છોટાઉદેપુરમાં આદિવાસીઓ દ્વારા દિવાસા પર્વની ઉજવણીની તૈયારીઓ - Sandesh
  • Home
  • Baroda
  • છોટાઉદેપુરમાં આદિવાસીઓ દ્વારા દિવાસા પર્વની ઉજવણીની તૈયારીઓ

છોટાઉદેપુરમાં આદિવાસીઓ દ્વારા દિવાસા પર્વની ઉજવણીની તૈયારીઓ

 | 1:19 am IST

છોટાઉદેપુર, તા.૨૨

છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતો ખેતીની ઓરણી કરી નાખે પછી વર્ષો વર્ષ દિવાસાનો પર્વ ધામધુમથી ઉજવીને આનંદ માણે છે. આ પર્વ દરેક ગામમાં જુદા જુદા દિવસોમાં ઉજવાય છે. શ્રાવણ માસની શરૃઆત થાય એ અગાઉ પૂર્ણ કરી દેવામાં આવે છે.

 આદિવાસીના તહેવારમાં ખેતરમાં ઓરણી કરી દીધા પછી ગામના આગેવાનો કયારે દિવાસાનો પર્વ મનાવવો એ અંગે નક્કી કરે છે. જેમાં દરેક વિસ્તાર જેવા કે કંવાટ, નસવાડી, પાવી જેતપુર અને છોટાઉદેપુર તાલુકામાં વર્ષો જુની માન્યતા મુજબ ઉજવવામાં આવે છે. આ પર્વમાં સૌ પોતાના સગાઓને નિમંત્રણ આપી તહેવારનો આનંદ માણવા માટે બોલાવે છે.

દિવાસાના તહેવારની ઉજવણી પહેલા ગામના ગોદરી દેવનું સ્થાનક આવેલ હોય ત્યાં આગળ પૂજન વિધિ સૌ ભેગા થાય છે. અને પોતાની ઇચ્છા મુજબ દેવને ખુશ કરવા અર્થે ભોગ આપે છે. અને પોતાની ખેતી સારી થાય એ માટે દેવને પ્રાર્થના કરે છે. રંગપુર રાઠ વિસ્તારમાં ત્યાંના રહીશ સોમભાઇ રાઠવાના જણાવ્યા મુજબ દુધીયા દેવની પૂજા કરવામાં આવે છે. અને ત્યાર પછી એક ખાડો ખોદીને એક લોટો દુધ તેમાં નાખવામાં આવે છે. પછી એક કલાક પછી એ દુધને લોટામાં ભરવાનું હોય છે. જો દુધ ખાડામાં નાખ્યા જેટલું લોટામાં પરત આવે તો એમ સૌ એમ માને છે કે ચાલુ વર્ષે ખેતી સારી થશે. દુધ ઓછુ થાય તો ખેતી બરાબર થાય નહીં તેમ સૌ માને છે અને એ બાજુ બધા ગુરૃવારના દિવસે દિવાસાનો પર્વ ઉજવવાનું પસંદ કરે છે.

અત્યારે જુદા જુદા ગામમાં દિવાસાનો પર્વ ઉજવાય રહ્યો છે એ માટે જરૃરી જરૃરીયાતની વસ્તુઓ હાટબજારમાં ગામડાની પ્રજા ખરીદ કરી રહી છે. અને ચાલુ વર્ષે ખેતી સારી થશે તેવી આશા સૌ રાખી રહ્યા છે.

આ પર્વની અંદર અડદના ઢેબરા તથા અન્ય ખાણી પીણીનું મહત્વ વિશેષ હોય છે. જેથી હાલમાં અડદની ખરીદી પણ સૌ કરી રહ્યા છે. આ પર્વમાં આની સાથે સૌ ગામમાં રાત્રીના એકત્રીત થઇ પાવા લઇ નાચગાન પણ કરતા હોય છે.

અગાઉના વર્ષોમાં આ દિવાસાના તહેવારમાં અનેક વખત ઝાડા ઉલ્ટીના કેસો મોટા પ્રમાણમાં નોંધાયા છે. અને હાલમાં પણ ચાલુ થઇ ગયા છે. આમા મળેલ વિગતો મુજબ અડદના ઢેબરા ત્રણ થી ચાર દિવસ સુધી ખાવાનો ઉપયોગમાં લેવાય છે. જેમાં ફુગ થઇ જતા રોગચાળો વકરતો હોવાનું બહાર અગાઉ આવ્યું છે.

તો તે અંગે પ્રજાને આરોગ્ય વિભાગ તરફથી જાગૃત કરવામાં આવે એ ખુબ જરૃરી છે. વર્ષો પહેલા આ પર્વની અંદર કોલેરાના અનેક કેસો પણ નોંધાયા હતા અને મૃત્યુ આંક પણ ઉચો ગયો હતો. જિલ્લામાં આ દિવાસા પર્વ ઉજવાય રહ્યો ત્યારે આરોગ્ય તંત્ર ગામડામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને યોગ્ય સારવાર મળે તેવું આયોજન કરવું જોઇએ તેવી પ્રજાની માંગ છે. જયાં દિવાસાના તહેવારો પતી ગયા છે. ત્યાં હાલમાં ખેતરોની અંદર ઘાસ નિંદામણનું કાર્ય પુર જોશમાં ચાલી રહ્યું છે.