ગ્રહોના ઉપગ્રહોની અજાયબ દુનિયા! - Sandesh
1.6M
1M
1.7M
APPS

ગ્રહોના ઉપગ્રહોની અજાયબ દુનિયા!

 | 3:00 am IST
  • Share

આપણે ત્યાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેણે નાનપણમાં ચાંદામામાની વાર્તા ન સાંભળી હોય. એ વખતે ચંદ્રને લઈને જે કુતૂહલ રહેતું તે કદાચ વિજ્ઞાાનના પાઠ ભણતી વખતે ખતમ થઈ જતું લાગે. ખાસ કરીને ચંદ્ર એ આપણા ચાંદામામા નથી પરંતુ એક ઉપગ્રહ છે એ જાણ્યા પછી નાના બાળકને કેટલું લાગી આવતું હશે એ સવાલ છે. જોકે નક્કર વાસ્તવિકતા તો એ જ છે, અને તેનો આજ નહીં તો કાલ સામનો થવાનો જ હતો. એટલે ઉપગ્રહ વિશે માત્ર ચંદ્ર પર આવીને અટકી જવાનું નથી. શું તમને ખ્યાલ છે કે ચંદ્ર સિવાય પણ સૌરમંડળમાં બીજા અનેક ઉપગ્રહો છે? નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન ઉર્ફે નાસાએ આપણા દેશી ચાંદામામાને એક કુદરતી ઉપગ્રહના રૂપમાં વ્યાખ્યાયિત કર્યા છે, જે કદાચ સૌરમંડળના નિર્માણના શરૂઆતના સમયગાળામાં ગ્રહોની ચોતરફ હાજર ગેસ અને ધૂળની ડમરીઓથી બનેલા છે. સૌરમંડળમાં ઉપગ્રહો વિભિન્ન પ્રકાર અને આકારમાં હાજર છે. તેઓ સામાન્ય રીતે નક્કર હોય છે અને તેમનાં નામ જુદી જુદી સંસ્કૃતિઓનાં પૌરાણિક પાત્રોનાં નામો પર રાખવામાં આવે છે. જોકે એમાં યૂરેનસના ચંદ્રનું નામ અપવાદ છે, કેમ કે તેનું નામ શેક્સપિયરના પાત્ર અથવા તો એલેક્ઝાન્ડર પોપની કવિતાઓનાં નામ પર રાખવામાં આવ્યું છે. આપણા સૌરમંડળમાં એક બે ત્રણ નહીં પરંતુ અધધધ…200 જેટલા ઉપગ્રહો છે. એમાંથી સૌથી વધુ 82 ચંદ્રો એકલા શનિ ગ્રહના છે. ત્યારબાદ 79 ચંદ્રો સાથે ગુરુ બીજા સ્થાને આવે છે. જ્યારે બુધ અને શુક્ર બંનેના કોઈ ઉપગ્રહો ઉર્ફે ચંદ્રો ઉર્ફે ચાંદામામા નથી. જ્યારે આપણી પૃથ્વીનો માત્ર એક ઉપગ્રહ છે. અહીં આપણે આવા જ કેટલાક ઉપગ્રહો ઉર્ફે ચંદ્રો વિશે જાણીએ.

ચારોણ : આ પ્લૂટો ગ્રહનો સૌથી મોટો ઉપગ્રહ છે. તેની શોધ અમેરિકી ખગોળશાસ્ત્રી જેમ્સ ડબલ્યૂ ક્રિસ્ટીએ વર્ષ 1978માં યુનાઈટેડ સ્ટેટ્સ નેવલ ઓબ્ઝર્વેટરી ફ્લેગ સ્ટાફ સ્ટેશનમાં એક ટેલિસ્કોપની મદદથી કરી હતી.

ડીમોસ : આ મંગળના બે ઉપગ્રહો પૈકીનો એક છે. તેનું નામ ગ્રીક દેવતા ડીમોસ પરથી રાખવામાં આવ્યું છે. તેની શોધ અમેરિકી ખગોળશાસ્ત્રી આસફ હોલે કરી હતી. મંગળના બીજા ઉપગ્રહ એટલે ચંદ્રનું નામ ડીમોસના ભાઈ ફોબોસના નામ પરથી પાડવામાં આવ્યું છે.

ગેનીમીડ : આ ઉપગ્રહ ગુરુનો સૌથી મોટો ઉપગ્રહ છે. તેનું નામ જ્યૂસ-જ્યૂપિટરના પ્રેમીના નામ પરથી રાખવામાં આવ્યું છે. યુરોપાની જેમ તેની શોધ પણ ગેલીલિયો ગેલિલીએ વર્ષ 1610માં કરી હતી.

આઈઓ : ગુરુનો આ એક વધુ ઉપગ્રહ છે. જેનું નામ એ પૂજારીના નામ પરથી રાખવામાં આવ્યું છે જે જ્યૂસ-જ્યૂપિટરનો પ્રેમી બની ગયો હતો. યુરોપા અને ગેનીમીડની જેમ તેની શોધ પણ ગેલીલિયોએ કરી હતી.

ટાઈટન : શનિના 82 ઉપગ્રહો પૈકી આ સૌથી મોટો છે. ગ્રીક માયથોલોજીમાં ટાઈટનના નામથી જાણીતાં પૌરાણિક પાત્રોના નામ પરથી તેનું નામ રાખવામાં આવ્યું છે. ટાઈટનની શોધ 1655માં ડચ ખગોળશાસ્ત્રી ક્રિસ્ટિયાન હ્યૂજેંસે તેના ભાઈ સાથે મળીને કરી હતી.

ટાઈટેનિયા : આ યૂરેનસના 27 ઉપગ્રહોમાં સૌથી મોટો છે અને તેનું નામ વિખ્યાત નાટયકાર, વાર્તાકાર વિલિયમ શેક્સપિયરના એ મિડસમર નાઈટ્સ ડ્રીમમાં પરીઓની રાણીના નામ પરથી રાખવામાં આવ્યું છે. ટાઈટેનિયાની શોધ બ્રિટિશ ખગોળશાસ્ત્રી વિલિયમ હર્શલે 1787માં કરી હતી.

ટ્રાઈટન : નેપ્ચૂનના સૌથી મોટા ઉપગ્રહ ટ્રાઈટનની શોધ 1846માં બ્રિટિશ ખગોળશાસ્ત્રી વિલિયમ લાસેલે કરી હતી. તેણે પોતાના બનાવેલા દૂરબીનથી આ ઉપગ્રહને શોધી કાઢયો હતો. ટ્રાઈટનનું નામ ગ્રીકમાં સમુદ્રના દેવતાના નામ પરથી રાખવામાં આવ્યું છે જે પોસાઈડનનો પુત્ર છે.

ચંદ્ર : આ પૃથ્વીનો એકમાત્ર પ્રાકૃતિક ઉપગ્રહ છે. તેને સૌરમંડળના ઉપગ્રહોમાં પાંચમા નંબરનો સૌથી મોટો ઉપગ્રહ માનવામાં આવે છે. પૃથ્વીનો ઉપગ્રહ સૌરમંડળના એ ઉપગ્રહો પૈકીનો એક છે જેનું પોતાનું વાતાવરણ છે. તેને બહિર્મંડળ પણ કહેવામાં આવે છે. નાસાના કહેવા પ્રમાણે ગેલીલિયો ગેલિલી દ્વારા ગુરુના ઉપગ્રહોની શોધ કરવામાં આવી તે પહેલાં લોકો એમ જ માનતા હતા કે આપણો ચંદ્ર જ સૌરમંડળનો એકમાત્ર ઉપગ્રહ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો