ગરીબોની રોજગારી છીનવાઇઃ વાંકલામાં મનરેગા હેઠળ જેસીબીથી તળાવનું ખોદકામ - Sandesh
  • Home
  • Surat
  • ગરીબોની રોજગારી છીનવાઇઃ વાંકલામાં મનરેગા હેઠળ જેસીબીથી તળાવનું ખોદકામ

ગરીબોની રોજગારી છીનવાઇઃ વાંકલામાં મનરેગા હેઠળ જેસીબીથી તળાવનું ખોદકામ

 | 8:34 pm IST

જાગૃત નાગરિકોની જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆતઃ તપાસની માંગ

વ્યારા, તા. ૨૨

ડોલવણના વાંકલા ગામમાં શ્રમિકોને સ્થાનિક કક્ષાએ રોજગારી આપવા સાથે ગામના વિકાસ માટેની કેન્દ્ર સરકારની મનરેગા યોજનાનો ગેરલાભ ઉઠાવવા ગામના જવાબદારોએ રાતોરાત જે.સી.બી.થી બિનઉપયોગી સ્થળ પર તળાવનું ખોદકામ કરાવી, જેમાંથી ઉલેચાયેલી હજારો ટન માટીનું ગેરકાયદેસર સપ્લાય કરી ગ્રામ પંચાયતને ફટકો પહોંચાડવા સાથે ગરીબોની રોજગારી પર સીધી તરાપ મારવાની કોશિશ કરી હોવાના આક્રોશ સાથે ગામના આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારીને ધારદાર રજૂઆત કરતા વહીવટકર્તાઓમાં ગભરાટ વ્યાપી ગયો છે.

ડોલવણ તાલુકાના વાંકલા ગામના જાગૃત નાગરિકો અરવિંદભાઇ કોટવાળિયા, મનુભાઇ રડતીયાભાઇ, દિનેશભાઇ રમેશભાઇ, શૈલેષભાઇ ભગુભાઇ, નારણભાઇ કોંકણી, શંકરભાઇ કોંકણી, વિનેશભાઇ કોંકણી, છનાભાઇ ગામીત, અરવિંદભાઇ સહિત અનેક લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને ગામમાં મનરેગા યોજના અંતર્ગત વિકાસની આડમાં સરકારી નાણાનો થઇ રહેલ દુર્વ્યય અંગે ધારદાર રજૂઆત કરતા જણાવ્યું છે કે, વાંકલાની ગૌચરની જમીનમાં જે સ્થળ તળાવ માટે યોગ્ય ન હોવા છતાં ત્યાં ગ્રામ પંચાયતના વહીવટકર્તાઓ દ્વારા મનરેગા યોજના અંતર્ગત જે.સી.બી.થી તળાવનું ખોદકામ કરાવવામાં આવ્યું છે. મનરેગાનો હેતુ જ જોબકાર્ડધારકોને રોજગારી પૂરી પાડી ગામના વિકાસ કરવાનો હોવા છતાં તળાવ ખોદકામમાં મશીનનો ઉપયોગ કરી શ્રમદાન કરાવવામાં આવ્યું જ નથી. રાતોરાત ઉલેચાયેલ માટીનો નિકાલ કરવાનું પણ વ્યવસ્થિત પ્લાનિંગ કરવામાં આવ્યું હોય, કોઇપણ મંજૂરી વિના માટીનું ખોદકામ કર્યા બાદ જે જુદાજુદા સ્થળો પર ઠાલવવામાં આવી છે. માટીનું બારોબાર વેચાણ કરી ગ્રામ પંચાયતની સંપત્તિનું નખ્ખોદ વાળવામાં આવ્યું છે. જોબકાર્ડધારકોને રોજીરોટી પૂરી પાડી જો તળાવનું ખોદકામ કરવામાં આવ્યું હોત, તો અનેક પરિવારોને રોજગારી મળવા સાથે ગામને તળાવ પણ મળ્યું હોત, પરંતુ વહીવટકર્તાએ માટીનું ગેરકાયદેસર વેચાણ કરવાના ઇરાદાપૂર્વક તળાવના નામે આડેધડ ખોદકામ કરાવી માટી ઉલેચી બારોબાર વેચાણ કરવામાં આવી છે. ત્યારે તળાવ ખોદકામમાં થયેલ ગોબાચારી તેમજ ગરીબ શ્રમિકોની રોજગારી છીનવવાના પ્રકરણમાં તટસ્થ તપાસ થાય તો સરકારી નાણાંનો ધુમાડો કરનારાઓનો પર્દાફાશ થાય તેમ છે.

તળાવ બન્યું બિનઉપયોગી

વાંકલામાં ગ્રામ પંચાયત દ્વારા જે સ્થળ પર તળાવનું ખોદકામ જેસીબીથી ખોદાવવામાં આવ્યું છે, ત્યાં વ્યવસ્થિત કામગીરી થઇ જ નથી, માત્ર માટી ઉલેચવાના હેતુને વધુ પ્રાધાન્ય આપી આડેધડ ખોદકામ કરવામાં આવ્યું છે. વરસાદી પાણીના સંગ્રહ માટે તળાવ ઉપયોગી છે. પરંતુ જેના સ્થળ પસંદગી તેમજ તળાવની ઉંડાઇ, ચોતરફ પાળાનું બાંધકામ વિગેરે ગાઇડ લાઇન મુજબ કરવું આવશ્યક છે. પરંતુ વાંકલામાં યોજના પરિણામલક્ષી બનાવવાને બદલે માત્ર નાણાં હડપ કરવાનો પ્રયાસ થયો હોવાનું જાગૃત નાગરિકોએ આક્ષેપ કર્યા છે.