જિ.પંચાયતમાં પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે આખરે સમાધાન ડીડીઓ સાથે બેઠક યોજી સિધ્ધાર્થ પટેલ સમસ્યાનું નિરાકરણ લાવ્યા

કોંગ્રેસી સામે પ્રદેશ મોવડી સમક્ષ રજૂઆત

8

વડોદરા,તા.૧૯

જિલ્લા પંચાયતમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે સર્જાયેલો અહમનો ટકરાવ લાંબો સમય યથાવત્ રહ્યાં બાદ ગઇકાલે ડી.ડી.ઓ. સાથે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે બેઠક યોજી મડાગાંઠનું નિરાકરણ લાવ્યા હતા.

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના શાસનની પરિસ્થિતિ સેન્ડવીચ જેવી છે. થોડા દિવસ પૂર્વે જિલ્લા પંચાયતના કમિટિ રૃમ નં.૨માં મળેલી સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.સૌરભ પારધી ગેરહાજર રહ્યા હતા. જેથી જિલ્લા પંચાયતના પ્રમુખને એવો અહેસાસ થયો કે ડી.ડી.ઓ. જાણીબુઝીને સમીક્ષા બેઠકમાં આવ્યા ન હતા. જે સંદર્ભે મામલો બીચકતા જિલ્લા પંચાયતના પ્રમુખે ડી.ડી.ઓ. વિરુદ્ધ રાજ્ય સરકારના પંચાયત પ્રધાન, મુખ્ય સચિવ, વિકાસ કમિશનર તેમજ પંચાયતના અધિક અગ્ર સચિવને પત્ર પાઠવી હૈયાવરાળ ઠાલવી હતી. ઘટનાની જાણ થતાજ ગઇકાલે સિધ્ધાર્થ પટેલે જિલ્લા પંચાયત ખાતે ડી.ડી.ઓ. ડો.સૌરભ પારધી સાથે બેઠક યોજી પરસ્પર સહકારથી વિકાસના કામ પાર પાડવા અધિકારીઓ-પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો. સૂત્રોએ એમપણ ઉમેર્યું હતું કે કોંગ્રેસના કહેવાતા સ્થાનિક આગેવાન પદાધિકારીઓ-અધિકારીઓ વચ્ચે વૈમનસ્ય વકરે એ માટે સતત કારસા રચતા રહે છે.

વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા આ કોંગ્રેસીના કરતુત સામે ખુદ કોંગ્રેસના પદાધિકારીએ પ્રદેશ કોંગ્રેસના મોભીઓને પુરાવાઓ સહિતની રજુઆત કરી છે.   જિલ્લા પંચાયતના કમિટી રૃમમાં બોલાવાયેલી સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સિવાયના વ્યક્તિઓ પણ હતા. તેઓ શા માટે આવ્યા હતા ? જે સંદર્ભે સી.સી.ટી.વી.ફુટેજ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરાશે.

અગાઉ જિલ્લા પંચાયતના વિવિધ ખાતાના વડા તેમજ પદાધિકારીઓ વચ્ચેની સમીક્ષા બેઠક પડી ભાંગતા ટકરાવ વધુ વકર્યો હતો. જેથી સામાન્ય સભામાં ડીડીઓ સામે ઠપકા દરખાસ્ત લાવવાનો કોંગ્રેસના શાસકોએ તખતો ગોઠવ્યો હતો.