'તુમ તો ઠહરે પરદેસી...' ગીત દ્વારા દેશ અને દુનિયાના લોકો પર રાજ કરનાર ગાયક અલ્તાફ રાજા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ‘તુમ તો ઠહરે પરદેસી…’ ગીત દ્વારા દેશ અને દુનિયાના લોકો પર રાજ કરનાર ગાયક અલ્તાફ રાજા

‘તુમ તો ઠહરે પરદેસી…’ ગીત દ્વારા દેશ અને દુનિયાના લોકો પર રાજ કરનાર ગાયક અલ્તાફ રાજા

 | 3:00 am IST
  • Share

‘તુમ તો ઠહરે પરદેશી..’, ‘મુઝે અપના બના લો…’, ‘દો દિલ હારે…’, ‘તાજા હવા લેતે હૈં…’, ‘ખિલોના જાન કર…’ ‘એક દર્દ સભી કો હોતા હૈ…’, ‘માર્કેટ’, ‘દુકાન’, ‘અશ્કોં કી બારાત’, ‘બમ ગોલા.’ વગેરે જેવાં અનેક સુપરહિટ આલબમ આપ્યાં. પાર્શ્વગાયકના રૂપમાં અનેક ફિલ્મી ગીતો તેમણે ગાયાં છે.

ફિલ્મજગતની દુનિયા બહુ અનોખી છે. જેમાં આકાશમાં ચમકતાં તારા ક્યારેય ગુમનામીના અંધકારમાં ખોવાઈ જાય છે, કોઇને ખબર પડતી નથી. બોલિવૂડમાં કેટલાંય એવાં અભિનેતા, અભિનેત્રી, નિર્માતા, નિર્દેશક, સંગીતકાર અને ગાયક છે જેમણે એક સમયમાં દર્શકોનાં દિલમાં રાજ કહ્યું હતું, પરંતુ ક્યારે દર્શકોની નજરમાંથી દૂર થઇ ગયા એની ખબર જ ન પડી. આપણે સંગીત જગતની વાત કરીએ તો એમાં એક પ્રખ્યાત નામ છે અલ્તાફ રાજા. એક સમય એવો હતો જ્યારે અલ્તાફ રાજાનાં ગીતો ગલીએ ગલીએ સંભળાતાં હતાં. બસની લાંબી મુસાફરી હોય કે રિક્ષાની ટૂંકી મુસાફરી ડ્રાઇવરથી લઇને યાત્રિકોનું મન અલ્તાફ રાજાનાં ગીતોથી ખુશ થઇ જતું હતું. યુવાનોમાં પણ તેમનો જબરો ક્રેઝ હતો. પોતાના સૂરોથી સુપરસ્ટારની યાદીમાં નામના મેળવનાર અલ્તાફ રાજા આજે સંગીતની દુનિયાથી દૂર થઇ ચૂક્યા છે.  

જન્મ અને ઉછેર      

ભારતીય કવ્વાલી ગાયક તરીકે નામના મેળવનાર અલ્તાફ રાજાનો જન્મ 1967માં મહારાષ્ટ્રમાં નાગપુરમાં થયો હતો. મોરનાં ઇંડાં ચિતરવાં ન પડે એમ અલ્તાફના કિસ્સામાં થયું. પિતા કવ્વાલી ગાયક હતા. તેઓ પિતાનાં ગીતો સાંભળી સાંભળીને મોટા થયા હતા. પિતાને ગાતાં જોઇને તેમને સંગીતને લઈને ઉત્સાહ જાગ્યો હતો. તેથી 15 વર્ષની ઉંમરમાં સંગીતનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું. સંગીતનું શિક્ષણ લીધા બાદ અલ્તાફ રાજા વિવિધ પ્રતિયોગિતામાં ભાગ લેવા લાગ્યા. તેમને એક પછી એક પુરસ્કાર મળતા ગયા.  

કરિયર 

અલ્તાફ રાજાએ 18 વર્ષની ઉંમરમાં પોતાની પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી હતી. ગાવા ઉપરાંત અલ્તાફે કવ્વાલીમાં નવું સર્જન પણ કર્યું હતું. 1997માં અલ્તાફ રાજાએ પોતાનું પહેલું આલબમ ‘તુમ તો ઠહરે પરદેશી…’ થી શાનદાર શરૂઆત કરી હતી. ‘તુમ તો ઠહરે પરદેશી…’ સાથે અલ્તાફે ઇતિહાસ રચી નાંખ્યો. આજે ગીતો સાંભળવા માટે વિવિધ પ્રકારની એપ્સ આવી ગઇ છે, પણ એક સમય એવો હતો. જેમાં લોકો ગીતો સાંભળવા માટે ઓડિયો કેસેટ કે રેડિયો ઉપર આધારિત હતા. એ વખતે સ્માર્ટફોન, લેપટોપ કે આઇપેડ નહોતાં. એ જમાનામાં ‘તુમ તો…’ ગીતે ધૂમ મચાવી દીધી હતી. આ ગીત ફક્ત દેશમાં જ નહીં પરદેશમાં પણ સાંભળવામાં આવતું હતું. તેમના આ પહેલા આલબમની આશરે 4 મિલિયન કોપીનું વેચાણ થયું હતું. એ વખતનું અલીશા ચિનોયનું હિટ આલ્બમ ‘મેડ ઇન ઇન્ડિયા’ને ટક્કર આપવાલાયક હતું. 90ના દાયકામાં રિલીઝ થયેલું ગીત ‘તુમ તો ઠહરે પરદેશી’ને એટલી બધી સફળતા મળી કે આશરે 70 લાખ કેસેટ

