ગાયસાવરના રસ્તે વાનમાં કતલખાને લઇ જવાતા ૧૨ બળદને બચાવાયાં - Sandesh
  • Home
  • Surat
  • ગાયસાવરના રસ્તે વાનમાં કતલખાને લઇ જવાતા ૧૨ બળદને બચાવાયાં

ગાયસાવરના રસ્તે વાનમાં કતલખાને લઇ જવાતા ૧૨ બળદને બચાવાયાં

 | 8:46 pm IST

માંગરોળ અને ઝંખવાવના બે શખ્સને પોલીસે દબોચી લીધા, બે ચકમો આપી ફરાર 

સોનગઢ, તા. ૨૨  

સોનગઢ તાલુકાના મહારાષ્ટ્રને અડીને આવેલા ગાયસાવરના રસ્તે પીકઅપ વાનમાં કતલખાને લઇ જવાતા ૧૨ બળદોને બચાવી લેવામાં પોલીસને સફળતા મળી છે. બળદોને કતલખાને લઇ જતા ચાર પૈકીના બે ભાગી છૂટયા હતા. જો કે પોલીસે બે શખ્સને દબોચી લીધા હતા.  

પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ સોનગઢ પોલીસ ગુરુવારે ગાયસાવર રોડ પર ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે આ રસ્તેથી ગૌવંશને કતલખાને લઇ જતી પીકઅપ વાન પસાર થવાની બાતમી મળતા પોલીસે બાતમી મુજબના (જી જે ૧૯ યુ ૩૦૭૨) નંબરની ઝેનોન પીકઅપ વાનનો પીછો કરી વહેલી સવારે ગાયસાવર રોડ પર અટકાવતા તેમાંથી બે શખ્સ ભાગી છૂટયા હતા. જ્યારે ઇમરાન ઉમર મુલતાની (રહે.ઝંખવાવ,તા.માંગરોળ) તથા સલીમ સફી શેખ (રહે.બારડોલી)ને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. તેમના કબજાના પીકઅપ વાનની તલાશી લેતા તેમાં અત્યંત ક્રૂરતાથી ૧૨ બળદોને ભરેલા જોવા મળ્યા હતા. પીકઅપ વાનમાં બે બળદોને ભરી શકાય તેટલી જગ્યામાં ૧૨ બળદોને અત્યંત ક્રૂરતાથી ભરવામાં આવ્યા હતા. તેમાંના ઘણા બળદોની ડોક મરડાઇ ગઇ હતી.તો ઘણા બળદોના પગ તૂટી ગયા હતા. ઝડપાયેલા બન્ને શખ્સની પૂછપરછમાં બળદોને ઝંખવાવથી ગની પીરૂભાઇ મુલતાનએ ભરાવ્યા હોવાનું અને આ બળદોને નવાપુરના ખાટકી રફીક બિસ્મીઉલા કુરેશીના કતલખાને લઇ જવાતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ તમામ આરોપીઓને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

રોજની ૩૫થી ૪૦ ટ્રકો સોનગઢ ચેકપોસ્ટ થઇને મહારાષ્ટ્રમાં જાય છે

સોનગઢ તાલુકો મહારાષ્ટ્રને અડીને આવેલો હોવાથી અહીંના જુદાજુદા રસ્તે પશુ ભરેલા રોજના ૫૦ જેટલા વાહનો મહારાષ્ટ્રમાં બેરોકટોક જઇ રહ્યાં છે.પશુપાલન વિભાગની ચેકપોસ્ટના કર્મચારીઓ અને પોલીસના મેળાપીપણામાં ગૌવંશ ભરેલી રોજની ૩૫થી ૪૦ ટ્રકો સોનગઢ ચેકપોસ્ટ થઇને મહારાષ્ટ્રમાં જાય છે. આ ઉપરાંત સેટિંગ વગરના પશુ ભરેલા વાહનો દોણ, રામપુરા કોઠાર, ગયસાવર, ચીમકુવા, ખોખસા, કણજી, ષોલણ, મલંગદેવ-ઓટા અને ગુણસદા-પાંખરી રોડ થઇને મહારાષ્ટ્ર જઇ રહ્યાં છે.