જાણો કઈ રીતે ટેસ્ટમાં નંબર વન બની શકે છે ટીમ ઈન્ડિયા - Sandesh
  • Home
  • Sports
  • જાણો કઈ રીતે ટેસ્ટમાં નંબર વન બની શકે છે ટીમ ઈન્ડિયા

જાણો કઈ રીતે ટેસ્ટમાં નંબર વન બની શકે છે ટીમ ઈન્ડિયા

 | 7:24 am IST

ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન અને નંબર બે પર રહેલી ઓસ્ટ્રેલિયા અને ભારતને પોઇન્ટ ગુમાવવાથી બચવું હોય તો પોત-પોતાની સિરીઝમાં વધુમાં વધુ મેચ જીતવી પડશે. વેસ્ટ ઇન્ડીઝ ચાર ટેસ્ટ મેચની સિરીઝ માટે ભારતની યજમાની કરશે જેની પ્રથમ ટેસ્ટ મેચ આગામી ગુરૂવારથી શરૂ થશે જ્યારે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ યોજાનાર છે જેની પ્રથમ ટેસ્ટ ૨૬મી જુલાઈથી પલ્લેકલમાં યોજાશે.

ભારત આઠમા સ્થાને રહેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ કરતાં ૪૪ પોઇન્ટ આગળ છે જ્યારે ઓસ્ટ્રેલિયા સાતમા નંબરે રહેલી શ્રીલંકા કરતાં ૩૩ પોઇન્ટની લીડ ધરાવે છે. આ સ્થિતિમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સિરીઝ જીતવામાં નિષ્પળ રહે તો તેમને પોઇન્ટ ગુમાવવા પડશે એટલે કે, પોતાનું સ્થાન જોખમમાં મુકાઈ શકે છે.

ભારત અત્યારે ૧૧૨ પોઇન્ટ ધરાવે છે. જો તેણે પોતાનું સ્થાન જાળવી રાખવું હોય તો સિરીઝ ૩-૦થી જીતવી પડશે. ભારત ૩-૧ અથવા ૨-૦થી સિરીઝ જીતે તો બે પોઇન્ટનું નુકસાન થશે. બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝ ૩-૧ અથવા ૨-૦થી જીતે તો તેના ૭૯ પોઇન્ટ થઈ જશે અને ભારતના ૯૮ પોઇન્ટ થશે. આ રીતે ઓસ્ટ્રેલિયાને પોતાના ૧૧૮ પોઇન્ટ જાળવી રાખવા માટે શ્રીલંકા સામે ૨-૦ અથવા તેનાથી વધુ સારા પરિણામ સાથે સિરીઝ જીતવી પડશે.

જો શ્રીલંકા ૧-૦થી સિરીઝ જીતી જાય તો તેને સાત પોઇન્ટ મળશે જેને કારણે તેના ૯૨ પોઇન્ટ થઈ જશે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમના ૧૧૧ પોઇન્ટ જ રહી જશે. ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝને કારણે રેન્કિંગમાં ઘણા બદલાવ જોવા મળી શકે તેમ છે.

બોલિંગ રેન્કિંગમાં યાસિર શાહ અત્યારે નંબર વન છે અને બીજા નંબરે રહેલા અશ્વિન કરતાં સાત પોઇન્ટ વધુ છે. ભારતને ચાર ટેસ્ટ રમવાની છે જ્યારે પાકિસ્તાનને ત્રણ ટેસ્ટ રમવાની બાકી છે ત્યારે બંને વચ્ચે નંબર વન બોલર બનવા માટે જંગ જોવા મળી શકે છે. આ ઉપરાંત એન્ડરસનની નજર પણ ફરીથી ટોચનું સ્થાન મેળવવા પર રહેશે.

બેટિંગમાં અજિંક્ય રહાણે ૧૨મા ક્રમે છે અને તેની પાસે ટોપ-૧૦માં સામેલ થવાની તક છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ૧૪મા સ્થાને છે.