ચલો બુલાવા આયા હૈ, મા અંબાને બુલાયા હૈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Shraddha
  • ચલો બુલાવા આયા હૈ, મા અંબાને બુલાયા હૈ

ચલો બુલાવા આયા હૈ, મા અંબાને બુલાયા હૈ

 | 12:30 am IST
  • Share

 અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બિરાજમાન શક્તિના સ્ત્રોત સમાન મા અંબાને નોરતાંનું આમંત્રણ પાઠવવા માટે દેશના ખૂણેખૂણેથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજીમાં ઊમટી પડે છે. શ્રાવણ માસ પૂર્ણ થતાં ભાદરવાના મહાઉત્સવની તૈયારીઓનો પ્રારંભ થઈ જાય છે. મા અંબા પ્રત્યે ગજબની આસ્થા ધરાવતા અનેક સંઘોમાં ગામેગામથી માઈભક્તો ઉમંગભેર જોડાય છે. કરોડો માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલું અંબાજી ધામ આ દિવસોમાં જાણે નવા કલેવર ધારણ કરે છે. મંદિર રોશનીથી ઝગમગે છે. સુવર્ણ કળશોથી શોભતા શિખર અને ચાચર ચોકમાં આવેલા નૃત્ય મંડપમાં ભક્તો ભાવવિભોર બની જાય છે. મા જગદ્જનનીનો કોઈ ચુંબકીય પ્રભાવ જ ભક્તોને ખેંચી લાવતો હોય તેવો અલૌકિક આનંદ માઈભક્તો અનુભવે છે.

ભાદરવી પૂનમના મેળામાં આવતા પદયાત્રીઓ બોલ માડી અંબે… જય જય અંબે…અંબાજી તો દૂર હૈ જાના જરૃર હૈ…ના જયઘોષ, પ્રતિઘોષ કરતા માનો રથ ખેંચતા ગુલાલના ગુબ્બારા સાથે ગરબા, છંદ, માતાજીની સ્તુતિમાં નાચતા-કૂદતા ભાવવિભોર બની જાય છે ત્યારે અરવલ્લીની કઠિન ઘાટીમાં ભક્તિની બુલંદી ટોચ ઉપર હોય છે. માર્ગમાં બપોરે વિરામ કરીને સાંજ થતાં જ ડુંગરોમાં વિસામો લઈ રહેલા ભક્તો ધીરેધીરે માર્ગ ઉપર પદયાત્રાનો પ્રારંભ કરતા હોય છે ત્યારે માર્ગ ઉપર જાણે ભક્તોનું ઘોડાપૂર ઊભરાયું હોય તેવું દૃશ્ય આકાર લે છે અને શ્રદ્ધાના ઝગમગતાં દીવડાંસમાન પદયાત્રીઓ માને શીશ ઝુકાવવા અધીરા બનતા હોય છે ત્યારે હસતાં-રમતાં તો ક્યાંક ગરબે ઘૂમતાં ફૂલ જેવા વહાલસોયાને પારણામાં ઝુલાવતાં દંપતી ભાવવિભોર બનીને માર્ગ ટૂંકો કરતાં જોવા મળે છે. કેટલીક વૃદ્ધાઓ માની ઝાકઝમાળ માંડવડી માથે ઉપાડીને શ્રદ્ધાના સથવારે અનેરા જુસ્સાથી જગદ્જનનીના ધામમાં જવા દોટ મૂકતી હોય છે. ભાદરવી પૂનમના મેળામાં એક હજારથીયે વધુ સંઘ આવે છે. માને હજારોની સંખ્યામાં ધજા-પતાકાઓ ચઢે છે ત્યારે ભાદરવી પૂનમનો મેળો માઈભક્તો માટે એક મહામહોત્સવ સમાન બની જાય છે.

