દલિત આંદોલનથી ભાવનગરની બે ટ્રેનને વિઘ્ન નડયું ઃ બોટાદમાં ટ્રેન પર પથ્થરમારો - Sandesh
  • Home
  • Bhavnagar
  • દલિત આંદોલનથી ભાવનગરની બે ટ્રેનને વિઘ્ન નડયું ઃ બોટાદમાં ટ્રેન પર પથ્થરમારો

દલિત આંદોલનથી ભાવનગરની બે ટ્રેનને વિઘ્ન નડયું ઃ બોટાદમાં ટ્રેન પર પથ્થરમારો

 | 10:33 pm IST

ભાવનગર-બોટાદ,તા.૨૦  

ઊનાના સમઢીયાળાના દલિત યુવાનો પર ગુજારવામા આવેલા અત્યાચારને પગલે દલિત સમાજ દ્વારા આજે સમગ્ર રાજ્ય બંધનુ એલાન આપવામાં આવ્યુ છે.રાજ્ય બંધના એલાનને લીધે ભાવનગર રેલવે વિભાગની બે લોલક ટ્રેન સેવા પ્રભાવિત થવા પામી હતી. જ્યારે બોટાદમાં લોકલ ટ્રેન પર ટોળાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે રેલવે સ્ટેશન પર આર.પી.એફ. તૈનાત કરી દેવાઈ છે. અને કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે આરપીએફ દ્વારા પેટ્રોલીંગ તેજ કરી દેવામાં આવ્યુ છે. સુરેન્દ્રનગરમાં રેલવે ટ્રેક પર ટોળુ ઘસી ગયુ હતુ.જોેકે સ્થાનિક પોલીસ અને આરપીએફએ સમજાવટથી ટોળાને હટાવ્યુ હતું.  

આ અંગે સાંપડતી માહિતી અનુસાર, દલિત યુવાનો પર ગુજારવામાં આવેલા જૂલ્મના વિરોધમાં આજે ગુજરાત બંધનુ એલાન અપાયુ હતું.ગુજરાત બંધના અપાયેલા એલાન વચ્ચે ભાવનગર રેલવે વિભાગની ટ્રેન સેવા શરૃ રહેવા પામી હતી.ભાવનગરથી સવારના ૮/૪૦ કલાકે ઉપડતી ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેન આંદોલનને લીધે થોડી પ્રભાવિત થઈ હતી.તેવી જ રીતે ભાવનગરથી સવારના ૧૧/૧૦ કલાકે ઉપડતી ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેન બોટાદના સાળંગપુર રોડ પર પહોચી હતી.ત્યારે પહેલેથી સાળંગપુર રોડ પહોચી ગયેલા ટોળાએ ટ્રેન પર પથ્થર મારો કર્યો હતો.ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવતા યાત્રિકોએ કાચ બંધ કરી દિધા હતા.પથ્થરમારાની ઘટનાને લીધે ટ્રેન ૧૫ મિનિટ સુધી અટકાવી દેવાઈ હતી.ટોળા દ્વારા રેલવે ફાટક તોડવાનો પ્રયાસ કરાયો હતો.જોકે પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.પથ્થરમારાની ઘટનાની જાણ થતા આરપીએફ અને સ્થાનિક પુલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચી જઈને ટોળાને વિખેરીને સ્થિતિને નિયત્રંણમા લઈ લીધી હતી.જોકે કોઈ યાત્રિકોને નુકશાન થયુ ન હતું.

  • રેલવે તંત્રની ચાંપતિ નજરઃ ડીઆરએમ  

ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમ જ્યોતિપ્રકાશ પાંડેએ જણાવ્યુ હતું કે, ગુજરાત બંધના એલાનને લીધે આરપીએફને એલર્ટ રહેવાની સુચના અપાઈ છે, સ્થાનિક પોલીસનો સહયોગ પણ લેવાઈ રહ્યો છે. જોકે કોઈ અપ્રિય ઘટનાના કોઈ સમાચાર આવ્યા નથી.રેલવે તંત્રએ પણ રેલવે સંપતિને કોઈ નુકશાન ન થાય તે માટે ચાંપતી નજર રાખી રહ્યુ છે.