તું છોકરાઓને ક્યાંં લઈ જાય છે, કહીને પૂર્વ પતિએ મહિલાના દાંત તોડી નાંખ્યા - Sandesh
  • Home
  • Newspaper
  • તું છોકરાઓને ક્યાંં લઈ જાય છે, કહીને પૂર્વ પતિએ મહિલાના દાંત તોડી નાંખ્યા

તું છોકરાઓને ક્યાંં લઈ જાય છે, કહીને પૂર્વ પતિએ મહિલાના દાંત તોડી નાંખ્યા

 | 4:30 am IST

બાળકોને શાળાએ મૂકવા જઇ રહેલી મહિલા ઉપર પૂર્વ પતિનો હુમલો

લોહીલુહાણ થઈ ગયેલી મહિલાને ગામલોકોએ હોસ્પિટલમાં ખસેડી

વાપી, તા.૨૦

કપરાડા તાલુકાના ધોધડકુવા ગામે રહેતી મહિલાના છૂટાછેડા થયા બાદ ત્રણ સંતાનોનો કબજો તેની પાસે હોવાથી મંગળવારે તેણી બાળકોને આશ્રમ શાળામાં મુકવા જઈ રહી હતી. દરમિયાનમાં પૂર્વ પતિએ પારડી તાલુકાના અરનાલા ગામે રસ્તામાં રોકી તે મહિલા પર હુમલો કર્યો હતો. ઘટનામાં ગંભીર ઈજા પામેલી મહિલાને ગામલોકોએ હોસ્પિટલમાં ખસેડી સારવાર અપાવી હતી.

મળતી વિગતો મુજબ ધોધડકુવા ગામે રહેતા રાધાબેન ફુલજીભાઇ નાયકા (ઉ.વ. ૨૯)ના લગ્ન લવાસા તા. કપરાડા ગામના પ્રવિણ અરવિંદ વારલી સાથે ૧૧ વર્ષ પૂર્વે થયા હતા. જે બાદ તેને એક છોકરો અને બે છોકરી પણ છે.

જે અનુક્રમે ૧૦ થી ૭ વર્ષના છે. પ્રવિણ વારલી વારંવાર ઝઘડા કરતો હોય, કંટાળીને રાધાબેને તેને છૂટાછેડા આપી હાલ પિતાગૃહે ધોધડકુવા રહેતા હતાંં.

તા. ૧૯-૦૬-૨૦૧૭ નાં રોજ તેમના ત્રણેય સંતાનોને ખેરગામ આશ્રમશાળામાં પ્રવેશ અપાવ્યો હોય તેઓ તેમને મુકવા જતા હતા. આ સમયે પારડી તાલુકાના અરનાલા ગામેથી પસાર થતા હતા. તે દરમિયાન અરનાલા ગામે સ્કુલ સામે પ્રવિણ અરવિંદ વારલી સામે મળી ગયો હતો. તેણે રાધાબેન અને બાળકોને જોતા જ તેમને રોકીને ‘તુ છોકરાઓને કયા લઇ જાય છે’ એમ કહી ગાળો આપી હતી. જે બાદ ત્યાં પડેલો  પથ્થર હાથમાં ઉઠાવી રાધાબેનનાં મોઢા ઉપર બળપૂર્વક ઘા કર્યો હતો. તેથી રાધાબેનનાં દાંત તૂટી જવા સાથે ડાબી આંખીની બાજુમાં પણ ઇજા પહોંચતા તેમને લોહિ નિકળવા લાગ્યુ હતું.

તેથી રાધાબેન તથા બાળકોએ બુમાબુમ કરતા નજીકના રહીશો દોડી આવતા પ્રવિણ શેરડીનાં ખેતરમાં નાસી છૂટયો હતો. વળઈ પ્રવિણે જતા જતા રાધાબેનને કહ્યુ હતુ કે આજે તો તુ બચી ગઇ, બીજી વાર હું તને મારી નાંખીશ.

ઘટના બાદ ગામજનોએ ૧૦૮ ને બોલાવી રાધાબેનને નાનાપોંઢા સરકારી દવાખાનામાં સારવાર અપાવી હતી ત્યાંથી પારડી પોલીસને ફરિયાદ અપાતા પોલીસે પ્રવિણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;