ટેક્સના વિવાદ ઘટાડશે વિવાદ સે વિશ્વાસ સ્કીમ - Sandesh
  • Home
  • Budget
  • ટેક્સના વિવાદ ઘટાડશે વિવાદ સે વિશ્વાસ સ્કીમ

ટેક્સના વિવાદ ઘટાડશે વિવાદ સે વિશ્વાસ સ્કીમ

 | 5:48 am IST

હાલ ટેકસના આશરે ૪,૮૩,૦૦૦ જેટલા કેસ એપેલેટ ટ્રિબ્યૂનલ સમક્ષ પેન્ડિંગ પડેલા છે. આનો નિકાલ કરવા માટે અને ભવિષ્યમાં કરવેરાના વિવાદને ઘટાડવા માટે સરકારે નવી સ્કીમ દાખલ કરી છે. વિવાદ સે વિશ્વાસ નામની આ સ્કીમમાં કરદાતાઓને કેટલીક રાહતો આપવામાં આવી છે. જે કરદાતાઓ આવકવેરા ડિસ્પ્યુટ સેટલમેન્ટ સ્કીમ હેઠળ ૩૦ જૂન ૨૦૨૦ સુધીમાં વિવાદિત ટેક્સની રકમ ચૂકવી દે તો આવા કરદાતાને વ્યાજ અને દંડની રકમમાં માફી આપવામાં આવશે. આ રીતે કરદાતા ટેક્સના વિવાદની જુદીજુદી પ્રોસેસમાંથી બહાર આવી શકશે.

કરદાતાએ જો ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં ફક્ત વિવાદિત રકમ જ ચૂકવવાની રહેશે તો તેને વ્યાજ અને દંડમાં સંપૂર્ણ માફી આપવામાં આવશે. આ તારીખ પછી જો રકમ ચૂકવવામાં આવે તો તે માટે તેણે ટેક્સની કેટલીક વધારાની રકમ ચૂકવવી પડશે. આ સ્કીમ ૩૦ જૂન ૨૦૨૦ સુધી અમલમાં રહેશે.

પેન્ડિંગ કેસ માટે સ્કીમનો લાભ લઈ શકશે

સરકાર દ્વારા આડકતરા વેરામાં કાનૂની વિવાદો ઘટાડવા સબકા વિશ્વાસ સ્કીમ અમલમાં મૂકાઇ હતી. જેમાં સરકારે ૧,૮૯,૦૦૦ કેસોનો નિકાલ કર્યો હતો. એપેલેટ કમિશનર તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આવા લાખો કેસ નિકાલ વિનાના પડયા છે. સીધા વેરામાં આવા વિવાદો ઘટાડવા માટે વિવાદ સે વિશ્વાસ સ્કીમ શરૂ કરાઈ રહી છે. કોઈપણ લેવલે પેન્ડિંગ કેસ માટે કરદાતાઓ આ સ્કીમનો લાભ લઈ શકશે.

વિદેશી રોકાણકારોને કરરાહતો

પ્રાયોરિટી સેક્ટરમાં સોવરિન વેલ્થ ફંડમાં રોકાણ કરતા વિદેશી રોકાણકારોને કરવેરામાં રાહતો આપવામાં આવી છે. આવી કંપનીઓ કે જે ૩૧ માર્ચ ૨૦૨૪ પહેલા ઈન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરમાં કે અન્ય નક્કી કરેલા ક્ષેત્રોમાં રોકાણ કરશે તો તેમને આવા રોકાણ પર વ્યાજ, ડિવિડન્ડ અને કેપિટલ ગેઈન ટેક્સમાં ૧૦૦ ટકા માફી આપવામાં આવશે.

કલમ ૧૯૪ ન્ઝ્ર હેઠળ વિથહોલ્ડિંગ ટેક્સમાં ૫ ટકાની રાહત અપાશે

ફોરેન ફંડ ઓછા વ્યાજે મળી રહે તે માટે ૩૦ જૂન ૨૦૨૩ સુધી ઈશ્યૂ કરાનાર બોન્ડ તેમજ બજારમાંથી લેવાયેલા ઋણ પર NRIને કરાયેલા વ્યાજની ચુકવણી માટે કલમ ૧૯૪ ન્ઝ્ર હેઠળ વિથહોલ્ડિંગ ટેક્સમાં ૫ ટકાની રાહત અપાશે. અગાઉ આ રાહત ૪ ટકા અપાતી હતી. ભારતીય કંપનીઓ અને સરકારી જામીનગીરીઓ માટે ઈશ્યૂ કરાયેલા બોન્ડનાં સંદર્ભમાં ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો અને ક્વોલિફાઈડ ફોરેન રોકાણકારોને વ્યાજની ચુકવણી માટે વિથહોલ્ડિંગ ટેક્સમાં ૫ ટકા રાહત અપાશે. મ્યુનિસિપલ બોન્ડ પરનાં વ્યાજને પણ આ નિયમ લાગુ પડશે.

વીજ ઉત્પાદન કરતી કંપનીઓએ ફક્ત ૧૫ % કોર્પોરેટ ટેક્સ ચૂકવવો પડશે

સરકારે વીજળીનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે કેટલીક કરરાહતો આપી છે. આને કારણે મેન્યુફેકચરિંગ સેક્ટરને વેગ મળશે. સપ્ટેમ્બર ૨૦૧૯માં જે કંપનીઓ ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં મેન્યુફેકચરિંગ સેક્ટરમાં ઉત્પાદન શરૂ કરે તેવી સ્વદેશી કંપનીઓને કોર્પોરેટ ટેક્સમાં રાહત અપાઈ હતી અને ફક્ત ૧૫ ટકા ટેક્સ લેવાનું નક્કી કરાયું હતું. હવે વીજળી સેક્ટરમાં નવું રોકાણ આકર્ષવા માટે વીજળીનું ઉત્પાદન કરતી સ્વદેશી કંપનીઓએ ૧૫ ટકા કોર્પોરેટ ટેક્સ જ ચૂકવવો પડશે.

નિયત નાણાકીય વ્યવહારો ઉપર આવકવેરા ખાતાની હવે બાજ નજર રહેશે

બજેટમાં  કરાયેલી દરખાસ્ત અનુસાર કોઈપણ વિદેશ પ્રવાસના સંદર્ભમાં ટૂર ઓપરેટરોને કરાતી ચુકવણીના સંદર્ભમાં ટૂર ઓપરેટર ૫%ના દરે TCS વસૂલ કરવાનો રહેશે, લિબરલાઇઝડ રેમિટન્સ સ્કીમના કેસમાં જો રેમિટન્સની રકમ રૂ. ૭ લાખથી વધુ હોય તો ઉપરોક્ત દરે TCSની વસૂલાત વિદેશી હૂંડિયામણ મોકલનાર ઓથોરાઇઝડ ડીલર દ્વારા કરાશે, જાહેર ધર્માદા ટ્રસ્ટને માથે તમને દાન આપનાર શખ્સોની વિસ્તૃત વિગતો આપવાની અટપટી જવાબદારી લદાઇ છે. ટેક્સ ઓડિટનો રિપોર્ટ, રિટર્ન ભરવાની નિયત તારીખના મહિના અગાઉ મેળવવાનો અને અપલોડ કરવાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;