દલિત અત્યાચાર : વધુ ૭ યુવાનોએ ઝેર પીધું, એકનું મોત - Sandesh
  • Home
  • Ahmedabad
  • દલિત અત્યાચાર : વધુ ૭ યુવાનોએ ઝેર પીધું, એકનું મોત

દલિત અત્યાચાર : વધુ ૭ યુવાનોએ ઝેર પીધું, એકનું મોત

 | 4:05 am IST

રાજકોટ :

ઊનાના મોટા સમઢિયાળામાં દલિત યુવાનો પર અત્યાચાર ગુજારાયાની હિચકારી ઘટનાને પગલે મંગળવારે વધુ ૭ યુવાને ઝેર પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા સૌરાષ્ટ્રમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિનું નિમાર્ણ થયું છે. ૭ પૈકી એક યુવકનું મોત થયું હતું. સોમવારે ગોંડલમાં પાંચ, જામકંડોરણામાં બે યુવાને ઝેર પીધું હતું. અમરેલી અને જામનગરમાં પોલીસ અને દલિતો આમને સામને આવી જતા પથ્થરમારા સામે ટિયરગેસના શેલ છોડાયા હતા. હુમલામાં હેડ કોન્સ્ટેબલ યોગેશ અમરેલિયાનું મોત થયું છે. જયારે અમરેલીના એસપી સહિત છ પોલીસકર્મીને ઈજા પહોચી છે સામાપક્ષે રપ દલિતો ઘાયલ થયા હતા. ૩૩પથી વધુની અટકાયત કરવામાં આવી છે. 

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામના દિલીપ જેસિંગ પરમાર ઉ.ર૧, રસિક વિરા વિંઝુડા ઉ.૪૦ અને દિનેશ રાજાભાઈ વેગડા ઉ.ર૩ નામના ત્રણ દલિત યુવકોએ ઝેરી દવા પી લેતા રાજકોટ રિફર કરાયા હતા. ગોંડલ તાલુકાના બિલિયાણા ગામે ભરત રામજી બોરીચા ઉ.૩પ એસિડ ગટગટાવી લેતાં તેને રાજકોટ રિફર કરાયો હતો. ભેંસાણના ખંભાળીયા ગામના હિંમત ભીખાભાઈ સોલંકી ઉ.૪૦ નામના દલિત યુવકે ઝેરી દવા પી લેતા તેનું મોત થયું હતું. ગોંડલમાં એક અને અમદાવાદમાં મુકેશ નામના યુવાને ઝેર ગટગટાવી લીધું.  આ ઘટનાઓથી દલિત સમાજમાં ભારે નારાજગી ફેલાઈ હતી. જેનાથી રોષે ભરાયેલા ટોળાએ ઠેર-ઠેર તોડફોડ કરી હતી.

અત્યાર સુધી ૧૪ દલિતોએ ઝેર પીધું

સાવરકુંડલામાં મોડી રાતે ટાયર સળગાવ્યા હતા. ગોંડલના મોવિયામાં એસટી બસના કાચ ફોડયા હતા. ચોટીલામાં પ્રાંત કચેરીમાં દલિતો દ્રારા મૃત પશુના મૃતદેહો ફેકાયા હતા. રાજકોટમાં એક પેસેન્જર ટ્રેન પર પથ્થરમારો કરાયો હતો. જેતપુરમાં એમજી. રોડ પર દુકાનોમાં તોડફોડ કરી બજાર બંધ કરાવાયા હતા. મારપીટમાં એક મહિલાને ઈજા પહોચી હતી. એક એસટી બસને જૂનાગઢ રોકી દેવાઈ હતી. જૂનાગઢના વડાળ ખાતે ચકકાજામ મામલે પોલીસે ૩૦૦ની અટકાયત કરી હતી. રાજકોટ સહિત એક ડઝનથી વધુ સ્થળે એસટી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યુ હતું