જામનગરમાં એસીબીએ ઝડપેલા પોલીસ કર્મીના ઘરેથી રૂા.૭.૭૪ લાખ રોકડા મળ્યા - Sandesh
 • Home
 • Jamnagar
 • જામનગરમાં એસીબીએ ઝડપેલા પોલીસ કર્મીના ઘરેથી રૂા.૭.૭૪ લાખ રોકડા મળ્યા

જામનગરમાં એસીબીએ ઝડપેલા પોલીસ કર્મીના ઘરેથી રૂા.૭.૭૪ લાખ રોકડા મળ્યા

 | 6:29 am IST

 • દારુના કેસમાં નામ નહીં ખોલવા રૂ.રપ હજારની માંગણી કરી હતી
 • જામનગરઃ જામનગરમાં દારુના કેસમાં નામ નહીં ખોલવા બાબતે સીટી બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દ્વારા લાંચની માંગણીની ફરિયાદ બાદ આજે એસીબીએ ગોઠવેલા છટકામાં વચેટીયો રંગેહાથ ઝડપાઈ ગયા બાદ એસીબીએ પકડેલા હેડ કોન્સ્ટેબલના ઘરે તપાસ દરમ્યાન રૂા.૭.૭૪ લાખની રોકડ મળી આવતાં એસીબીની ટીમ પણ ચોંકી ઉઠી હતી.
  જામનગરના એક વ્યક્તિએ એસીબીમાં લાંચ અંગે સીટી બી ડીવીઝન પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ ચંદ્રવિજયસિંહ એચ. ઝાલા સામે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.જે બાદ સોલેરીયમવાળી ગલીમાં આજે બપોરે જામનગર એસીબી પી.આઈ.એ.ડી.પરમાર અને રાજકોટ એસીબીના પીએસઆઈ સુભાષગીરી ગૌસ્વામી અને જામનગર-રાજકોટ એસીબીના સ્ટાફે રાજકોટ રેન્જના એસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશીની સુચના મુજબ હેઠળ છટકું ગોઠવેલું.જે બાદ ટ્રેપના સ્થળે ફરિયાદી પાસેથી હેડકોન્સ્ટેબલ વતી રૂ.૭ હજાર સ્વીકારતા વચેટીયા સંજય ભરતભાઈ ચુડાસમા નામના યુવકને એસીબી ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો.ફરિયાદમાં જણાવાયા મુજબ દારુના કેસમાં તેનું નામ નહીં ખોલવા રૂ.રપ હજારની માંગણી કરવામાં આવી હતી.જે પૈકી ફરિયાદીએ રૂ.૧૮ હજારની કિંમતનો પોતાનો મોબાઈલ આપી દીધા બાદ વધારાના રૂ.૭ હજાર આપવાનું નક્કી થયું હતું.જે મુજબ આજે વચેટીયો લાંચના નાણા લેવા આવ્યો હતો અને નાણા સ્વીકાર્યા બાદ આરોપી હેડકોન્સ્ટેબલ ફોન પર વાત કર્યા બાદ એસીબીની ટીમે વચેટીયાને ટ્રેપ વખતે અને બાદમાં હેડકોન્સ્ટેબલને સીટી બી ડીવીઝન નજીકથી ઝડપી લીધા હતાં.આ ઘટનાની ખબર વાયુવેગે પોલીસ બેડામાં ફેલાઈ જતાં ખળભળાટ મચી ગયો છે.
  બાદમાં આરોપી હેડકોન્સ્ટેબલના ખોડીયાર કોલોની નજીકના ફ્લેટ પર જઈને રાજકોટ એસીબીના પી.આઈ. એસ.એચ.આચાર્ય અને ટીમે સર્ચ કર્યું હતું.જેમાં રૂા.૭,૭૪,૬પ૦ની રોકડ રકમ મળી આવતાં એસીબીની ટીમ પણ ચોંકી હતી. આ રકમ ક્યાંથી આવી તે અંગેની પુછપરછ અને તપાસ એસીબીએ હાથ ધરી છે. એસીબીએ હેડ કોન્સ્ટેબલની વિધીવત ધરપકડ અને ત્યાર બાદ અદાલતમાં રજુ કરી રીમાન્ડની તજવીજ પણ હાથ ધરી છે. આ ઉપરાંત કોન્સ્ટેબલની અવર-જવરવાળી શેરીમાંથી પણ દારૂની ત્રણ બોટલો મળી આવતાં પોલીસે તેના વિરૂધ્ધ પ્રોહિબિશન હેઠળ તપાસ હાથ ધરી છે.
  આ ઘટનાથી જામનગર પોલીસ બેડામાં ચકચાર વ્યાપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન