જો છોકરીને ફરી મળીશ તો સૈરાટના પર્શ્યા જેવી જ હાલત થશે : પોલીસે આપી ધમકી! - Sandesh
  • Home
  • Mumbai
  • જો છોકરીને ફરી મળીશ તો સૈરાટના પર્શ્યા જેવી જ હાલત થશે : પોલીસે આપી ધમકી!

જો છોકરીને ફરી મળીશ તો સૈરાટના પર્શ્યા જેવી જ હાલત થશે : પોલીસે આપી ધમકી!

 | 3:24 am IST

નવી મુંબઈ,તા.૨૩  

 ઉનામાં દલિતો પર થઇ રહેલા અત્યાચાર, દલિત નેતા માયવતીને ગાળો ભાંડનાર ભાજપાના નેતાને હાંકી કઢાયા બાદ દલિતોનો મુદ્દો દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે.વિપક્ષ અને માયાવતીએ જ્યા કેન્દ્ર સરકારને પણ એ માટે ભીડવી છે અને તેની અસર દેશના રાજકારણ પર પડી રહી છે સંસદનું સત્ર પણ ઠપ્પ થઈ ગયું છે ત્યારે નવી મુંબઈના સગિરવયના દલિત પ્રેમીની હત્યાનો મુદ્દાએ પણ દેશભરનુ ધ્યાન દોર્યું છે. તેમાં વળી પોલીસ અધિકારીઓએ સમતોલ પગલ ન લીધા એથી હવે પોલીસ પણ શંકના ઘેરામાં આવી ગઈ છે.  

નવી મુંબઈના નેરૂળમાં ૧૯ જુલાઈએ ૧૬ જ વર્ષના દલિત તરૂણ સ્વપ્નીલ સોનાવણેની તેની સાથે ભણતી તેની ગર્લફ્રેન્ડના પરિવારે બેરહેમીપૂર્વક મારી હત્યા કરી હતી. હવે સ્વપ્નીલના પરિવાર તરફથી એવા આક્ષેપ કરાયા છે કે આ કેસમાં પોલીસે માત્ર છોકરીના પરિવારને જ સાથ આપ્યો. ત્યાં સુધી કે આગલા દિવસે  છોકરીના પરિવારે નેરૂળ પોલીસમાં ફરિયાદ કરતા સ્વપ્નીલ અને તેના પરિવારને પોલીસ સ્ટેશને બોલાવાયા હતા. ત્યારે ફરજ પર હાજર સબ ઇન્સ્પેક્ટર યોગેશ માને અને સોનાલી રાજગુરૂએ સ્વપ્નીલને જ ધમકાવ્યો હતો અને તેની પાસે એવુ બળજબરીપૂર્વક લખાવી લીધું હતું કે હવે પછી ક્યારેય હું એ છોકરીને મળીશ નહી. એટલુ જ નહી તેમણે એવી પણ ગર્ભીત ધમકી આપી કે હવે પછી પણ જો તું એ છોકરીને મળીશ તો તારી હાલત પણ સૈરાટના પર્શ્યા જેવી થશે. ફિલ્મ સૈરાટમાં ટીનેજર દલિત યુવાન અને સવર્ણ તરૂણીના પ્રેમપ્રકરણનો અંત બંનેની હત્યાથી કરાય છે. જોકે હવે એ બંને પોલીસ ઓફિસરોને તેમના પર આરોપ થતા સસ્પેન્ડ કરી દેવાયા છે.  

એટલું જ નહી છોકરીના ગિન્નાયેલા ભાઇએ સોનાલી રાજગુરૂની હાજરીમાં જ સ્વપ્નીલનો ફોન ઝૂંટવી લીધો હતો અને તેનું સિમકાર્ડ પણ કાઢી લીધું હતું અને ફોન પણ પાછો આપ્યા નોહતો અને આમ ટેકનિકલ પુરાવાનો નાશ કર્યો હતો.  

સ્વપ્નીલના પિતરાઈ ભાઈએ આ વિશે આરોપ કરતાં કહ્યું છે કે જ્યારે સ્વપ્નીલને છોકરીના પરિવારે માફી માગવા ઘરે બોલાવ્યો ત્યારે તેમણે સ્વપ્નીલને બહુ જ ગાળો ભાંડી હતી અને ત્યાર બાદ સ્વપ્નીલ અને તેના પરિવારની મારઝૂડ ચાલુ કરી દીધી હતી. તેમણે સ્વપ્નીલના માતાપિતા સામે જ તેના વાળ પકડી અનેક વાર તેનુ માથું ભીંત પર જોરથી અફાળ્યું હતું જેના કારણે સ્વપ્નીલને ગંભીર ઇજા થઈ હતી. જો પોલીસે આગલા દિવસે જ યોગ્ય પગલા લીધા હોત તો આવુ ન બનત, પણ તેમણે માત્ર છોકરીના પક્ષનું જ માન્યું.   

પોલીસે હાલ આ કેસમાં છોકરીના માતાપિતા, ભાઈ અને અન્યો મળી કુલ ૧૨ જણની ધરપકડ કરી છે અને તેમની સામે કારવાઈ ચાલુ કરી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન