ગૃહ યોજના અધ્ધરતાલઃ પાણી ખાતાને દરખાસ્ત જ નહીં - Sandesh
  • Home
  • Newspaper
  • ગૃહ યોજના અધ્ધરતાલઃ પાણી ખાતાને દરખાસ્ત જ નહીં

ગૃહ યોજના અધ્ધરતાલઃ પાણી ખાતાને દરખાસ્ત જ નહીં

 | 3:30 am IST

  • ભાગડાવડામાં હાઉસિંગ બોર્ડના લાભાર્થીઓને હજી દોઢ વર્ષ સુધી ફલેટનો કબજો નહીં મળે
  • પાણીની સુવિધા પૂરી પાડી આવાસ યોજના પૂરી કરવાની જવાબદારી તંત્રની હોવાનો મંત્રીનો એકરાર

ા વલસાડ ા

વલસાડના ભાગડાવડા ગામે એર્ફોડેબલ હાઉસિંગના નામે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો સાથે છેતરપિંડી કરનાર ગુજરાત હાઉસિંગ બોર્ડના પાપે ફ્લેટધારકોને હજી ઓછામાં ઓછા દોઢ વર્ષ સુધી તેમના શમણાંનું ઘર મળશે નહીં તેવા આસારો જણાય રહ્યા છે. રાજ્ય પાણી પુરવઠા વિભાગને પણ આ મુદ્દે હજી સુધી કોઇ પ્રપોઝલ મોકલાવી ન હોવાનું ખુદ રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ સંદેશને જણાવ્યું હતું.

ગુજરાત હાઉસિંગ બોર્ડે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી ગરીબોને રાહતદરે આવાસ પૂરા પાડવાની લોભામણી જાહેરાતો કર્યા બાદ વલસાડના ભાગડાવડા ગામે બનાવેલા ૧૮૪૨ જેટલા ફ્લેટો, કોર્મિશયલ ભાવે વેચ્યા છે. લાભાર્થીઓએ બેંકમાંથી લોન લઇને ૮૦ ટકા રકમ ભરી દીધી છતાં બાકીની રકમ ભરવા નોટિસરૃપી ધમકી આપી છે. કેટલાક લાભાર્થીઓએ પૂરા પૈસા ભરી દીધા પરંતુ પીવાનું પાણી તથા ડ્રેનેજના જોડાણની વ્યવસ્થાના અભાવે ફ્લેટોનો કબજો આપી શકાય તેમ નથી. આ મુદ્દે ગુ.હા.બોર્ડના અધિકારીઓએ ગત તા. ૦૧-૦૯-૧૮એ વલસાડ પાલિકા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં પાલિકાએ પાણી તથા ગટર જોડાણને મુદ્દે હાથ અધ્ધર કરી દીધા હતા.

ગુ.હા.બોર્ડને પાણી પૂરું પાડવા અંગે સંદેશે રવિવારે વલસાડ આવેલા પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાને પૂછતા, તેમણે સાફ-સાફ શબ્દોમાં જણાવ્યું કે, આવાસ યોજના બને ત્યારે પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની નૈતિક જવાબદારી, યોજનાનું અમલીકરણ કરનાર જે તે વિભાગની છે. આવાસ તૈયાર હોય અને પીવાનું પાણી ન આપીએ તો કોઇ હેતુ સરતો નથી.

ગરીબ લાભાર્થીઓને ફ્લેટની કુલ રકમના બાકી ૧૫થી ૨૦ ટકા નાણાં ભરવા દબડાવી રહેલા ગુ.હા.બોર્ડના અધિકારીઓ લાભાર્થી ફ્લેટધારકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા બિલકુલ ચિંતિત ન હોવાનું જણાય છે. પીવાના પાણી માટે ગુ.હા.બોર્ડ દ્વારા પાણી પુરવઠા વિભાગને હજી સુધી કોઇ પ્રપોઝલ મોકલાવી ન હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. ત્યારે ૧૮૪૨ ફ્લેટધારકોને હજી દોઢથી બે વર્ષ સુધી ફ્લેટોનો કબજો મળશે નહીં તેવી ચર્ચા ઉઠવા પામી છે.

;