ગુજ.દલિત અત્યાચાર પર બોલ્યા રાહુલ:આ બે વિચારધારાની લડાઈ, એક તરફ ગાંધીજી,બીજી તરફ RSS અને મોદી - Sandesh
  • Home
  • Rajkot
  • ગુજ.દલિત અત્યાચાર પર બોલ્યા રાહુલ:આ બે વિચારધારાની લડાઈ, એક તરફ ગાંધીજી,બીજી તરફ RSS અને મોદી

ગુજ.દલિત અત્યાચાર પર બોલ્યા રાહુલ:આ બે વિચારધારાની લડાઈ, એક તરફ ગાંધીજી,બીજી તરફ RSS અને મોદી

 | 11:09 am IST

ઉનાના દલિત યુવાનોને ગૌ હત્યાના મુદ્દે કેટલાક લોકો દ્વારા માર મારવાની ઘટના બની હતી. જેના કારણે રાજ્યના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રાજકોટના જેતપુરમાં મહિલાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે.દલિતો રસ્તા પર ઉતરીને વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. ગઇ કાલે ભારતીય દલિત પૈન્થર સમાજ દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આજે બીજા દિવસે પણ રાજ્યના વિવિધ શહેરોમાં બંધની પરિસ્થિતી જોવા મળી રહી છે. લીમડી ખાતે દલિત સમાજ દ્વારા રેલી યોજવામાં આવી છે. તો કુતિયાણા દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. તો આ તરફ મોડાસા વેપારી એસોશિયેશન દ્વારા આજે મોડાસા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. અમેરલીના ધારી ગામમાં પણ બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં દલિતો દ્વારા શાંતી રેલી યોજવામાં આવી છે. સાથે જ તેઓ મામલતદારને આવેદન પત્ર પણ આપશે. આ સિવાય સૌરાષ્ટ્રના તલાલા, વીંઝિયા, ધારીમાં બંધનું એલાન જાહેર કરાયું છે.  સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં હજુ આજે પણ એસટી અને બસ સેવા શરૂ કરાઈ નથી. ગઇકાલે મોડી રાત્રે પણ છૂટાછવાયા છમકલા થયા હતા. આ ઘટના સંદર્ભે અત્યાર સુધી 16 લોકોની ધરપકડ કરાઈ છે.

ગુજરાતમાં નબળા લોકોને દબાવાય છે, કચડી નાખવામાં આવે છે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સમઢિયાળા અને રાજકોટમાં દલિત પીડિતોની મુલાકાત લીધી ત્યારબાદ રાજકોટ એરપોર્ટ પર પ્રેસ કોન્ફરન્સ કરીને વિરોધીઓને જવાબ આપ્યાં હતાં. તેમણે કહ્યું કે “કેટલાક દિવસો પહેલા જે વીડિયો સમગ્ર ભારતે જોયો તે મે પણ જોયો હતો. આજે હું એ પરિવારને મળ્યો. એ યુવાઓની માતાને મળ્યો જેમને 40 લોકોએ માર્યા હતાં. માતાએ કહ્યું, પિતાએ કહ્યું કે અમને કોઈ રસ્તો દેખાતો નથી. અમને અહીં મોદીજીના ગુજરાતમાં રોજ માર મારવામાં આવે છે. કેટલાક દિવસ પહેલા હું હૈદરાબાદ ગયો હતો. ત્યાં એક યુવાને આત્મહત્યા કરી હતી.”

તેમણે વધુમાં કહ્યું કે “દિલ્હીની સરકારે તેના જ પરિવાર પર આક્રમણ કર્યું. આજે હું ગુજરાતની હોસ્પિટલમાં ગયો જ્યાં એક સાથે અલગ અલગ જગ્યાએથી 11 લોકોએ આત્મહત્યાની કોશિશ કરી હતી. તેનો શું અર્થ? સમગ્ર ગુજરાતમાંથી નબળા અને રૂપિયા ન હોય તેવા લોકોને દબાવાય છે. આ એક વિચારધારાની લડાઈ છે. એક બાજુ ગાંધીજી, નહેરુજી અને બાબાસાહેબ છે જ્યારે બીજી બાજુ આરએસએસ અને મોદીજી છે. અહીં જો કોઈ પણ વિચારધારા સામે વિરોધ ઉઠાવે તો તેને દબાવવામાં આવે છે. કચડી નાખવામાં આવે છે. મેં કહ્યું છે કે તમે ગભરાઓ નહીં. કોંગ્રેસ પાર્ટી ગુજરાતના લોકો સાથે છે. અમે આ વિચારધારાને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં હરાવીને બતાવીશું.”

