જ્યારે કવિનું મૌન બોલે છે - Sandesh

જ્યારે કવિનું મૌન બોલે છે

 | 2:02 am IST

કાવ્યકળશ : ડો. હરીશ ઠક્ક્ર

મૌન, ખામોશી, ચુપકીદી એ આમ તો એકસરખા લાગતા શબ્દો છે, પણ કવિ દરેક શબ્દની અર્થચ્છાયાને સમજે છે. જ્યાં મૌન શબ્દ જરૂરી હોય, ત્યાં ખામોશી નહીં ચાલે. અને મૌનના પણ અનેક રંગ છે તે બધા કવિતામાં ઝીલાવા જોઇએ.  

આપણા સામટા શબ્દ ઓછા પડે,  

 એમના મૌનને એટલા રંગ છે.

રાજેન્દ્ર શુક્લ  

કેટલાક મૌન ખૂબ જ નાજૂક હોય છે એને જબરદસ્તી બોલતંુ ન કરાય એવા મૌનની અવસ્થાએ પહોંચવામાં વરસો લાગ્યાં હોય છે એનો મહિમા સમજીને એને જાળવવું જોઇએ.  

કમળતંતુ સમા આ મૌનને તું તોડમાં નાહક,  

ફ્રીથી જોડવા બેસું તો વરસોના વરસ લાગે.

મનોજ ખંડેરિયા  

ક્યારે ક્યાં કેટલું બોલવું એ જેમ એક કળા છે, તેમ, ક્યારે ક્યાં કેટલું મૌન જાળવવું તે પણ એક કળા છે ક્યારેક આપણાથી એવું કંઇક બોલાઇ જાય, કે એ સાંભળીને સામેના માણસને શું બોલવું એ જ ઘડીભર તો ન સૂઝે!!  

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,  

હું શું કહી ગયો છું મને ખ્યાલ પણ નથી.

હરીન્દ્ર દવે  

પ્રિય વ્યક્તિનું મૌન આપણને અકળાવે છે એની નારાજગી તો વ્યક્ત થાય છે, પણ નારાજગીનું કારણ આપણા ધ્યાન બહાર રહી ગયું હોય છે એ કારણ કહેવા માટે એની જીભ ઉપડતી નથી જેને લીધે તે મૌન ધારણ કરીને બેસી જાય છે.  

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ,   

 ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ ?

રમેશ પારેખ  

મૌન રહસ્ય ઊભું કરે છે. વાણી અજવાળુ ફેલાવે છે કવિની વાણીની તો વાત જ અલગ એ તો અભિવ્યક્તિનો કલાકાર છે પણ કવિ જ્યારે મૌન થઇ જાય છે ત્યારે તો સમય પણ બે ઘડી થંભી જાય છે, કવિનું મૌન સાંભળવા, કવિના મૌનનું પણ મહાત્મ્ય હોય છે.  

સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને આદિલ  

 જગતનાં મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે !!

આદિલ મનસૂરી  

મોટાભાગના લોકો પોતાની વાત મનાવવા માટે બૂમબરાડાનો આશ્રય લેતા હોય છે પોતાને નાનકડી તકલીફ્ પડે અને બૂમાબૂમ કરી મૂકે એવા લોકોનો અહીં તૂટો નથી પણ અમૂક તકલીફ્ જ એટલી મોટી હોય કે માણસ અવાક થઇ જાય ! ઘણી વખત આંખમાંથી આંસુ નીકળી જાય છે પણ ગળામાંથી ચીસ નથી નીકળતી !!!  

દિલના અસહ્ય દર્દનો બીજો વિકલ્પ ક્યાં ?  

પાડી શક્યો ના ચીસ તો મૂંગો બની ગયો

રતિલાલઅનિલ 

પ્રણયમાં મૌનની પણ મજા હોય છે ક્યારેક કોઇ મૌન રહીને ટટળાવવાની મજા લેતું હોય તો ક્યારેક કોઇ પ્રિયતમાના અબોલાનો પણ ફયદો ઉઠાવી લેતા હોય છે  

એના અબોલા કેટલા અમને ફ્ળી ગયા,  

સામે મળે તરત કહી દે, બોલવાનું નહીં

નિરજ મહેતા 

પણ, જે બોલવાની મનાઇ કરે છે તે ખરેખર તો એવી અપેક્ષા રાખે છે કે તમે મારા અબોલાને સમજો જ્યારે મૌનની પાછળનાં કારણની પ્રતિતી થશે, ત્યારે શું થશે ?  

જ્યારે અમારા મૌનની ભાષા કળી જશો,  

ત્યારે બરફ્ની જેમ તમે ઓગળી જશો.

શકીલ કાદરી  

મૌનની ભાષા સમજાઇ જાય છે તેને પછી શબ્દોની ભાષા ક્ષુલ્લક લાગે છે.  

પ્રશંસામાં નથી હોતી, કે નિંદામાં નથી હોતી,  

મજા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી.

આસિમ રાંદેરી  ?      

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન