જાળિયાના ખેડૂતને આત્મવિલોપન કરતાં પૂર્વે જ પોલીસે દબોચી લીધાં - Sandesh
NIFTY 10,242.65 +88.45  |  SENSEX 33,351.57 +318.48  |  USD 65.1400 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • જાળિયાના ખેડૂતને આત્મવિલોપન કરતાં પૂર્વે જ પોલીસે દબોચી લીધાં

જાળિયાના ખેડૂતને આત્મવિલોપન કરતાં પૂર્વે જ પોલીસે દબોચી લીધાં

 | 2:00 am IST

ભાવનગર, તા.૮

ગારિયાધાર તાલુકાના જાળિયા ગામના ખેડૂતની વાડીમાંના પાકને સળગાવી દઈ જાતિ માટે હડધૂત કરી ફરાર થઈ ગયાની ફરિયાદ ગામના જ બે શખસ વિરૃધ્ધ ગારિયાધાર પોલીસમથકમાં ભોગગ્રસ્ત ખેડૂતે નોંધાવતાં પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેના આરોપીઓની ધરપકડ નહિ થતાં ફરિયાદીએ આત્મવિલોપન કરવાની ચીમકી આપતાં પોલીસે ત્રણ દિવસમાં ઝડપી લેવાની ખાતરી આપ્યા બાદ પણ નહિ પકડાતાં આત્મવિલોપનની ચીમકી આપી હતી. જે મુજબ દલિત ખેડૂત આજે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવા આવતાં ફરજ પર તૈનાત પોલીસે તેની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. તેમજ ખેડૂતની સાથેના સમાજ અગ્રણીઓને પોલીસે ડિટેઈન કર્યા હતા.

મળતી વિગત મુજબ ગારિયાધાર તાલુકાના જાળિયા ગામે રહેતાં દલિત ખેડૂત હકાભાઈ નથુભાઈ ગોહિલ (ઉ.વ. ૭૩) એ ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની વાડીમાં રહેલાં ર૦૦ મણ ઘઉંને ગઈ તા.રપ મીના રોજ એ જ ગામના રણુભા કેશુભા ગોહિલ તથા દશરથસિંહ દાનુભાએ સળગાવી નાખી ફરિયાદીને જાતિ માટે અપમાનીત કર્યા હતા. જેમાં પોલીસે આરોપીઓની ધરપકડ નહિ કરતાં ચારેક દિવસ પૂર્વે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરિયાદીએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. જો કે, તેમાં પોલીસે ત્રણેક દિવસમાં આરોપીઓને ઝડપી લેવાની ખાતરી આપતાં ફરિયાદીએ આત્મવિલોપન કરવાનું મુલતવી રાખ્યું હતુ.

દરમિયાનમાં પોલીસે આરોપીઓને ત્રણ દિવસમાં પકડી નહિ શકતાં અને તેની મહેતલ પુરી થતાં દલિત વૃધ્ધ ખેડૂત હકાભાઈએ ચારે’ક દિવસ અગાઉ આજે ગુરૃવારે ભાવનગર જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે આત્મવિલોપન કરવાની ચેતવણી આપી હતી. જેના પગલે આજે ગુરુવારના સવારથી જ કલેક્ટર કચેરી કેમ્પસમાં એસપી.પ્રવીણસિંહ માલની સૂચનાથી સિટી ડીવાયએસપી મનીષ ઠાકર, એલસીબી પીઆઈ દીપક મિશ્રા, એસઓજી પીઆઈ ડી.ડી.પરમાર, નીલમબાગ પીઆઈ રાણા સહિતનો મસમોટો પોલીસ કાફલો ગોઠવાઈ ગયો હતો. દરમિયાનમાં આજે ફરી આત્મવિલોપન કરવા માટે ખેડૂત હકાભાઈ નથુભાઈ ગોહિલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવતાં ઉપસ્થિત પોલીસે તેની અટક કરી હતી. જે અંગે નીલમબાગ પોલીસે આરોપી ખેડૂત હકા નથુભાઈ ગોહિલ વિરૃધ્ધ અટકાયતી પગલાં ભરી મામલતદાર કોર્ટ હવાલે કર્યાં હતા. જ્યારે આરોપી ખેડૂત હકાભાઈની સાથેના અન્ય ૧૬ આગેવાનોને ડીટેઈન કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી તેમ નીલમબાગ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, એકસમયે દલિત સમાજના અગ્રણીઓ અને પોલીસ વચ્ચે અફડાતફડી મચી ગઈ હતી. જેમાં ધક્કામુક્કીમાં ગભરામણ થતાં મણિલાલ હકાભાઈ ગોહિલ (ઉ.૪૮) રહે.પાલિતાણા) તથા વિજયભાઈ ડાયાભાઈ વાજા (ઉ.૩૩) રહે.બોરડીગેટ,ભાવનગર) બેભાન થઈ જતાં દવાખાને ખસેડાયાં હોવાનું જાણવા મળ્યું હતુ.