રાતોરાત વેચાઈ ગઇ હતી. સૌથી વધારે કેસેટનું વેચાણ થવાને લીધે તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું. એ પછી ઘણાં આલબમમાં તેમણે કામ કર્યું.  

અરે, એક સમયે સ્થિતિ એવી હતી કે કેસેટ પૂરી થઇ ગઇ હોય તો લોકો સ્પેશિયલ એમનાં ગીતોની કેસેટ બનાવડાવતા. કેસેટ બનીને આવે એની રાહ જોઇ ન શકનારા ઘણાં અધીરા લોકો તો બીજા શહેરમાં કેસેટ ખરીદવા પહોંચી જતા. પોતાના સુંદર સૂરથી લોકોને દીવાના બનાવનાર અલ્તાફ રાજા આજે લાઇમલાઇટથી દૂર થઇ ગયા છે. થોડા સમય પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે અલ્તાફ રાજા ‘તુમ તો ઠહરે પરદેશી…’ના સેકન્ટ પાર્ટ ઉપર કામ કરી રહ્યા છે.  

અલ્તાફ ક્યારેય પ્લેબેક સિંગર બનવા ઇચ્છતાં નહોતા. અલ્તાફ ગઝલ સિંગર બનવાનું સપનું જોતાં હતા, પરંતુ તેમની મમ્મીએ તેમને સમજાવ્યું કે ગઝલની દુનિયામાં ખ્યાતિ મેળવવામાં ઘણાં વર્ષો લાગી જશે. એ પછી અલ્તાફ રાજાએ ફિલ્મોમાં ગીતો વિશે વિચાર્યું. અલ્તાફે ‘શપથ’ ફિલ્મમાં ગીત આપીને ફિલ્મી કરિયરની શરૂઆત કરી. આ ફિલ્મમાં જેકી શ્રોફ અને મિથુન ચક્રવર્તીની સાથે ગીત ગાતી વખતે ફિલ્મની અંદર તેઓ જોવા મળ્યા હતા. આ ફિલ્મનું ‘થોડા ઇન્તઝાર કા મજા લીજીએ…’ આજે પણ પ્રખ્યાત છે. અલ્તાફ રાજા અનેક આલબમમાં પોતાના સૂર રેલાવી ચૂક્યા છે. બોલિવૂડમાં ‘શપથ’ ફિલ્મ સિવાય ‘યમરાજ’, ‘મધર’, ‘ઘનચક્કર’ જેવી ફિલ્મમાં ગીત ગાવા ઉપરાંત અભિનય પણ કરી ચૂક્યા છે. 2010માં ‘ટૂનપુર કા સુપરહીરો’ મૂવીમાં ગીત ગાયા પછી ગાયબ થઇ ગયા. બે વર્ષ પછી 2013માં ‘ઘનચક્કર’ મૂવી દ્વારા પરત ફર્યાં. ગાવા ઉપરાંત અલ્તાફે કવ્વાલીમાં નવું સર્જન પણ કર્યું હતું.  

એશિયાઈ એકેડેમી ઓફ ફિલ્મ અને ટેલિવિઝન સાથે પણ તેમને સારા સંબંધ રહ્યાં છે. અલ્તાફ રાજા પોતાનાં ગીતોના બોલ અને નાકથી ગાવાની અનોખી શૈલી માટે જાણીતા છે. અલ્તાફ પાંચ દાયકા વટાવી ચૂક્યા છે અને સંગીત માટે તેમનો પ્રેમ પહેલાં જેવો જ છે. મોહમ્મદ રફી, પંકજ ઉધાસ, જગજિત સિંહ જેવા ગાયકોની વચ્ચે અલ્તાફ રાજાએ પોતાની જે ઓળખ બનાવી છે તેને કોઇ ભૂલી નહીં શકે. અલ્તાફને મુઘલાઈ ફૂડ વધારે પસંદ છે. સલમાન ખાન, ફરહાન અખ્તર અને અક્ષય કુમાર તેમના ફેવરિટ હીરો છે. જ્યારે પ્રિયંકા ચોપરા અને દીપિકા પદુકોણ ફેવરિટ એક્ટ્રેસ છે. લતા મંગેશકર, આશા ભોસલે અને સોનુ નિગમ જેવા મ્યુઝિશિયનના અલ્તાફ રાજા દીવાના છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો