તમે બેસો હું વેરો ભરીને આવંુ છું કહી વૃદ્ધ પાસેથી ૧૪ હજાર પડાવી ગઠિયો ફરાર - Sandesh
  • Home
  • Baroda
  • તમે બેસો હું વેરો ભરીને આવંુ છું કહી વૃદ્ધ પાસેથી ૧૪ હજાર પડાવી ગઠિયો ફરાર

તમે બેસો હું વેરો ભરીને આવંુ છું કહી વૃદ્ધ પાસેથી ૧૪ હજાર પડાવી ગઠિયો ફરાર

 | 12:09 am IST

વડોદરા, તા.૨૨ 

મ્યુનિ. કોર્પોરેશનની વોર્ડ ઓફિસોમાં વેરા ભરવા લોકોની ભીડ જામતાં ગઠિયાઓએ વોર્ડ ઓફિસોને ટાર્ગેટ બનાવી છે. સુભાનપુરામાં વોર્ડ નં.૧૦ની ઓફિસે વેરો ભરવા આવેલા એક વૃદ્ધને બાંકડા ઉપર બેસાડીને વેરો ભરી આવવાના બહાને ગઠિયો રોકડા રૃ.૧૪ હજાર પડાવીને છુમંતર થઈ ગયો હતો. દોઢથી બે કલાક સુધી બાંકડા ઉપર બેસીને કંટાળેલા વૃદ્ધ તપાસ કરવા ગયા ત્યારે તેમનાં નામે કોઈ વેરો ભરાયો નથી, તેમ કર્મચારીએ જણાવતા વૃદ્ધે ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.  

  • સુભાનપુરા વોર્ડ નં.૧૦ની ઓફિસમાં બનેલો બનાવ

સુભાનપુરા હાઇટેન્શન રોડ ઉપર સંતોષ નગરમાં રહેતાં ભાઉરાવ વિશ્રામભાઈ ચૌધરી (ઉ.વ.૭૦) ગેસ વેલ્ડિંગનું કામ કરે છે. ગઈકાલે બપોરે આશરે ૧ઃ૧૫ વાગ્યે તેઓ વેરો ભરવા માટે સુભાનપુરા પાણીની ટાંકી પાસે આવેલી કોર્પોરેશનની વોર્ડ નં.૧૦ની ઓફિસે ગયા હતા. ત્યાં બારી પાસે આશરે ૨૨થી ૨૫ વર્ષની ઉંમરનો એક અજાણ્યો શખસ ઊભો હતો. તેણે વૃદ્ધને જણાવ્યું હતું કે, હું પણ સંતોષ નગરમાં જ રહું છું. 

હમણાં રિસેસનો સમય છે. તમે બહાર બાંકડા ઉપર બેસો અને પૈસા મને આપી દો હું અંદર જઈને વેરો ભરી આવંુ છંુ. ભાઉરાવે ભરોસો મુકીને રોકડા રૃ.૧૪ હજાર અજાણ્યાં શખસના હાથમાં આપ્યાં હતાં અને ગઠિયો છુમંતર થઈ ગયો હતો. વર્ણનના આધારે ગોરવા પોલીસે ગઠિયાની શોધખોળ શરૃ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.