કડીમાં 3 ST બસો સળગાવી, દલિતોના આંદોલનના પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં કલમ 144 લાગુ

મહેસાણાના કડીમાં દલિત સમાજ દ્વારા રસ્તાઓ પર ટાયરો સળગાવવામાં આવ્યાં છે. બંધના પગલે આજે કડી સજ્જડ બંધ છે. દલિતોએ બંધનું એલાન આપ્યું છે. આ દરમિયાન હિંસક ઘટનાઓના અહેવાલ છે. કડીમાં GIDC પાસે એસટી બસને આગને હવાલે કરી દેવાઈ છે. આ ઉપરાંત એસટી બસોના કાચ પણ ફોડી નાખવામાં આવ્યાં છે. પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી છે. રાજ્યમાં અનેક સ્થળોએ આજે દલિતોએ અત્યાચારના વિરોધમાં બંધનું એલાન આપ્યું છે. કડીમાં કાળી પટ્ટી ધારણ કરીને દલિત પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતાં અને મામલતદારને આવેદન પત્ર આપવા ગયા હતાં. જો કે મામલતદારે અણછાજતું વર્તન કરતા સમાજ રોષે ભરાયો હતો. ઉનાની ઘટના બાદ અત્યાર સુધીમાં 28 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.

આ બાજુ સુરેન્દ્રનગરમાં કલેક્ટરે સમગ્ર જિલ્લામાં 28મી જુલાઈ સુધી કલમ 144 લાગુ કરી છે. દલિત આંદોલનના પગલે આ નિર્ણય લેવાયો છે. હવે સુરેન્દ્રનગરમાં સભા કે સરઘસ કાઢી શકાશે નહીં. 4થી વધુ વ્યક્તિ એક સ્થળે ભેગા થઈ શકશે નહીં.

અમદાવાદમાં દલિત સમાજના 15 લોકોની અટકાયત કરાઈ

કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા ગયેલા દલિત સમાજના 15 લોકોની પોલીસે અટકાયત કરી છે. અટકમાં લીધેલા તમામને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવામાં આવ્યાં છે.રાહુલ ગાંધી પહોચ્યાં રાજકોટ, હોસ્પિટલમાં પીડિતોની લીધી મુલાકાત

સમઢિયાળામાં પીડિત દલિત પરિવારની મુલાકાત લીધા બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રાજકોટ પહોંચી ગયા છે. અહીં તેમણે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ દલિત પીડિતો અને તેમના પરિવારની મુલાકાત કરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાહુલ ગાંધી રાજકોટ પહોચ્યાં હતાં. તેમની સાથે કુમારી શૈલજા અને ભરતસિંહ સોલંકી પણ હાજર રહ્યાં હતાં. પીડિતોના પરિવારને સાંત્વના પણ આપી હતી.

ધોળકામાં દલિતો ઉગ્ર બનતા પોલીસ પર કર્યો પથ્થરમારો, લોકોને વિખેરવા પોલીસે ટિયરગેસના શેલ છોડ્યાં

અમદાવાદના ધોળકામાં દલિત સમાજે રેલી યોજી. કલિકુંડ ખાતે દલિત સમાજ દ્વારા રેલીનું આયોજન થયું હતું. દલિત સમાજ દ્વારા પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. પોલીસે લોકોને વિખેરવા માટે ટિયરગેસના શેલ છોડ્યાં હતાં. ગામમાં હાલ કર્ફ્યુ જેવો માહોલ છે. તાલુકા સેવા સદન બસ સ્ટેન્ડ અને નગરપાલિકાના મકાનમાં લોકોએ તોડફોડ કરી હતી. તોફાનીઓએ 10થી વધુ ખાનગી બસોને નુક્સાન પહોંચાડ્યું હતું. આ બનાવમાં 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. મહિલાઓ અને પોલીસ આમને સામને થઈ જતા પરિસ્થિતિ વધુ વણસી છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

જૂનાગઢના કેશોદમાં રેલી બની તોફાની, પોલીસે કર્યો લાઠીચાર્જ

જૂનાગઢના કેશોદમાં આજે દલિતો દ્વારા રેલી કાઢીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રેલી તોફાની બની હતી. રેલીના દલિતો દ્વારા તોડફોડ કરાતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

સુરતના ઉધના રેલવે સ્ટેશન મોટી સંખ્યામાં ટોળા ઉમટ્યાં, 40ની અટકાયત

ઉધના રેલવે સ્ટેશન ખાતે દલિત એક્તા મંચના કાર્યકરો રેલ રોકવા માટે પહોંચી ગયા હતાં. સુરતની ઉધના અને લિમ્બાયત પોલીસ સહિત રેલવે પોલીસ અને આરપીએફના જવાનો ત્યાં અગાઉથી જ હાજર હતાં છતાં રેલ રોકો આંદોલન કરવા માટે આવેલા કાર્યકરોને રોકી શક્યા નહતાં. સુરત રેલવે સ્ટેશનથી નીકળેલી નવજીવન એક્સપ્રેસ ટ્રેનને ઉધના રેલવે સ્ટેશને રોકવામાં આવી હતી. આશરે 15 મિનિટ તેને રોકી રકાઈ. મોટી સંખ્યામાં દલિત સમાજના કાર્યકરો ત્યાં હાજર રહ્યાં હાં. પોલીસે 40 જેટલા દલિત કાર્યકરોની અટકાયત કરી છે. જો કે ત્યારબાદ ટ્રેનને રવાના કરી દેવામાં આવી હતી.

કડીના મામલતદારે મસાલો ખાતા ખાતા આવેદન સ્વીકારતા દલિતો રોષે ભરાયા

મહેસાણાના કડી ખાતે ઉનાના દલિત પીડિતોને ન્યાય અપાવવા માટે કડી તાલુકાના દલિત સમાજના લોકોએ એક રેલી યોજીને કડી મામલતદારને આવેદનપત્ર આપવા આવ્યાં હતાં. જો કે મામલતદાર જ્યારે આવેદન પત્ર સ્વીકારવા આવ્યાં ત્યારે જાહેરમાં મોંમા મસાલો ચાવતા ચાવતા ્રઆવતા લોકોએ મામલતદારનો વિરોધ કર્યો હતો. જાહેરમાં મામલતદાર મસાલો ન ખાવાના નારા પણ લગાવ્યાં હતાં.આણંદના પેટલાદ ખાતે દલિત સમાજની રેલી

આણંદના પેટલાદમાં પણ દલિત સમાજે આક્રોશ વ્યક્ત કરીને રેલી યોજી હતી. પોલીસનો મોટો કાફલો આ દરમિયાન હાજર રહ્યો હતો. આણંદના SP સહિતના પોલીસ અધિકારીઓ રેલી સ્થળે હાજર રહ્યાં હતાં.

રાહુલ ગાંધીની સમઢીયાળા મુલાકાત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી પીડિત દલિત પરિવારને 5 લાખની સહાયની જાહેરાત કરી

ઉનાના દલિતોના અત્યાચારનો મુદ્દો દેશવ્યાપી હોબાળો મચાવી રહ્યો છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે આજે ઉનાના સમઢીયાળાના દલિત પરિવારની મુલાકાત કરી છે. રાહુલ ગાંધી પહેલા પ્રફુલ્લ પટેલે પણ મુલાકાત લીધી હતી. પ્રફુલ પટેલે તો એનસીપી તરફથી 2 લાખની સહાય પણ જાહેર કરી. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના નેતા કુમારીશૈલજા પણ હતાં. રાહુલ ગાંધીની મુલાકાત બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પીડિતોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. કોંગ્રેસના ગુજરાત પ્રભારી ગુરુદાસ કામત પણ રાહુલ ગાંધીની સાથે રહ્યાં હતાં.

રાહુલ ગાંધીની મુલાકાત બાદ પીડિત યુવાને જણાવ્યું કે તેઓએ રાહુલ ગાંધીને સમગ્ર ઘટનાથી માહિતગાર કર્યા હતાં. તથા દોષિતોને સજા થાય તેવી માંગણી કરી હતી. પીડિત પરિવારના સભ્ય જીતુ સરવૈયાએ પીડિતો તરફથી રજુઆત કરી હતી. જીતુએ કહ્યું કે રાહુલ ગાંધીએ તેમને બનતી તમામ મદદ કરવા જણાવ્યું છે.

વડોદરાનો પાદરા-જંબુસર હાઈવે બંધ કરાયો

દલિતોને મારપીટનો મુદ્દો હવે તુલ પકડતો જાય છે. મહિલાઓ સહિત 300નું ટોળુ આજે વડોદરામાં રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું. સૂત્રોચ્ચાર-પ્લેકાર્ડ સાથે ઉનાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં મહિલાઓએ થાળી વેલણ સાથે દેખાવો કર્યા હતાં. વડોદરાનો પાદરા-જંબુસર હાઈવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.

લીંબડીમાં VHP કાર્યાલયને બનાવાયું નિશાન, બેનર ફાડી હોળી કરાઈ

સુરેન્દ્રનગરનું લીંબડી સજ્જડ બંધમાં ફેરવાયું છે. દલિત સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દલિત સમાજ દ્વારા લીંબડીમાં દુકાનો બંધ કરાવાઈ છે. આ દરમિયાન દલિતોએ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયને નિશાન બનાવ્યું છે. કાર્યાલય બહાર બેનર ફાડીને હોળી કરાઈ હતી. લીંબડીના કટારિયા ગામે પણ દલિત સમાજે ચક્કાજામ કરી નાખ્યો છે. આ ઉપરાંત દલિત સમાજ દ્વારા રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કરાયો અને એસટી બસોને પથ્થરમારો કરવામાં આવ્યો છે. જેના પગલે રાજકોટ-અમદાવાદની તમામ એસટી બસો કેન્સલ કરવામાં આવી છે.

મહિલાએ ઝેર પીધું

મમતાબેન ચાવડા નામની મહિલાએ આત્મહત્યાનો પ્રયત્ન કરતા હોબાળો મચ્યો છે. મહિલાને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઈ છે. આ મહિલાના પતિની જેતપુરમાં થયેલી તોડફોડ મુદ્દે બે દિવસ પહેલા ધરપકડ કરાઈ હતી. ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારને પગલે રાજકીય માહોલ પણ ગરમાયો છે. દલિતોના અત્યાચારને પગલે રાજ્યમાં અજંપાભરી સ્થિતિ સર્જાઇ છે.

સાણંદમાં દલિતસમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ

દલિત સમાજના 2500થી 3000 લોકો દ્વારા આ રેલી કાઢવામાં આવી હતી. સાણંદ બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ હતી. બેનર્સ સાથે નીકળેલી રેલીએ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. ઉનાના પીડિતોને ન્યાય અપાવવાની માગણી સાથે આવેદન આપવામાં આવ્યું હતું. ઉનાના પીડિતો પર જુલ્મ ગુજારનારાને સખત સજા કરવાની માગણી કરાઈ હતી. આ વિરોધમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી. મહિલાઓએ થાળી-વેલણ વગા઼ડીને બેનર સાથે વિરોધ કર્યો હતો.

બોટાદ પાસે ચક્કાજામ
   
દલિત સમાજ દ્વારા રાજકોટ-ભાવનગર હાઈવે બંધ કરાવી દેવાયો છે. બોટાદના ઢસા પાસે હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો છે. બનાવના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે રસ્તો ખોલવાની કાર્યવાહી કરી છે.


