ચંબા : જ્યાં પહોંચ્યા પછી પરત ફરવાનું મન નહીં થાય! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • ચંબા : જ્યાં પહોંચ્યા પછી પરત ફરવાનું મન નહીં થાય!

ચંબા : જ્યાં પહોંચ્યા પછી પરત ફરવાનું મન નહીં થાય!

 | 3:00 am IST
  • Share

ફરવાના શોખીનો માટે દિવાળીનો સમય આવી પહોંચ્યો છે ત્યારે ફરી એક વાર નવી નવી જગ્યાઓ વિશે ખાંખાખોળા શરૂ થઈ ગયા છે. જોકે રખડપટ્ટીના અઠંગ શોખીનોએ તો ક્યારના તેમના પ્લાનિંગને આખરી ઓપ આપી દીધો હશે. પણ જો તમે હજુ સુધી ક્યાં ફરવા જવું તેનું પ્લાનિંગ ન કર્યું હોય અને કુદરતી વાતાવરણ વચ્ચે સમય પસાર કરવો ગમતો હોય તો હિમાચલ પ્રદેશ બેસ્ટ સ્પોટ છે. ખાસ કરીને અહીંના સૌથી મખમલી અને વણબોટી હરિયાણી ધરાવતા શહેર ચંબા ફરવા માટે ગયા તો પરત ફરવાનું મન નહીં કરે.

ચંબા તેનાં રમણીય મંદિરો અને હસ્તકળા માટે વિખ્યાત છે. રવિ નદીના કાંઠે 996 મીટર ઊંચાઈ પર સ્થિત આ શહેર રાજાઓની પ્રાચીન રાજધાની હતી. રાજા સાહિલ વર્મને ઈ.સ. 920માં પોતાની પુત્રી ચંપાવતીના નામ પરથી આ શહેરનું નામ ચંપા રાખ્યું હતું જે કાળક્રમે અપ્રભંશ થઈને ચંબા થઈ ગયું. ચોતરફ ઊંચી પહાડીઓથી ઘેરાયેલું ચંબા પ્રાચીન સંસ્કૃતિ અને વારસાને સાચવીને બેઠું છે. ચીની પ્રવાસી હ્યુએનત્સાંગે તેનું વર્ણન કરતાં લખ્યું છે કે, તે અલકનંદા અને કરનાળી નદીઓની વચ્ચે વસેલું છે. અમુક વર્ષો પછી ચંબાને આ પ્રદેશની રાજધાની બનાવવામાં આવી હતી. 15 એપ્રિલ, 1948માં તેનો વિલય ભારત સરકાર દ્વારા શાસિત હિમાચલ પ્રદેશમાં થઈ ગયો હતો.

ચંબા ઉત્તરાખંડના મસૂરી હિલ સ્ટેશનથી 13 કલાકનો પ્રવાસ કરીને સરળતાથી પહોંચી શકાય છે. તે ટિહરી, મસૂરી, ઉત્તરકાશી તરફના રસ્તામાં વચ્ચે આવે છે. પંજાબના અમૃતસરથી તમે ટ્રેન દ્વારા ચંબા પહોંચી શકો છો. અમૃતસરથી તે માત્ર 250 કિમી. દૂર છે. ચંબાની મુસાફરી દરમિયાન તેના સર્પાકાર રસ્તાઓ અને ઊંચાં વૃક્ષોથી લદાયેલી ચક્કર આવી જાય તેવી ઘાટીઓ અને તેની અંદરથી વચ્ચે વચ્ચે ડોકાતાં નાનકડાં ઘરો તમારું મન મોહી લેશે. અહીંનું હવામાન આખું વર્ષ ખુશનુમા રહે છે અને વાતાવરણ તો એવું સુંદર છે કે એક વાર કોઈ અહીં આવી પહોંચે એ પછી સરળતાથી પરત ફરવાનું મન નહીં થાય.

ચંબામાં ફરવા અને જોવાલાયક અને જગ્યાઓ છે. જેમાં એક બાજુ ખુંડી મરાલ ડલ, ગંડાસરુ ડલ, પદરી જોત, ઝુમાર ઘાટી, તલેરુ, ચમેરા સરોવર, ચંબા ચોગાન, ભાંદલ ઘાટી, ભરમૌર અને પંજપુલા જેવાં કુદરતી સૌંદર્ય વચ્ચે વસેલાં સ્થળો છે, તો બીજી બાજુ ચૌર્યાસી મંદિર, હરિ રાય મંદિર, ચામુંડા મંદિર, ચંપાવતી મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર જેવાં અનેક મંદિરો પણ છે. મુખ્ય શહેરોથી દૂર આવેલું હોવાથી તેનું કુદરતી સૌંદર્ય તો જળવાયું જ છે, સાથે તે તમારા ખર્ચને પણ ઘટાડે છે, કેમ કે અહીં રોકાવાનો ખર્ચ અન્ય પર્યટન સ્થળોની તુલનામાં ઘણો ઓછો છે. અને એટલે જ ઘણાં પર્યટકો હવે અહીં રોકાવાનું પસંદ કરે છે. ચંબા ટૂરિસ્ટ સ્પોટ હોવાની સાથોસાથ તેની વાનગીઓ માટે પણ જાણીતું છે. ‘ઘામ’ અહીંની એક સ્વાદિષ્ટ વાનગીઓથી ભરપૂર થાળી છે જે તહેવારોના અવસરે ખાસ બનાવવામાં આવે છે. આ સિવાય તમે અહીં તુડકિયા ભાત, ભેય ઉપરાંત તિબેટિયન વાનગીઓનો પણ લુત્ફ ઉઠાવી શકો છો. આમ તો ગરમીની સિઝનમાં એપ્રિલથી જૂનનો સમયગાળો અહીં ફરવા માટે ઉત્તમ ગણાય છે, પરંતુ દિવાળીમાં જશો તોય નિરાશ નહીં થાવ.

કેવી રીતે પહોંચશો? ઃ ચંબા રોડમાર્ગે હિમાચલનાં મુખ્ય શહેરો ઉપરાંત દિલ્હી, ધર્મશાળા અને ચંદીગઢ સાથે જોડાયેલું છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો પણ અહીં નિયમિત ચાલે છે. નજીકનું રેલવે સ્ટેશન પઠાણકોટ છે જે અહીંથી 140 કિમી. દૂર છે અને તે દિલ્હી, મુંબઈ સુધી ટ્રેનો મારફત સરસ રીતે જોડાયેલું છે. અહીંથી બસ કે ટેક્સી પણ કરી શકાય. નજીકનું એરપોર્ટ પંજાબનું અમૃતસર છે જે ચંબાથી 240 કિમી. દૂર છે. અમૃતસરથી ચંબા જવા માટે બસ કે ટેક્સી સરળતાથી મળી રહે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો