ગાંડા અને માથા ફરેલ પણ ઘણીવાર ડાહ્યાની જેમ બોલે છે - Sandesh
  • Home
  • Mumbai
  • ગાંડા અને માથા ફરેલ પણ ઘણીવાર ડાહ્યાની જેમ બોલે છે

ગાંડા અને માથા ફરેલ પણ ઘણીવાર ડાહ્યાની જેમ બોલે છે

 | 3:14 am IST

મુંબઇ,તા. ૨૧  

લશ્કર-એ- તોઇબાના વડા હાફિઝ સઇદે જે ભૂમિ પર લોહીના આંસુ વહાવવા પડયા હોય તે હિન્દુસ્તાનની ભૂમિ પર જઇ ધંધો કરવો અને એ રીતે કમાયેલા પૈસાને હરામ ગણવાની હાકલ કરી હિન્દુસ્તાન સાથે વેપાર કરવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. શિવસેનાના મુખપત્ર સામનામાં આ મુદ્દે જણાવવામાં આવ્યું છે કે ઘણીવાર ગાંડા અને માથાફરેલ પણ ડાહ્યાની જેમ બોલે છે. પાકિસ્તાનના પગે પડનારાઓને આ ઇશારો કરવામાં આવ્યો છે. શિવસેના દ્વારા સામનામાં જણાવાયું છે કે હાફિઝ સઇદના વડા પ્રધાન નવાઝ શરીફ હવે હિન્દુસ્તાનના વડા પ્રધાનને ફરી ચાય પે ચર્ચા કરવાનું આમંત્રણ નહીં આપે. થઇ ગયું તે ગયું.  

શિવસેનાએ જણાવ્યું હતું કે લશ્કર-એ-તોઇબાના વડા હાફિઝ સઇદને વખોડવાની બધાને ટેવ પડી છે પણ આ મહાશય હાલ જે બોલી રહ્યા છે તેને માટે તેમને અભિનંદન આપવામાં વાંધો નથી. જન્મ્યા પછી પહેલીવાર તે સત્ય બોલ્યા છે. કાશ્મીરમાં બુરહાન વાનીના મોતને પગલે ખળભળી ઉઠેલાં હાફિઝ સઇદે પાકિસ્તાનને પરખાવ્યું છે કે બસ, હવે બહુ થયા હિન્દુસ્તાન સાથેના સંબંધ. હિન્દુસ્તાન સાથેના વ્યાપારી, રાજકીય અને વિદેશનીતિના સંબંધો તોડી નાંખો.  

હાફિઝ સઇદે તો એમ પણ કહ્યું છે કે હિન્દુસ્તાનથી પાકિસ્તાન આવતાં કાંદા અને બટાટા પર પણ બંધી મૂકવી જોઇએ. પાકિસ્તાને તેના દિલ્હીમાં રહેલાં હાઇકમિશનરને પાછા બોલાવી લેવા જોઇએ અને હિન્દી સિનેમાના ગીતો પર બંધી મૂકી બોલિવૂડની બોલતી બંધ કરી દેવી જોઇએ. આમ જણાવી હાફિઝ સઇદે હિન્દુસ્તાનની પાકનિષ્ઠાનો ધજાગરો કર્યો છે. હાફિઝ સઇદે સ્વીકાર્યું છે કે કાશ્મીરમાં જેનું મોત થયું તે બુરહાન વાની સાથે તેના સંપર્કો હતા અને તે કાશ્મીરમાં રહેલો સ્વાતંત્ર્ય સૈનિક હતો.  

પાકિસ્તાન સાથેના તમામ સંબંધો તોડી નાંખવા જોઇએ કેમ કે પાકિસ્તાની પૂંછડી હિન્દુસ્તાન બાબતે હંમેશાં વાંકી જ રહેવાની છે. તો પછી તેમના કલાકારો, ક્રિકેટરો વગેરેને બોલાવી આપણે શા માટે કાશ્મીરમાં શહીદી વહોરનારાઓનું અપમાન કરવું જોઇએ તેવો સવાલ સામનાએ તેના અગ્રલેખમાં કર્યો છે. આજે પણ પાકિસ્તાનના અનેક કલાકારોને હિન્દી ફિલ્મો અને સિરીયલોમાં ધરાર ઘૂસાડવામાં આવે છે. આ ફિલ્મનિર્માતાઓએ હાફિઝ સઇદના હિન્દુસ્તાન વિરોધી નિવેદનને સમજી લેવું જોઇએ. હિન્દી ફિલ્મોના *ખાન*દાન જે રીતે તેમના ધંધા માટે પાકિસ્તાનમાં ફિલ્મો બતાવવા માટે જે ચમકોગીરી કરે છે તે ચિંતાજનક છે. કાશ્મીરમાં એક દેશદ્રોહીને મારવામાં આવ્યો તેમાં તો પાકિસ્તાને કાળો દિવસ મનાવ્યો. આવા લોકો સાથે ધંધા વેપાર કરી પોતાના ખિસ્સાં ગરમ કરવા તે કાંઇ દેશભક્તિ નથી.  

સામનામાં જણાવાયું છે કે જેમણે વિદેશમાં કાળું નાણું છુપાવ્યું છે તે તો ગુનો કરે જ છે પણ પાકિસ્તાનમાં ઉદ્યોગ કરનાર આપણાં ઉદ્યોગપતિઓ જે સરકારી કૃપાથી માલામાલ થયા છે તેમને ભારત માતાની જય બોલવાનો અધિકાર છે ખરો ? એવો સામનામાં સવાલ કરવામાં આવ્યો છે.