ગોંડલઃ જૂન અથડામણમાં અંધાધૂંધ ફાયરિંગ; ટોળાંના હુમલામાં વેપારીનું મોત, આજે શહેર બંધનું એલાન - Sandesh
  • Home
  • Rajkot
  • ગોંડલઃ જૂન અથડામણમાં અંધાધૂંધ ફાયરિંગ; ટોળાંના હુમલામાં વેપારીનું મોત, આજે શહેર બંધનું એલાન

ગોંડલઃ જૂન અથડામણમાં અંધાધૂંધ ફાયરિંગ; ટોળાંના હુમલામાં વેપારીનું મોત, આજે શહેર બંધનું એલાન

 | 9:10 am IST

ગોંડલ શહેરના ચોરડી દરવાજા ચોક વિસ્તારમાં રાત્રીના બે જૂથ વચ્ચે માથાકૂટ થતાં અંદાજે 10 રાઉન્ડ ફાયરિંગ થતાં શહેરભરમાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. આ બનાવમાં એક યુવાનને ઇજા થવા પામી હતી. બનાવ બાદ અન્ય જૂથ પણ ઘાતક હથિયારો સાથે શહેરભરમાં ફરી વળી ભયનો માહોલ સર્જી દીધો હતો. આ ટોળાંએ ત્રણ ખૂણિયા નજીક એક વેપારી યુવાનના માથામાં બોથડ પદાર્થ ઝીંકી દેતાં તેનું મોત નીપજ્યું હતું.
 
શહેરના ચોરડી દરવાજા રોડ પર લોકોની ચહલ પહલ વચ્ચે ગુરુવારે રાત્રીના 9 વાગ્યા આસપાસ નંબર પ્લેટ વગરની ઝાયલો કારમાં ધસી આવેલા શખ્સો અને મુસ્લિમ યુવાન વચ્ચે કોઇ બાબતે માથાકૂટ થતાં ઉશ્કેરાયેલા  શખ્સોએ ફાયરિંગ કરતા ઇમરાન કરીમભાઇ કટારિયા નામના યુવાનને પગમાં અને ગળાના ભાગમાં ઇજા થઈ હતી. ફાયરિંગ કરી હુમલાખોરો કારમાં ફરાર થઇ ગયા હતા. આ શખ્સોએ 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યાનું લોકમુખે ચર્ચાતું  હતું. ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયો છે.

 
બીજી તરફ આ બનાવની વાયુવેગે શહેરમાં વાત પ્રસરી ગઇ હતી અને અન્ય એક જૂથ પણ વળતો જવાબ આપવા 100થી વધુ લોકો ઘાતક હથિયારો લઇ જીપ અને મોટરસાઇકલ ઉપર નીકળી પડ્યા હતા અને ચોરડી દરવાજા ચોકથી ત્રણ ખૂણિયા સુધીના વિસ્તારમાં ઘૂમી વળતા લોકોમાં ભયનો માહોલ સર્જાઇ ગયો હતો. આ દરમિયાન જૂના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો વ્યવસાય કરતા સંજયભાઇ ભાદાણી નામના યુવાન પસાર થતા હતા. ત્યારે ટોળાંએ તેમના પર બોથડ પદાર્થ ઝીંકી દેતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. નિર્દોષ યુવા વેપારીની હત્યા કર્યા બાદ હથિયારધારી ટોળું ભોંભીતર થઇ ગયું હતું. બનાવને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

ગોંડલ સરાજાહેર ફાયરિંગ કર્યા બાદ કાળા રંગની ઝાયલો કારમાં હુમલાખોર ભાગી છૂટ્યા હતા. પોલીસે નાકાબંધી કરી વીંછિયા પાસેથી કાર આંતરી કારમાં સવાર 5 અક્ષર ઉર્ફે ગીરી સુર્યકાંતભાઇ દુધરેજીયા, રૂષી સુરેશભાઇ રાદડિયા, મોહીત ઉર્ફે મુંડો, રમેશભાઇ સખીયા, વિશાલ આત્મારામ પાઠકર, સિધ્ધરાજ અજયભાઇ જાદવને વિછીંયા પોલીસે ઝડપી રિવોલ્વર સહિતના હથિયાર કબ્જે કર્યા હતા. જ્યારે અન્ય બે શખ્સને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓમાં મોહિત રાજકોટની ગ્રેસ કોલેજમાં અભ્યાસ કરે છે.