'જવાબદારી'નામના શબ્દના અદૃશ્ય ભારને ગ્રહણ કરતી પ્રેમિકા જ્યારે પત્ની બને ત્યારે...  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • ‘જવાબદારી’નામના શબ્દના અદૃશ્ય ભારને ગ્રહણ કરતી પ્રેમિકા જ્યારે પત્ની બને ત્યારે… 

‘જવાબદારી’નામના શબ્દના અદૃશ્ય ભારને ગ્રહણ કરતી પ્રેમિકા જ્યારે પત્ની બને ત્યારે… 

 | 12:30 am IST
  • Share

 

જવાબદારીઆ શબ્દ સાંભળતા જ અદૃશ્ય ભાર આપણી અંદર વર્તાઈ આવતો હોય છે, કોઇપણ કાર્ય જ્યારે જવાબદારીમાં પરિણમે ત્યારે તે સમયાંતરે ભારરૃપ લાગવા માંડતું હોય છે. વળી માણસનું મન એવું છે કે જે વસ્તુ આપણને દૂરથી સારી લાગતી હોય, દૂરથી જે વસ્તુ કરવાનો હરખ થતો હોય તે જ્યારે આપણી માથે આવે ત્યારે આપણે તેનાથી જલદી અકળાઇ જઇએ છીએ. આપણે તે સમયે એવું નથી વિચારતા કે ભવ્ય ભૂતકાળમાં આપણે જ આ કાર્ય કરવા તલપાપડ થતાં હતા. સાદું ઉદાહરણ જ લઇએ, તારા અને વિવેક એકબીજા સાથે સંબંધમાં આવ્યાં ત્યારે બંનેને એકબીજાનો સહવાસ હંમેશ માટે ક્યારે મળશે તે વિશે તેઓ સતત વિચારતાં રહેતાં. રાતના સમયે થતાં ફોનકોલ્સમાં બંને લગ્ન પછી આમ કરીશંુ, તેમ કરીશું જેવી ફેન્ટસી શેર કરતાં. વિવેક કહેતો *તારુડી, તું જોજેને લગ્ન પછી તો હું તારાથી દૂર રહીશ જ નહીં. ઓફિસ જવું પડે એટલે જઇશ પણ એ સિવાય તારી આગળ પાછળ જ ફર્યાં કરીશ.* સામે તારા પણ શરમાઇને જવાબ આપતી હોય કે હું પણ એવું જ ઇચ્છું છું. હવે આ જ કપલનાં જ્યારે લગ્ન થાય, લગ્ન બાદની જવાબદારી નિભાવવાની આવે ત્યારે બને કે કદાચ આ પ્રેમ જેવો લગ્ન પહેલાં હોય એવો લગ્ન પછી ન રહે. સિવાય કે તમે બધી સમજદારી અને સ્વીકારભાવ સાથે લગ્ન કર્યાં હોય તો અલગ વાત છે. બાકી ઘણાંખરાં પ્રેમલગ્ન આ જવાબદારીના ભારથી જ તૂટી જતાં હોય એવા અઢળક દાખલા આપણી સમક્ષ છે, કારણ કે આવા કેસમાં બંને પાત્રમાંથી કોઇ એ સમજવા તૈયાર નથી હોતું કે લગ્ન પહેલાંની દૂર રહીને માણવામાં આવતી લવલી લાઇફ કરતાં લગ્ન બાદની લાઇફ તદ્દન અલગ હોય છે. ખેર, એમાં કોઈનો વાંક કાઢવો એ તો બીજી વાત છે, પણ પહેલી વાત એ કે પાર્ટનર્સ પોતે પણ લગ્ન પહેલાં જેવા હોય છે તેવા લગ્ન પછી નથી રહી શકતાં.

આઝાદી

જેટલી આઝાદી પુરુષ માટે મહત્ત્વની છે તેટલી જ સ્ત્રી માટે પણ મહત્ત્વની છે. જોકે લગ્ન બાદ આ બાબતે પણ કંકાસ થતા હોવાના દાખલા છે, સ્ત્રી જ્યારે લગ્ન પછી પણ પોતાના મિત્રો સાથે વારંવાર હેંગાઉટનો પ્લાન બનાવતી રહેતી હોય તો પુરુષથી તે એક લિમિટથી વધારે સહન નથી થતું. અલબત્ત, લગ્ન પહેલાં થતાં હરવા ફરવાના પ્લાન્સ લગ્ન બાદ એટલા ન થાય એ પણ સ્વીકારી લેવું જોઇએ. જે સ્ત્રી કે પુરુષ એ વાત નથી સ્વીકારી શકતાં તેમના સંબંધોમાં સમસ્યા સર્જાતી જ હોય છે. એ જ રીતે લગ્ન પહેલાં અઢળક શોપિંગ કરતી ગર્લફ્રેન્ડ માટે બોયફ્રેન્ડ એવી શાન બતાવતા હોય છે કે મારાવાળીને જેવાંતેવાં કપડાં ન ચાલે, એને તો ટિપટોપ જ જોઇએ. આ જ બોયફ્રેન્ડ પતિ બને ત્યારે પત્નીના વધારાના ખર્ચથી તંગ આવી ગયો હોય છે. સામે પક્ષે સ્ત્રીએ પણ લગ્ન બાદ અમુક મેનેજમેન્ટ કરીને ખર્ચ કરવાની આઝાદી અને આદત કેળવવી જોઇએ.  

સ્વભાવમાં બદલાવ  

સ્ત્રી જ્યારે પ્રેમિકા હોય છે ત્યારે તેની અંદરની પ્રેમિકા સોળે કળાએ ખીલેલી હોય છે, પણ લગ્ન બાદ જવાબદારીનો બોજ એ પ્રેમિકાને હળવેથી ધક્કો મારીને સાઇડ ઉપર કરી દે છે, પહેલાં નાની નાની વાતે કેર કરતી સ્ત્રી લગ્ન બાદ સવારથી કામે લાગી હોય ત્યારે તેની અંદર અનેક કામના બોજ હોય, એવા સમયે હંમેશાં ખુશખુશાલ રહેતી સ્ત્રીનો ગુસ્સો પણ સામે આવે છે. સામે પક્ષે પુરુષમાં પણ એવા ફેરફાર આવતા રહેતા હોય છે, ‘ત્યારે તું બદલાઇ ગઇ,’ કે તું બદલાઇ ગયોએવા આક્ષેપો કરવાને બદલે સમજણથી કામ લેવું જરૃરી છે.  

ખાસ કરીને

નાના પરિવારમાંથી મોટા પરિવારમાં પરણેલી સ્ત્રી  

એક છોકરીનો પરિવાર નાનો હોય અને તે નાનામાંથી મોટા પરિવારમાં પરણી હોય ત્યારે સ્ત્રીનો સ્વભાવ, પરિવારની રહેણીકરણી, સાસરિયાંના સ્વભાવ, પોતાના અનુભવ અને પોતાની સાથે થતાં વર્તન મુજબ બદલાતો હોય છે, આ સ્વાભાવિક પ્રોસેસ છે, તે અંગે ફરિયાદ કરવાને બદલે તે પ્રોસેસની પાછળનું કારણ સમજીને પછી સ્ત્રીના સ્વભાવમાં આવેલા બદલાવ વિશે જજમેન્ટ આપવું જોઇએ.  

લવીડવી અવસ્થા અને દાંપત્યજીવન…  

આપણે એક વાક્ય સમજદાર વ્યક્તિઓ પાસેથી હંમેશાં સાંભળ્યું હોય છે કે જ્યાં સુધી તમે કોઇ વ્યક્તિ સાથે રહેવાનું શરૃ ન કરો ત્યાં સુધી તમે તેને સંપૂર્ણપણે ઓળખી ન શકો, કારણ કે બે અલગ અલગ પરિવારમાં ઉછરેલી વ્યક્તિઓની રહેણીકરણી અલગ હોય છે, તેમના વિચારો અલગ હોય છે. અલબત્ત, પ્રેમ ત્યારે જ થાય જ્યારે વિચારો સરખા હોય, પણ જ્યારે સાથે રહેવાનું થાય ત્યારે જ સાચું સમજાતું હોય કે બે વ્યક્તિ એવું વિચારતી હોય કે આપણા વિચારો કેટલા મળતા આવે છે. તેમના પણ વિચારો ઘણી જગ્યાએ અલગ પડતાં હોય છે. આમાં કશી ખોટી વાત નથી. પાર્ટનર્સ હોય એટલે દરેક વાતે બંનેના વિચારો મળતાં હોય એવું જરૃરી નથી હોતું, પણ આ વાતને સ્વીકારવાને બદલે ઘણાંખરાં કપલ્સમાં એવું જોવા મળ્યું છે કે તેઓ આ વાતે ઝઘડી પડે છે. એ સમયે લગ્ન પહેલાંનો લવીડવી સમય બંનેને યાદ આવે છે, ત્યારે એવું થાય કે યાર પહેલાં તો તું મારી દરેક વાત માનતી, પહેલાં તો હું જેમ કહું એમ તને યોગ્ય લાગતું, હવે અચાનક શું થયું? એ જ રીતે લગ્ન બાદ સાથે રહેવામાં પણ આવી સમસ્યાઓ થવા લાગે છે. જેમ કે, પાર્ટનરની કોઇ આદત વિશે ન ખબર હોય, અથવા તો પહેલાં દૂર રહેવાનું હોય તો એ આદત બહુ બોધર ન કરતી હોય પણ લગ્ન બાદ એ આદત સમસ્યા રૃપ બની જાય છે. જેમ કે, લગ્ન પહેલાં છોકરીને ભોજન બનાવતાં ન આવડતું હોય તો પણ તેણે કંઇક બનાવ્યું હોય એનાં ભારોભાર વખાણ કરતો બોયફ્રેન્ડ લગ્ન બાદ પતિ બને છે ત્યારે તેને પત્નીની આ વાત દોષ બનીને ખૂંચતી હોય છે.  

બીજી તરફ સ્ત્રી પણ લગ્ન પહેલાં જેટલી કેરિંગ હોય તેવી લગ્ન બાદ હંમેશ માટે નથી રહેતી. દિવસમાં ત્રણ વાર જમ્યા કે નહીં એવું પૂછવાવાળી સ્ત્રી લગ્ન બાદ ટિફિન કરી દેતાં પણ ખચકાતી હોય છે. પોતાના પ્રેમના ભોજનનો લગ્ન પહેલાં ખ્યાલ રાખતી સ્ત્રી લગ્ન પછી પણ એવો જ અને એ જ રીતે ખ્યાલ રાખશે એવા ખયાલી પુલાવ ન પકાવવા જોઇએ. ઘણી વાર કપલ્સમાં એકબીજાની લેઝિનેસના કારણે, એકબીજાના સ્વભાવને કારણે પણ સમસ્યા સર્જાય છે. લગ્ન પહેલાં સાથે ફરતાં છોકરા-છોકરીઓ તે સમયે સહવાસને માણતાં હોય છે, કારણ કે થોડા સમય માટે જ સાથે રહેવાનું હોય છે, જ્યારે લગ્ન બાદ હંમેશાં સાથે રહેવાનું થાય ત્યારે અનેક વાંધાવચકા નીકળે છે.

અને અંતે… 

કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, સાચી વાત છે, પણ આ પ્રકૃતિમાં સમયાંતરે અનુભવ અને જવાબદારીના કારણે બદલાવ આવતો રહેતો હોય છે, આ એક નેચરલ પ્રોસેસ છે, તે માત્ર સ્ત્રીમાં જ નહીં પુરુષમાં પણ લાગું પડે છે, તેથી આ પ્રોસેસને સમજીને તેની સાથે તાલમેલ સાધવા માટે બંને પાત્રએ પોતાની અંદર સમજદારી કેળવવાની વધારે જરૃર હોય છે. જો બંને પક્ષે સમજદારી હશે તો સ્વભાવના દરેક બદલાતાં રંગને સ્વીકારીને આગળ વધવાની ક્ષમતાં બંને પાત્રમાં આપોઆપ કેળવાઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન