જિલ્લો તાપી... વિદ્યાર્થીઓને પીવા માટે શુદ્ધ પાણીના વલખાં - Sandesh
  • Home
  • Newspaper
  • જિલ્લો તાપી… વિદ્યાર્થીઓને પીવા માટે શુદ્ધ પાણીના વલખાં

જિલ્લો તાપી… વિદ્યાર્થીઓને પીવા માટે શુદ્ધ પાણીના વલખાં

 | 3:00 am IST

  • તાપી જિલ્લાની ૪૭ શાળાઓ પૈકી ૩૧ શાળાઓમાં મુકાયેલા ૩૯૫ આર.ઓ. પ્લાન્ટ પૈકી માત્ર ૧૯૧ ચાલુ તો ક્યારેક બંધ જેવી હાલતમાં
  • કરોડો રૃપિયાની આર.ઓ. પ્લાન્ટની સુવિધા મરણપથારીએ છતાં જવાબદારો બેફિકર ઃ વિદ્યાર્થીઓ બોર-કૂવાનું દૂષિત પાણી પીવા માટે મજબૂર

। વ્યારા ।

તાપી જિલ્લાના ઉચ્છલ, નિઝર, કુકરમુંડા, વ્યારા, ડોલવણ, વાલોડ, સોનગઢ તાલુકાઓની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ગરીબ, મધ્યમ વર્ગના બાળકોના સ્વાસ્થ્યની સરકારે ચિંતા કરી હતી. વિતેલા વર્ષોમાં નિઝર તાલુકાની જિલ્લા પંચાયત સંચાલિત ૪૭ શાળાઓ પૈકી ૩૧ શાળાઓમાં આર.ઓ.પ્લાન્ટ મુકાયા હતા. કુકરમુંડા તાલુકાની ૬૫ શાળાઓમાંથી ૩૦ શાળાઓ તથા અન્ય તાલુકાની શાળાઓ મળીને કુલ ૩૯૫ ફિલ્ટર પાણીના આર.ઓ.પ્લાન્ટની સુવિધા ઊભી કરાઇ હતી. પ્રાથમિક શાળાઓમાં પાણી શુદ્ધિકરણ માટે આર.ઓ.પ્લાન્ટની અદ્યતન યોજના કરોડોના ખર્ચે અમલી બનાવવામાં આવી હતી. બોર, કૂવા કે હેન્ડપંપના પાણી સીધા જ બાળકો પીતા હોવાથી જેમાં અસંખ્ય નાના-મોટા કીટાણુંને લીધે બાળકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થવાની સંભાવના હોવાથી આર.ઓ.પ્લાન્ટમાં પાણીનું શુદ્ધિકરણ કરીને જે બાળકોને પીવા માટે પુરું પાડવામાં આવતું હતું. થોડા સમય સુધી જે તે શાળાઓમાં આર.ઓ.મશીનોને લીધે વિદ્યાર્થીઓને નિયમિત શુદ્ધ અને ઠંડું પાણી મળી રહેતા હાશકારો અનુભવ્યો હતો. કાળઝાળ ઉનાળામાં તો આર.ઓ.પ્લાન્ટનું પાણી જીવને ટાઢક આપનારા બન્યા હતા. પરંતુ થોડા સમયની બાળકોની સુવિધા જવાબદારોની નિષ્કાળજીને લીધે છીનવાઇ ચૂકી છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી આર.ઓ.મશીનો મેન્ટેનન્સ વિના જ ધુળ ખાઇ રહ્યા છે. જેઓને ચાલુ કરાવવા માટે કોઇ કાર્યવાહી સુદ્ધાં થતી નથી. આર.ઓ.મશીન બંધ થતા જ વિદ્યાર્થીઓએ બોર, કૂવા કે હેન્ડપંપોમાંથી સીધા જ પાણી પીવાની નોબત આવે છે, અશુધ્ધ પાણીને લીધે બાળકો પાણીજન્ય કે અન્ય રોગચાળામાં સપડાતા રહે છે. કરોડો રૃપિયાની આર.ઓ.પ્લાન્ટની સુવિધા મરણપથારીએ પડી છતાં જે અંગે કોઇ જવાબદારોએ કારણ શોધવાની કવાયત હાથ ધરી નથી.

 

 

જે પ્રાથમિક શાળાઓમાં બંધ પડેલા આર.ઓ.પ્લાન્ટ ગયા વર્ષે આર.ઓ.પ્લાન્ટ સિસ્ટમ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રિપેરિંગ કરાવવામાં આવ્યા હતા. આ વર્ષે પણ રાજ્ય સરકારને બંધ પડેલા પ્લાન્ટો અંગેની જાણ કરવામાં આવી છે, સરકારમાંથી ગ્રાંટ આવ્યા બાદ રિપેરિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. –  જયેશભાઇ પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી

 

સરકારી રેકોર્ડ પર ૨૦૪ પ્લાન્ટો બગડેલી હાલતમાં

તાપી જિલ્લામાં ૩૯૫ શાળામાં જુદીજુદી કિંમતના ફિલ્ટર પ્લાન્ટ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ જે પૈકી માત્ર ૧૯૧ જ કાર્યરત છે. જ્યારે ૨૦૪ બગડેલી હાલતમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી બગડેલી સ્થિતિમાં પડીને ધૂળ ખાતા પ્લાન્ટ અંગે જવાબદાર એજન્સીને જાણ કરી યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું જ નથી. બીજીતરફ ૧૯૧ ચાલુ અવસ્થામાં રટણ થાય છે. પરંતુ નિષ્પક્ષ તપાસ થાય તો હકીકતમાં કેટલા પ્લાન્ટો ચાલુ છે તે પરથી પડદો ઉંચકાઇ શકે તેમ છે.

;