દાહોદ જિ.માં ખેડૂતોને વળતર માટે એકશન પ્લાન - Sandesh
  • Home
  • Newspaper
  • દાહોદ જિ.માં ખેડૂતોને વળતર માટે એકશન પ્લાન

દાહોદ જિ.માં ખેડૂતોને વળતર માટે એકશન પ્લાન

 | 2:45 am IST

ધોધમાર વરસાદને પગલે ખેતીને પારાવાર નુક્સાન થયું હોવાનું અનુમાન

જિલ્લા ખેતીવાડી વિભાગમાં પણ નુકસાનીના અહેવાલ આવવાના શરુ થયા

। દાહોદ ।

દાહોદ જિલ્લામાં આ ચોમાસે છેલ્લે વરસેલા વરસાદને કારણે પાકને નુક્સાન થયુ છે. ત્યારે દાહોદ અનાજ માર્કેટમાં સહકારી અગ્રણીઓએ એક તાકીદની બેઠક બોલાવી નુકસાન વિશે ચર્ચા કરી ખેડૂતોના પ્રાણ પ્રશ્નો ઉકેલવાનો એકશન પ્લાન તૈયાર કર્યાે છે અને તે પ્રમાણે રજૂઆતો પણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લામાં આ ચોમાસે તારીખ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં કુલ ૬૫૮૩ મિમિ વરસાદ વરસી ચુક્યો છે. ગત વર્ષે આ જ દિવસ સુધીમાં ૪૫૯૪ મિમિ વરસાદ નોંધાયો હતો. આમ આ વખતે ૧૫૮૯ મિમિ વરસાદ વધુ વરસતા ઋતુનો કુલ ૧૩૭ % વરસાદ વરસી ગયો હોવાનુ તંત્રના આંકડા જ જણાવે છે. સમગ્ર રાજ્યમાં છેલ્લે છેલ્લે મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા ઠેર ઠેર તારાજી સર્જાઇ હતી. પૂરનો પ્રકોપ પણ લોકો વેઠી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં છેલ્લે વરસેલા ધોધમાર વરસાદને કારણે પાકને નુક્સાન થયુ છે.જિલ્લામાં મકાઇ, ડાંગર અને સોયાબીનનુ વાવેતર મહત્તમ કરાયુ હતું. તેમજ આ વર્ષે ૧૦૦% વાવેતર થયું હોવાથી નુક્સાનીનો આંકડો પણ મોટો હોવાનુ અનુમાન કરવામાં આવી રહ્યુ છે. તેને કારણે દાહોદ એપીએમસીમાં સહકારી તેમજ ખેડૂત અગ્રણીઓની એક બેઠક ચેરમેન કનૈયાલાલ કિશોરીની ઉપસ્થિતિમાં થઇ હતી. આ બેઠકમાં ખેતીને થયેલા વ્યાપક નુકસાન બાદ ખેડૂતોને મહત્તમ વળતર કેવી રીતે મળે તેની સવિશેષ ચર્ચા કરવામાં આવી હતી. દાહોદ વિસ્તાર તેમજ જિલ્લાના ખેડૂતોને પાક વીમો રાજ્યના અન્ય ખેડૂતોની માફક મળતો ન હોવાનું પણ બેઠકમાં ચર્ચાયું હતું. અને આ વખતે ખેડૂતને સરળતાથી વીમો મળે તેના માટે રજૂઆતથી માંડી તમામ કાર્યવાહી કરવા નક્કી થયુ હતુ. પાકની આનાવારી પણ તેની પધ્ધતિસર કરવામાં આવે તેમજ સ્થાનિક ખેડૂત અગ્રણીઓ કે પદાધિકારીઓની ઉપસ્થિતિમાં નિષ્પક્ષ રીતે આનાવારી નક્કી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આવા ઘણાં મુદ્દે આવેદનો પણ અપાશે તેમજ ખેડૂતોને ન્યાય અપાવવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. ખેતીવાડી વિભાગમાં ખેતીને નુક્સાન થયુ છે અને કેટલુ થયુ છે તેના અહેવાલ પણ આવવા લાગ્યા છે, ત્યારે વરસેલા અનરાધાર વરસાદને કારણે ધરતીપુત્રોની બનેલી બાજી બગડી ગઇ હોય તેમ લાગી રહ્યુ છે.

૭૫ % પાકને નુક્સાન થયું છે.

દાહોદ પંથકમાં મકાઇ, સોયાબીન અને ડાંગરનો પાક આડો પડી જતા ખેડૂતોને ૭૫ % નુક્સાન થયુ છે.જેથી એપીએમસીમાં અગત્યની બેઠક રાખી ખેડૂતોને પુરેપુરુ વળતર મળે તેવુ આયોજન કરવા ચર્ચા કરવામાં આવી હતી.પાક વીમો ખેડૂતને મળે અને સાચી રીતે આનાવારી થાય તેના માટે રજૂઆતો કરવામાં આવશે.                  -નિકુંજ મેડા, એપીએમસી સભ્ય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન