાનો સમાવેશ થાય છે.  

વઝેની અરજી સામે આપેલા જવાબમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર, ધીરજ મિરજકરે જણાવ્યું હતું કે આવી જ માગણી કરતી અરજી ૨૦૧૨માં નોંધાવાઈ હતી અને તેનો નિકાલ કરાયો હતો. આરોપીએ તેને નહોતી પડકારી.  

મિરજકરે એવું પણ નોંધી બતાવ્યું હતું કે, આ કેસમાં અસલપણે તકસીરવાર ઠરેલા અન્ય ૧૦ પોલીસો સંબંધમાં, અરજીમાં આરોપીઓએ ઉઠાવેલા અન્ય વાંધા વિશે પણ ૨૦૧૨માં નિર્ણય લેવાઈ ગયો હતો.

અરજીઓ કેસને વિલંબમાં મૂકવાની પ્રયુક્તિ : મિરજકર

ફરિયાદ પક્ષ દ્વારા તપાસાનારા સાક્ષીઓની યાદી માગતી અરજી પણ આરોપીઓએ નોંધાવી હતી, જેના જવાબમાં મિરજકરે જણાવ્યું હતું કે, નવેમ્બર ૨૦૦૮માં નોંધાવાયેલી ચાર્જશીટમાં આ યાદી સમાવિષ્ટ છે. મિરજકરે તેમના જવાબમાં આ અરજીઓને ખટલાને વિલંબમાં મુકવા માટેની બદઈરાદાવાળી પ્રયુક્તિઓ તરીકે વર્ણવી હતી.

ખટલો નવેમ્બર, ૨૦૧૩માં શરૂ થવાનો હતો

ચાર પોલીસો સચીન વેઝ, રાજેન્દ્ર તિવારી, રાજારામ નિકમ અને સુનીલ દેસાઈનો ખટલો ફેબ્રુઆરી ૨૦૧૩માં શરૂ થવાનો હતો, પરંતુ બે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરોએ રાજીનામાં આપવાને કારણે કદી શરૂ નહોતો થયો.

રાજીનામું આપ્યા બાદ વઝે શિવસેનામાં જોડાયા હતા

નવેમ્બરમાં મિરજકર સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નીમાયા બાદ આરોપીઓએ અનેક અરજીઓ નોંધાવી હતી અને તમામ અરજીઓને અદાલતે નકારી કાઢી હતી. વઝેએ ૨૦૦૮માં રાજીનામું આપ્યું હતું અને સીઆઈડી તપાસમાં તેમને કસૂરવાર ઠેરવાયા બાદ તેઓ શિવસેનામાં જોડાયા હતા અને સરકારે તેમની સામે કામ ચલાવવાની મંજૂરી આપી હતી.