ચેક રિટર્ન કેસમાં વેપારીને એક વર્ષની કેદની સજા

44

સુરત : યાર્ન ખરીદી પેટે આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં એડિશનલ સિનિયર સિવિલ જજની કોર્ટે આજે આરોપી વેપારીને એક વર્ષની કેદ અને ચેકની રકમ રૂ. ૧.૩૫ લાખ વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો હતો.

સુરતમાં દિલ્હીગેટ પાસે બેલ્જિયમ સ્ક્વેરમાં એન.જે.ટેક્સ્ચ્યુરાઇઝર્સ પ્રા.લિ. કંપની યાર્ન વેચવાનું કામ કરે છે. સુરતમાં જ ઝાંપાબજારમાં સુપર યાર્ન માર્કેટમાં યાર્નનંુ કામ કરતા સાગર કોર્પોરેશનના પ્રોપરાઈટર બિપીનભાઈ બી. નાયકે તેમની માર્કેટમાં મોટી ઓળખાણ છે અને સાથે ધંધો કરીશું તો બન્નેને લાભ થશે એવી લાલચ આપી જાન્યુઆરી-૨૦૦૪માં રૂ. ૯૧૨૩૬ની કિંમતનું યાર્ન ખરીદ્યું હતું.     લાંબા સમયની ઉઘરાણી બાદ તેમણે ચેક આપ્યા હતા પણ ચેક અપૂરતા બેેલેન્સના શેરા સાથે પરત થયા હતા. આ અંગે નોટિસ આપવા છતાં નાણાં ન મળતાં એન.જે.ટેક્સ્ચ્યુરાઈઝર્સના ડિરેક્ટર દીપકભાઈ નાનુભાઈ શાહે તેમના એડવોકેટ જનક દેસાઈ મારફત બિપીન નાયક સામે કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી.  આ કેસ ચાલી જતાં એડિશનલ સિનિયર સિવિલ જજ આર.જે.પટેલે આરોપી બિપીન નાયકને એક વર્ષની કેદની સજા ફરમાવી હતી અને ચેકની રકમ રૂ. ૧.૩૫ લાખનો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા ભોગવવા હુકમ કર્યો હતો. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે બેંકિંગ ટ્રાન્ઝેક્શનની વિશ્વનિયતા વધારવા નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઈ કરવામાં આવી છે. આવા ગુનાને હળવાશથી લઈ શકાય નહીં.