સૌરાષ્ટ્રની સ્થિતિ
દલિતોના જનાક્રોશ વચ્ચે ઠેર-ઠેર દેખાવો થઇ રહ્યાં છે. આજે અમરેલીમાં દલિત સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું છે. ગઇકાલે મોડી રાત્રે મોરબીના શનાળા નજીક મોડી રાત્રે ટોળા એકઠા થયા હતા અને રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. બીજીબાજુ રાજકોટના કોમ્યુનિટી હોલમાં અને બીઆરટીએસ બસમાં તોડફોડ અને પથ્થરમારો થયાની ઘટના મોડી રાત્રે બની હતી. સુરેન્દ્રનગરના થાનામાં પણ મોડી રાત્રે ટોળા દ્વારા આગચંપીના બનાવો બન્યા હતા. કેટલાંક અસમાજિક તત્વોએ એસઆરપી પર પથ્થરમારો કરતાં મામલો બિચકાયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયરગેસના શેર છોડ્યા હતા.

ત્રણ દિવસમાં એસટી નિગમને અંદાજી રૂ.1.50 કરોડનું નુક્સાન
દલિત અત્યાચારના લીધે રાજ્યમાં ફાટી નીકળેલ હિંસામાં એસટી નિગમને મોટી નુકસાની ગઈ છે. જ્યાં જુઓ ત્યાં બસોને કાચ તોડવાની ઘટનાઓ બની છે, તેમજ એસટી સેવા થોભાવી દેવાની ફરજ પડી છે. ત્યારે જૂનાગઢ ST ડિવિઝનને અંદાજિત રૂ.80 લાખનું નુકસાન થયું છે. તેમજ રાજકોટમાં BRTS અને સિટી બસ મળીને રૂ.70 લાખનું નુકસાન થયાના અહેવાલો છે. હજુ આજે પણ ગોંડલ, ઉપલેટામાં હજુ ST સેવા બંધ રખાઈ છે. છેલ્લાં ત્રણ દિવસથી રાજકોટમાં બીઆરટીએસ બસની તોડફોડ કરવામાં આવી રહી છે. બીજીબાજુ રાજકોટમાં આજે પણ કેટલાંક રૂટ પર એસટી બસો બંધ રખાઈ છે. રાજકોટ-જૂનાગઢ રૂટ આજે પણ બંધ રખાયો છે.

ત્રણ દિવસમાં એસટી નિગમને અંદાજી રૂ.1.50 કરોડનું નુક્સાન
દલિત અત્યાચારના લીધે રાજ્યમાં ફાટી નીકળેલ હિંસામાં એસટી નિગમને મોટી નુકસાની ગઈ છે. જ્યાં જુઓ ત્યાં બસોને કાચ તોડવાની ઘટનાઓ બની છે, તેમજ એસટી સેવા થોભાવી દેવાની ફરજ પડી છે. ત્યારે જૂનાગઢ ST ડિવિઝનને અંદાજિત રૂ.80 લાખનું નુકસાન થયું છે. તેમજ રાજકોટમાં BRTS અને સિટી બસ મળીને રૂ.70 લાખનું નુકસાન થયાના અહેવાલો છે. હજુ આજે પણ ગોંડલ, ઉપલેટામાં હજુ ST સેવા બંધ રખાઈ છે. છેલ્લાં ત્રણ દિવસથી રાજકોટમાં બીઆરટીએસ બસની તોડફોડ કરવામાં આવી રહી છે. બીજીબાજુ રાજકોટમાં આજે પણ કેટલાંક રૂટ પર એસટી બસો બંધ રખાઈ છે. રાજકોટ-જૂનાગઢ રૂટ આજે પણ બંધ રખાયો છે.

ગઇકાલે ગુજરાતના સીએમ આનંદી બહેન પીડિત દલિત પરીવાર અને ભોગ બનાર દલિતોને મળ્યા હતા. ત્યારે આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ પીડિત દલિત પરીવાર અને અત્યાચારનો ભોગ બનેલા દલિતોને મળવા આવવાના છે. દિવ એરપોર્ટ પર ઉતરી તેઓ ઉના પીડિતોની મુલાકાતે જશે. રાજ્યસભાના સભ્ય અને પૂર્વ ઉડ્ડિયનમંત્રી પ્રફૂલ પટેલ પણ પીડિત દલિતોને મળવા માટે ઉના આવવાના છે.