ડભોઇ પાલિકાના ફાયર ફાઇટર સ્ટેશનમાં માત્ર પાંચ કર્મચારીઓ મોટું તોતિંગ ફાયર ફાઇટર કામમાં ન આવતા ખોટકાઇ પડયું

અપુરતા સાધનો અને બિન અનુભવી કર્મચારીઓના કારણે તકલીફ પડે છે

12

ડભોઇ ઃ ડભોઇ અને તાલુકાના ગામો માટે માનવ સર્જીત કે આકસ્મિક લાગતી આગ સમયે આગ બુઝાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ડભોઇ નગરપાલિકાને મોટુ તોતીંગ ફાયર ફાયટર મધ્યમ કક્ષાનું ફાયર ફાયટર અને નાનું બુલેટ ફાયર ફાયટર આપવામાં આવ્યું છે.

આ ફાયર ફાયટરોને મુકવા માટે ડભોઇ નગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશન બનાવાયું છે પણ તેમાં હંગામી માત્ર પાંચ કર્મચારીઓ કાર્યરત છે તે પૈકી કોઇપણ કર્મચારી તાલીમ પામેલા નથી કે આગ ઓલવવા માટે જરૃરી નાના મોટા બીજા કોઇપણ સાધનો નથી જેના કારણે મોટુ તોતીગ ફાયર ફાયટર કોઇ જ કામમાં આવ્યું નથી અને ખોટકાઇ પડયું હોઇ વારંવાર રીપેરીંગ કરાવવા ફરજ પડે છે તો મોટી લાગેલી આગમાં મીની ફાયર ફાયટર પ્રાથમિક આગ ઓલવવા માટેનું ફરજ બજાવે છે. પરંતુ અપુરતા સાધનો અને અનટ્રેન્ડ કર્મચારીઓને કારણે અસરકારક કામગીરી બજાવી શકતા નથી જેના કારણે આ ફાયર સ્ટેશનને પુરતો કાયમી સ્ટાફ અને જરૃરી બધાજ નાના મોટા સાધનો મળી રહે તેવી વ્યવસ્થા કરવા લોકમાગ ઉઠવા પામી છે.

ડભોઇ નગર અને તાલુકામાં છેલ્લા ૨૦ દિવસો દરમિયાન નાના મોટા આગના પાંચ બનાવો જેમાં હિરાભાગોળ ગેસ સીલીન્ડર લીકેઝ થવાનો બનાવ, નાંદોદી ભાગોળ પાસે કપાસના ગોડાઉનમાં આગ તથા લાલબજાર મધ્ય રાત્રીએ દુકાનોમાં લાગેલી આગ, તાલુકાના મહંમદપુરા ભંગારના ગોડાઉનમાં લાગેલી ભંયકર આગ તેમજ સ્ટેટ બેન્કમાં લાગેલી આગના બનાવો બની ગયા છે.

આ માનવ સર્જીત કે કુદરતી આકસ્મિક લાગેલી આગ બુઝાવવા માટે ર્સ્વિણમ ગુજરાત ૨૦૧૦ સ્વર્ણીમ જયંતી શહેરી વિકાસ યોજના અંતર્ગત ડભોઇ નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા રૃા. ૪૬ લાખનું મોટું તોતીંગ ફાયર ફાયટર, રૃા. ૩૦ લાખનું મધ્યમ કક્ષાનું ફાયટર તો રૃા. ૨ લાખનું બુલેટ ફાયર ફાયટરો સરકારશ્રી દ્વારા ડભોઇ નગરપાલિકાને આપવામાં આવ્યું હતું. આ ફાયર ફાયટરોને મુકવા માટે ડભોઇ નગરપાલિકાએ રૃા. ૧૭૬૮૪૭૩ના ખર્ચે એક ફાયર સ્ટેશન પણ કરજણ રેલવે ફાટક પાસે બનાવવામાં આવ્યું છે. આ ફાયર સ્ટેશન બાજુમાં ફાયર કર્મચારીઓને રહેવા માટેના કવાટર્સ બનાવવાની કામગીરી ચાલુ છે આ ફાયર સ્ટેશનમાં માત્ર પાંચ કર્મચારીઓ હંગામી ધોરણે ફરજ બજાવે છે.