થાઈલેન્ડમાં અયોધ્યા અને રાજા રામ - Sandesh

થાઈલેન્ડમાં અયોધ્યા અને રાજા રામ

 | 1:57 am IST

અરાઉન્ડ ધ વર્લ્ડ : ચંદ્રકાન્ત મારવાડી

થેરાવાદા બૌદ્ધ વિચારધારા મુજબ ધર્મરાજની પરંપરા નિભાવતા ૧૨૩૮માં સિયામ પ્રદેશમાં ઈન્દ્રાદિત્યે સુખોથાઈ રાજ્યની સ્થાપના કરી હતી. તે પરંપરામાંથી જ આગળ જતાં ઈસવીસન ૧૩૫૧માં સિયામમાં રામાથીબોધી રાજાએ અયોધ્યા રાજ્ય નામે રાજ્ય અને પાટનગરી રચના કરી હતી.

ઈસવીસન ૧૭૬૭માં બર્માના સૈન્યે આક્રમણ કરીને તે અયોધ્યા શહેરને તારાજ કર્યું હતું પરંતુ ઈસવીસન ૧૭૮૨માં જ હાઉસ ઓફ ચક્રીએ સિયામ પર પુનઃ કબજો કરીને નવી રાજધાની બેંગકોક બનાવી હતી ત્યારથી માંડીને આજે પણ આ રાજવીઓ પોતાનાં ટાઈટલ માટે રામનો જ ઉપયોગ કરે છે, જેમ કે રામ પ્રથમ, રામ દ્વિતીય…એ રીતે પરંપરા આગળ વધે છે.

૧૯૩૨થી અહીં પ્રજાને બંધારણીય લોકશાહીનો અધિકાર પ્રાપ્ત છે, પરંતુ શાસનપ્રણાલી કોન્સ્ટિટયૂશનલ મોનકીની છે, જોકે ૧૯૩૫માં જ તત્કાલીન રાજા રામ સાતમા અને સરકાર વચ્ચે વાંધો પડતાં રાજારામ સાતમાએ રાજપદ છોડી દીધું હતું અને બ્રિટન જતા રહ્યા હતા. મૃત્યુ સુધી બ્રિટનમાં જ રહ્યા, જો કે થાઈલેન્ડવાસીઓએ તેમના ૧૦ વર્ષના ભત્રીજાને રાજપદ સોંપીને પરંપરા નિભાવી હતી. હાલમાં રાજા ભૂમિબોલ અદુલ્યાદેજ થાઈલેન્ડ રાજવીપદ સંભાળે છે. વર્તમાનમાં થાઈલેન્ડ તરીકે ઓળખાતા દેશમાં પ્રાચીન અયોધ્યાના અવશેષો અકબંધ જળવાયેલા છે.

અયોધ્યા/અયુથ્થ્યા

પ્રાચીન સિયામની તે રાજધાની હતી અયોધ્યા કે અયુથ્થ્યા. ભગવાન રામનો જન્મ થયો હતો તે અયોધ્યાને નામે જ સિયામનાં પાટનગરને નામ આપવામાં આવ્યું હતું. સુખોથાઈ પાટનગર પછી સિયામના પરંપરાગત શાસકોએ ઈસવીસન ૧૬૦૦ અયોધ્યા નામે જ પાટનગર અને રાજયની સ્થાપના કરી હતી.તે સમયે પણ શહેર દશ લાખની વસ્તી ધરાવતું હતું. સિયામનાં એ અયોધ્યાને પૂર્વના વેનિસની ઓળખ મળી હતી.ઈસવીસન ૧૬૭૬માં બર્માનાં સૈન્યો અયોધ્યાને તારાજ કર્યા પછી સિયામના તે શાસકોએ ફરી સત્તા કબજે કરી બંગકોક નામે નવું પાટનગર વિકસાવ્યું. કિંગ નરસિંહે બર્માને પરાજિત કરીને પુનઃ અયોધ્યાનો કબજો લીધો હોવાની ઈતિહાસ નોંધ લે છે કે, જોકે બર્માનાં સૈન્યે અયોધ્યાને તારાજ કર્યા પછી તેની નવેસરથી રચના કદી નથી થઈ. થાઈ ભાષામાં રામાયણને રામાકેઈન કહે છે. ખ્મેર ભાષામાં ફ્રા પણ કહે છે.

અયોધ્યાના પ્રાચીન અવશેષો પર નજર કરવામાં આવે તો કંબોડિયાના અંગરકોરવાટ સ્થાપત્યોની સીધી અસર જોવા મળે. અયોધ્યાનો અર્થ થાય કે જેની સામે લડાઈમાં ઊતરવું નહીં‘…જેની સામે લડાઈમાં ઊતરવું વર્જિત છે. અયોધ્યામાં રાજા રામ પંાચમાના શાસનકાળમાં રચાયેલાં સ્થાપત્યોને આજે પણ સાચવવામાં આવ્યો છે. બુદ્ધ પ્રતિમાઓ તો ખરી જ. સ્મિત કરી રહેલા બુદ્ધની વિશાળ કદની પ્રતિમાને નિહાળવા આજે પણ પ્રવાસીઓ આ અયોધ્યાની મુલાકાત લે છે. ભારતમાં સરયૂ તટે આવેલાં અયોધ્યાનાં પ્રાચીન મંદિરોના અવશેષો પર નજર નાખવામાં આવે તો સિયામનાં આ અયોધ્યાનાં પ્રાચીન સ્થાપત્યો વચ્ચેની સમાનતા આંખે ઊડીને વળગે તેવી છે.

મજાની વાત એ છે કે ઈન્ડોનેશિયા પણ દાવો કરે છે જો કે જાવા ટાપુ પર આવેલું યોગ્યાકાર્તા નગરનું નામ પણ અયોધ્યાનાં નામે જ રાખવામાં આવેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન