જાણી લો બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં કયા દેવ છે શ્રેષ્ઠ ? - Sandesh
  • Home
  • Astrology
  • જાણી લો બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં કયા દેવ છે શ્રેષ્ઠ ?

જાણી લો બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં કયા દેવ છે શ્રેષ્ઠ ?

 | 10:47 am IST

સમગ્ર સૃષ્ટિની રચના ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા કરવામાં આવી છે. પરંતુ આ ત્રણેય દેવોમાં સૌથી વધારે શ્રેષ્ઠ ભગવાન વિષ્ણુને માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સમયાંતરે પૃથ્વી પર અલગ અલગ અવતારમાં પ્રગટ થયા અને દુષ્ટોનો નાશ કરી પોતાના ભક્તોની રક્ષા કરી છે. આ કારણથી તેઓ ભક્તોના તો પ્રિય છે. પરંતુ શું તમે જાણો છો કે વિષ્ણુ ભગવાન ત્રિદેવમાં કયા કારણથી શ્રેષ્ઠ છે? તેની પાછળનું કારણ તમને આ રોચક કથા પરથી જાણવા મળી જશે.

એક સમયની વાત છે તમામ દેવતાઓએ ભૃગુને આગ્રહ કર્યો કે તેઓ નક્કી કરે કે ત્રણેય દેવોમાં શ્રેષ્ઠ કોણ છે. આ વાત માની ભૃગુ દેવોની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેઓ સૌથી પહેલા ભગવાન મહાદેવ પાસે ગયા. તેમણે મહાદેવની બુરાઈ કરી અને તેમને કેટલાક પ્રશ્નો પુછ્યા, આ વાતથી ભોળાનાથ રોષે ભરાયા અને ભૃગુને ત્યાંથી ભગાડી દીધા.

ત્યાર પછી તેઓ બ્રહ્મા પાસે ગયા અને તેમને પણ કેટલાક કટુ વચન કહી અને પ્રશ્નો પુછ્યા તો બ્રહ્માજી પણ ગુસ્સે થઈ ગયા. અંતે ભૃગુ ભગવાન વિષ્ણુ પાસે તેમની શ્રેષ્ઠતા ચકાસવા ગયા.

ભૃગુ ક્ષીર સાગરમાં પહોંચ્યા ત્યારે ભગવાન શેષનાગ પર બિરાજમાન હતા. તેઓ શ્રીહરીની નજીક ગયા અને આક્રોશિત થઈને તેમણે વિષ્ણુ ભગવાનના વક્ષસ્થળ પર પોતાના પગથી પ્રહાર કર્યો.

ભગવાન વિષ્ણુએ તેમના પર થયેલા પ્રહાર પછી ભૃગુનો પગ પોતાના હાથમાં લીધો અને વિનમ્રતાથી કહ્યું, “ઋષિવર મારું વક્ષસ્થળ કઠોર છે, તમારા કોમળ ચરણ ઘાયલ તો નથી થયા ને? તમને વાગ્યું તો નથીને”. આ ઘટનામાં ભગવાન વિષ્ણુની વિનમ્રતા અને સહિષ્ણુતા જોવા મળી. આથી તેઓ દેવોમાં સર્વશ્રેષ્ઠ સાબિત થયા. આ વાત પરથી ભગવાનએ એ વાત પણ સાબિત કરી કે ભક્તિનું ફળ પણ ત્યારે જ મળે છે જ્યારે ભક્ત તૃણ કરતાં પણ વધારે નમ્ર અને વૃક્ષથી પણ વધારે સહનશીલ થઈને ભક્તિ કરે.