ગુજરાતી અબજોપતિ પિતાએ 21 વર્ષના દિકરા પાસે કરાવી મજૂરી - Sandesh
  • Home
  • Surat
  • ગુજરાતી અબજોપતિ પિતાએ 21 વર્ષના દિકરા પાસે કરાવી મજૂરી

ગુજરાતી અબજોપતિ પિતાએ 21 વર્ષના દિકરા પાસે કરાવી મજૂરી

 | 2:15 pm IST

જો કોઇ કરોડપતિ બાપનો દિકરો મજૂરી કરતો જોવા મળે તો તમને નવાઈ લાગશે ખરૂં ને! પરંતુ આ સત્ય હકીકત છે. સાવજીભાઈ ધોળકિયા સુરતમાં હીરાનો વેપાર કરે છે. તેમની કંપની હરે કૃષ્ણા ડાયમંડ એક્સપોર્ટ્સ 6000 કરોડની કંપની છે અને 71 દેશોમાં વેપાર પથરાયેલો છે. જો સાવજીભાઈ ઇચ્છતા તો તેમના દિકરાને દુનિયાભરની સુખ સગવડો પૂરી પાડી શકતા હતા, પણ તે અલગ પ્રકારના માણસ છે. તેમની વિચારધારા થોડી અલગ છે.

સાવજીભાઈએ પોતાના 21 વર્ષના દિકરા દ્રવ્ય ધોળકિયાને એક મહિના માટે સામાન્ય જીવન જીવવા અને સામાન્ય નોકરી કરવાનું કહ્યું. દ્રવ્ય અમેરિકાથી મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો છે અને અત્યારે રજાઓ માણવા ભારત આવ્યો છે. 21મી જૂનના રોજ તે ત્રણ જોડ કપડાં અને માત્ર રૂ.7000 લઈને કોચી ગયો હતો. પિતાનો આદેશ હતો કે તેની પાસે જે 7000 રૂપિયા છે, તે પણ અત્યંત જરૂરી હોય તો જ વાપરે.

સાવજીભાઈ કહે છે કે મેં મારા દિકરાને કહ્યું કે તેણે પોતાના માટે પૈસા કમાવવા માટે કામ કરવું પડશે. તેણે કોઇ એક જગ્યાએ એક અઠવાડિયાથી વધારે સમય માટે નોકરી ના કરવી. મોબાઈલનો ઉપયોગ નથી કરી શકતો અને તેના પિતાની ઓળખ પણ કોઇને ના આપી શકે. તેમજ ઘરેથી જે 7000 રૂપિયા મળ્યા છે, તે પણ વાપરી નથી શકતો. સાવજીભાઈએ કહ્યું કે હું ઇચ્છતો હતો કે જે જીવનને સમજે અને જુએ એ ગરીબ લોકો કઇ રીતે નોકરી અને પૈસા કમાવવા માટે સંઘર્ષ કરે છે. કોઇપણ યુનિવર્સિટી તમને જીવનના આ પાઠ નથી શીખવી શકતી, માત્ર અનુભવો પરથી જ શીખી શકાય છે.

આ પહેલાં સાવજીભાઈનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેમણે પોતાની કંપનીના કર્મચારીઓને બોનસ તરીકે કાર અને ફ્લેટ્સ ગીફ્ટ કર્યા હતા. દ્રવ્યએ પિતાએ આપેલી ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો. તે કોઈ નવી જગ્યાએ જવા ઇચ્છતો હતો, જ્યાં તેને કોઇ ઓળખતું ના હોય અને ત્યાંની ભાષાથી પણ અજાણ હોય. સાવજીભાઈ કહે છે કે તેણે કોચી જવાનો નિર્ણય કર્યો. તેને મલાયલમ ભાષા આવડતી નથી અને ત્યાં સામાન્ય રીતે હિન્દી ભાષા બોલાતી નથી.

પોતાના અનુભવો વિષે જણાવતા દ્રવ્યએ કહ્યું કે શરૂઆતના પાંચ દિવસ તો મારી પાસે ના તો નોકરી હતી, ના તો રહેવા માટે જગ્યા. હું 60 જગ્યાઓએ નોકરી માંગવા ગયો પણ લોકોએ મને ના પાડી દીધી. મને સમજાયું કે લોકો માટે નોકરીનું શું મહત્વ હોય છે. તે જ્યાં પણ ગયો તેણે ખોટી વાર્તા બનાવી. તેણે કહ્યું કે તે ગુજરાતના એક ગરીબ કુંટુંબમાં જન્મયો છે અને માત્ર ધોરણ 12 સુધી જ ભણી શકયો છે. તેને પહેલી નોકરી એક બેકરીમાં મળી. ત્યારબાદ કોલ સેન્ટર, પગરખાંની દુકાન, અને મેકડોનલ્સમાં કામ કર્યું. અલગ-અલગ સ્થળોએ કામ કરીને તેણે એક મહિનામાં રૂ.4000 ભેગા કર્યા.

દ્રવ્યનું કહેવું છે કે કોચ્ચીમાં દિવસમાં 40 રૂપિયાનું જમવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. સાથો સાથ દરરોજ રહેવા માટે રૂ.250 જોઇતા હતા. દ્રવ્ય મંગળવારના રોજ પોતાના ઘરે એક મહિના બાદ પાછો ફર્યો છે.