અંબાજી તરફ જતાં તમામ માર્ગો ઉપર પદયાત્રીઓને કોઈપણ તકલીફ ન પડે તે માટે માર્ગમાં તેમની સેવામાં અનેક સેવા કેમ્પોમાં સેવકો જાણે રાહ જોતાં હોય તેવા ભાવથી શામિયાણામાં લઈ જઈને ભક્તોને ભાવપૂર્વક ચા-નાસ્તો, ઘીના શીરાનું જમણ તો પૂરી-શાક, દાળ-ભાત, ખીચડી-કઢી, લીંબુ શરબત, ગરમ પાણી અને નાહવા-ધોવાની તમામ સુવિધાઓ સાથે મેડિકલ સારવાર માટે સેવકો ચોવીસે કલાક સેવામાં તત્પર રહે છે. માઈભક્તોની સેવા માટે જાણે માએ જ તેના દૂત મોકલ્યા ના હોય! તેવાં સાક્ષાત્ દર્શન આ સેવાધારીઓમાં થતાં હોય છે. અંબાજીની પદયાત્રાની પરંપરા ૨૦૦ વર્ષથી પણ જૂની હોવાનું મનાય છે. વર્ષો પહેલાં અમદાવાદમાં જ્યારે પ્લેગની બીમારી ફાટી નીકળી હતી ત્યારે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા હતા. પ્લેગના ભરડામાં લોકોને મરતા જોઈ અમદાવાદના નગરશેઠ હઠીસિંહે મા અંબાની આરાધના કરી. જગતજનની મા અંબાના હૃદય સુધી જાણે પ્રાર્થના પહોંચી ગઈ હોય તેમ પ્લેગની મહામારી ધીમે ધીમે બંધ થઈ ગઈ. હઠીસિંહની શ્રદ્ધા બળવત્તર બની અને તેઓ બ્રાહ્મણોની સાથે મા અંબાના દર્શનાર્થે પગપાળાએ આવ્યા હતા. જે લાલ ડંડાવાળા સંઘ તરીકે પ્રચલિત છે. આજે પણ સ્વયંશિસ્ત તરીકે પ્રચલિત લાલ ડંડાવાળો સંઘ સંપૂર્ણ ર્ધાિમક માનમર્યાદા અનુસાર ૧૮૫ વર્ષથી હઠીસિંહ શેઠના રૃટ મુજબ વર્ષોથી ગામડાં ખૂંદતો ખૂંદતો અંબાજી પહોંચે છે. આ સંઘ જ્યારે માના ધામમાં પહોંચે છે ત્યારે સમગ્ર મંદિર પરિસર માઈ ભક્તોના જયઘોષથી ગુંજી ઊઠે છે.

હિંદુ પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવે સતીના શબના જે બાવન ટુકડા કર્યા તેમાંથી બાવન શક્તિપીઠ બન્યાં અને બાવન ટુકડા પૈકી હૃદયનો ટુકડો અંબાજીમાં પડયો ત્યારથી આ સ્થળ જગતજનનીનું આદ્ય શક્તિપીઠ તરીકે જગપ્રસિદ્ધ બન્યું. શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધના ૩૪મા અધ્યાય મુજબ દ્વાપર યુગમાં પણ નંદરાજા અને યશોદા, ગોકુળનાં ગોપ-ગોપાંગનાઓ સાથે આવીને ભગવાન કૃષ્ણનું ચૌલકર્મ ગબ્બરગઢ ઉપર કરીને માના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજીમાં રોકાયા હતા. મા અંબા ભવાનીની કથા ત્રેતાયુગ જેટલી પૌરાણિક છે. રાવણે સીતાનું હરણ કરતાં સીતાની શોધમાં નીકળેલા રામ-લક્ષ્મણ અર્બુદા પર્વતમાં શૃંગી ઋષિના આશ્રમે આવ્યા હોવાનો ઉલ્લેખ છે. શૃંગી ઋષિએ તેઓને આરાસુરમાં ગબ્બરગઢ ખાતે અંબાજીની સ્તુતિ કરવાની સલાહ આપી. સ્તુતિથી પ્રસન્ન થઈ દેવીએ રામને અજયબાણભેટ આપ્યું. જેના પછી રામે રાવણનો વધ કર્યો. આમ આ મંદિર પણ ઐતિહાસિક કાળનું વર્ષો પુરાણું હોવાની માન્યતા છે.

અંબાજી મંદિરમાં કોઈ દેવીની ર્મૂિતની પૂજા થતી નથી, પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. વીસાયંત્રને શણગાર, ચૂંદડી, મુગટ એવી રીતે ગોઠવાય છે જેથી માતાજીની ર્મૂિત હોવાની પ્રતીતિ થાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે. જે ઉજ્જૈન, નેપાળની શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. યંત્રસ્થાનમાં નજરથી જોવાનો નિષેધ હોઈ આંખે પાટા બાંધી યંત્રપૂજન કરવામાં આવે છે. શ્રીયંત્ર વૈષ્ણવ સંપ્રદાય, શિવ સંપ્રદાય અને શક્તિ સંપ્રદાય એમ ત્રણ સંપ્રદાયથી વણાયેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન