NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • દારૂની કારે અકસ્માત કર્યા બાદ ખેપિયાએ બીજી કાર બોલાવીને જથ્થો રવાના કર્યો

દારૂની કારે અકસ્માત કર્યા બાદ ખેપિયાએ બીજી કાર બોલાવીને જથ્થો રવાના કર્યો

 | 4:30 am IST

પારડી પાસે દારૂ ભરેલી હોન્ડા સિટી કારે વાનને ટક્કર મારતા ચાલકને ઈજા  

વાપી, તા. ૧૭

પારડી રેલવે સ્ટેશન નજીક ઉમરસાડી દેસાઇવાડ રોડ ઉપર શનિવારે સવારે દારૂની ખેપ મારતી હોન્ડા સિટી કારે એક વાનને ટક્કર મારતા વાનચાલકને ઇજા પહોંચી હતી. જો કે તેની પરવા કર્યા વિના હોન્ડા સીટી કારચાલકે અન્ય કારને તેડાવી કારમાં ભરેલો દારૂનો જથ્થો તેમાં ભરાવી છૂ થઇ ગયો હતો. જ્યારે વાનચાલકને વલસાડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

દમણથી દારૂની ગેરકાયદે હેરાફેરી કોસ્ટલ હાઇ-વે થી વાયા પારડી થઇને બુટલેગરો કરી રહ્યા છે. એવા જ એક બુટલેગર હોન્ડા સિટી કાર (નંબર ડીએન-૦૯-બી-૧૨૨૭)માં દમણથી દારૂનો જથ્થો ભરી કોસ્ટલથી ઉમરસાડી દેસાઇવાડ થઇ પારડી રેલવે સ્ટેશન તરફ ધસી આવતો હતો ત્યારે સામેથી આવતી મારુતિ વાન (નંબર જીજે-૧૫-સીએ-૮૧૫૩)ને ટક્કર મારતા વાન રોડ કિનારે એક ઝાડી ઝાંખ સાથે અડી જવા સાથે વાન અને હોન્ડા સિટી કાર બંનેને આગળના બોનેટ સહિતના ભાગને નુકસાન થવા સાથે વાનચાલક ભગુભાઇ (રહે. ચણવઇ અતુલ)ને પણ ગંભીર ઇજા થઇ હતી. જો કે, આ અકસ્માત સર્જાવા સાથે હોન્ડા સિટી કારના ચાલકે કોઇકને ફોન કરતા ગણતરીની મિનિટમાં અન્ય એક કાર તથા ૧૦થી ૧૫ ઇસમો ઘટનાસ્થળે ધસી આવી અને હોન્ડા સિટી કારમાંનો દારૂ અન્ય કારમાં ભરીને છૂ થઇ ગયા હતા, બીજી તરફ વાનમાં ઘવાયેલા ભગુભાઇને રાહદારીઓએ યેનકેન પ્રકારે પારડી હોસ્પિટલમાં અને ત્યાંથી વલસાડ કસ્તુરબામાં સારવાર હેઠળ દાખલ કરાયો હતો. જ્યાં તેને પગમાં ફ્રેકચરનું નિદાન થયાની વિગતો મળી રહી છે.

આ ઘટનામાં પારડી પોલીસનો લોકોએ ફોન કરી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ફોન ન લાગતા મોડેથી પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતવાળી કારનું નિરીક્ષણ કરતા હોન્ડા સિટી કારમાં દારૂની તૂટેલી બાટલીઓ મળી આવી હતી. આ કારનો કબજો લઇ પારડી પોલીસ મથકે લઇ ગઇ હતી.