ત્રણ લાખ ભાવિકોએ જૂનાગઢ દામોદરકુંડ ખાતે કર્યુ પિતૃતર્પણ - Sandesh
 • Home
 • Jamnagar
 • ત્રણ લાખ ભાવિકોએ જૂનાગઢ દામોદરકુંડ ખાતે કર્યુ પિતૃતર્પણ

ત્રણ લાખ ભાવિકોએ જૂનાગઢ દામોદરકુંડ ખાતે કર્યુ પિતૃતર્પણ

 | 12:45 am IST

 • વહેલી સવારના બ્રહ્મ મુહુર્તથી લોકો ઉમટી પડયા
 • મેળામાં ઉમટી પડેલ ભાવિકોએ કુંડમાં સ્નાન કરી પીપળે પાણી રેડયુ
  જૂનાગઢ : સનાતન ધર્મમાં ભાદરવી અમાસનું અનેરૂ મહત્વ છે. અમાસના આ પર્વ નિમિતે લોકો પ્રસિધ્ધ દામોદર કુંડમાં સ્નાન કરી પોતાના પિતૃઓના મોક્ષાર્થે પીપળે પાણી રેડી પિતૃતર્પણ કરવાની હજારો વર્ષ જુની પરંપરા છે.
  દેશભરના ભાવિકો માટે આસ્થાનું મહત્વનું સ્થળ ગણાતા જૂનાગઢ ગિરનાર ક્ષેત્રમાં આવેલ પવિત્ર દામોદર કુંડ ખાતે આજે વહેલી સવારે બ્રહ્મમૂહૂર્તથી જ શ્રાધ્ધાળુઓએ બહોળી સંખ્યામાં ઉમટી પડી પવિત્ર કુંડમાં સ્નાન કરી કુંડના કાંઠે મોક્ષ પીપળે પાણી રેડી પિતૃતર્પણ કર્યુ હતું. બાદમાં અહિંના દામોદરરામજી મંદિરે દર્શન-પૂજન કરી ભૂદેવોને દાન-દક્ષિણા આપી શ્રાધ્ધાળુઓએ પોતાના પિતૃઓના મોક્ષાર્થે કામના કરી હતી અને ભાદરવી અમાસ પર્વે પિતૃતર્પણ કરવાની પરંપરાને આગળ ધપાવી હતી.
 • શ્રાધ્ધાળુઓ માટે સાધુ-સંતોના અન્નક્ષેત્રો ધમધમ્યા : પોલીસતંત્રએ પણ બંદોબસ્ત જાળવી સુંદર કામગીરી કરી
  જૂનાગઢ : ભાદરવી અમાસના પર્વે દામોદર કુંડ ખાતે ભરાયેલ એક દિવસીય મેળામાં વહેલી સવારથી મોડી સાંજ સુધીમાં આશરે ૩ લાખ જેટલા શ્રાધ્ધાળુઓએ પિતૃતર્પણ સહિતની વિધી કરી હતી. શ્રાધ્ધાળુઓ માટે ગિરનાર તળેટી વિસ્તારમાં સાધુ-સંતો દ્વારા વિશેષ અન્નક્ષેત્રો ખોલાયા હતાં. જ્યાં હજારો લોકોએ ભોજન-પ્રસાદનો લાભ લીધો હતો. પિતૃતર્પણ કરવા આવેલ હજારો શ્રાધ્ધાળુઓને મુશ્કેલી ન પડે તે માટે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવી સુંદર વ્યવસ્થા જાળવવામાં આવી હતી.