તળાવની માટી વેચનાર ઇજારદારને ૧૫ લાખનો દંડ - Sandesh
  • Home
  • Newspaper
  • તળાવની માટી વેચનાર ઇજારદારને ૧૫ લાખનો દંડ

તળાવની માટી વેચનાર ઇજારદારને ૧૫ લાખનો દંડ

 | 3:30 am IST

  • માટીની જાહેર હરાજી કરાય તો સરકારને હાલ મળે છે તેના કરતાં બમણાં નાણાં તિજોરીમાં આવે

ા વલસાડ ા
વલસાડ તાલુકાના પાલણ ગામે આવેલા સરકારી તળાવમાંથી, નિયત સમયમર્યાદા તા. ૧૦મી જૂન પછી પણ ખોદકામ કરીને હજારો ટન માટી ખોદી કાઢીને ખાનગી ઇસમને વેચી મારનાર નનકવાડા અને પારનેરાના કોન્ટ્રાકટરોને વલસાડ ખાણ અને ખનીજ વિભાગે કુલ રૂ. ૧૫.૪૪ લાખનો દંડ ફટકાર્યો છે.
વલસાડ જિલ્લામાં સુજલામ-સુફલામ યોજનામાં તળાવ ઊંડા કરવાના નામે બેફામ ભ્રષ્ટાચાર થયો છે. સંદેશએ લીલાપોર, કેવાડા-પાલણ, સોનવાડા, ઓવાડા, નાની સરોણ, મોતીવાડા વગેરે પાણી ભરેલા તળાવોની પાળો તોડીને માટી ખોદકામના કાવતરાનો પર્દાફાશ કરતા, જે તે તાલુકાના ટી.ડી.ઓ.એ સરપંચોને નોટિસ પણ ફટકારી છે. આ ગામોના સરપંચોએ સુજલામ-સુફલામ યોજના હેઠળ તળાવો ફાળવવાની પ્રક્રિયા માટે બેઠક પણ મળી નહોતી, તે પહેલા જ મળતીયા કોન્ટ્રાકટરને સુજલામ-સુફલામ યોજનાના નામે તળાવ ખોદવા ગેરકાયદેસર રીતે મંજૂરી આપી દેતા, કોન્ટ્રાકટરોએ ફેબ્રુઆરી-૨૦માં તળાવોની પાળ તોડીને લાખો ગેલન પાણી ગટરમાં વહાવી દીધું હતું.
દરમિયાન દમણગંગા નહેર સંશોધન વિભાગ વલસાડ દ્વારા સુજલામ-સુફલામ યોજના હેઠળ પાલણ ગામના સરકારી તળાવને ઊંડું કરવાનો કોન્ટ્રાક્ટ વલસાડ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.ને આપ્યો હતો. સુગર ફેકટરી દ્વારા નનકવાડાના વિનોદ પટેલ અને પારનેરાના પ્રિતેશ પટેલને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ કોન્ટ્રાક્ટ તા. ૧૦-૦૬-૨૦ સુધીનો જ હતો. તેમ છતાં વિનોદ પટેલ અને પ્રિતેશ પટેલે તે પછી પણ તળાવમાંથી ખોદકામ ચાલુ રાખીને, ખાનગી ઇસમને માટી વેચી મારી રોકડી કરવાનું ચાલુ રાખ્યંુ હતું.
જે અંગેની ફરિયાદો ઉઠતા, વલસાડના કલેકટર આર.આર. રાવલની સૂચનાથી વલસાડના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી એ.કે. સિંગે તેેમની ટીમ સાથે સ્થળ પર જઇને તપાસ ચાલુ
કરી હતી.
અધિકારીએ તળાવના ખોદકામવાળા વિસ્તારની માપણી સરપંચ, ડે. સરપંચ, પંચાયત સભ્યો અને પંચોની બાજરીમાં જી.પી.એસ. મશીનથી કરતા, તળાવમાંથી કુલ ૪૨,૫૧૦.૮૭ મે.ટન સાદી માટીનું ખનન કરાયુ હતું. જે પૈકી સુજલામ-સુફલામ યોજના અંતર્ગત ૨૫,૦૦૦ ઘ.મી. (૩૬,૨૫૦ મે.ટન) માટીનું ખોદકામ થયંુ હતું. આમ, કોન્ટ્રાકટરોએ ૬૨૬૦.૮૭ મે.ટન જેટલો માટીનો જથ્થો ગેરકાયદેસર રીતે ખોદીને વેચી દીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જે બદલ ખાણ-ખનીજ વિભાગએ બંને કોન્ટ્રાકટરોને, પ્રતિ એક મે.ટનના ૧૭૫ લેખે ૬૨૬૦.૮૭ મે.ટનના રૂ. ૧૦,૯૫,૬૫૩ અને ખનન પેટે ખનીજ કિંમતના ૪૧ ટકા લેખે રૂ. ૪,૪૯,૨૧૮ મળી કુલ રૂ. ૧૫,૪૪,૮૭૧ રૂા.નો દંડ ફટકાર્યો છે.

ગ્રામપંચાયતના સરપંચે ના પાડવા છતાં બંને કોન્ટ્રાક્ટરોએ ધરાર ખોદકામ ચાલુ રાખ્યંુ
ખાણ-ખનીજ વિભાગની સ્થળ તપાસ દરમિયાન ગામના સરપંચ, ડે. સરપંચ તથા સભ્યોએ જણાવ્યું કે, તેઓ દ્વારા નનકવાડાના વિનોદ પટેલ તથા પારનેરાના પ્રિતેશ પટેલને તળાવમાંથી ખોદકામ કરવા ના પાડવા છતાં, ધરાર ખોદકામ અને માટીની હેરફેર ચાલુ રાખી હતી. બીજી તરફ, સરપંચની ભૂમિકા સામે પણ પ્રશ્ન ઊભો થયો છે. ફેબ્રુઆરી-૨૦માં નંદાવલાના કોન્ટ્રાકટરને આ તળાવ ખોદવાની પરવાનગી ગેરકાયદેસર રીતે આપતા, કોન્ટ્રાકટરે તળાવની પાળ તોડીને પાણી બહાર વહાવી દીધંુ હતું. જે સંદર્ભે વલસાડ ટી.ડી.ઓ.એ સરપંચને નોટિસ ફટકારી હતી. તેથી આ વેપલામાં કોન્ટ્રાકટર જ નહીં અન્યો પણ સામેલ હોવાની શકયતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન