દિલ ફિલ્મે આમીરને બીજો કુમાર ગૌરવ બનતાં બચાવી લીધો હતો   - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • દિલ ફિલ્મે આમીરને બીજો કુમાર ગૌરવ બનતાં બચાવી લીધો હતો  

દિલ ફિલ્મે આમીરને બીજો કુમાર ગૌરવ બનતાં બચાવી લીધો હતો  

 | 4:55 am IST
  • Share

દિલનું ગીત દમદમાદમ પહેલાં ફિલ્મમાં નહોતું લેવાયું, પણ ઈન્દ્ર કુમારનું ગમતું ગીત હોવાથી ફિલ્મ હિટ થઇ ગયાં બાદ ફિલ્મમાં એડ કરવામાં આવ્યું હતું

  ઈન્દ્ર કુમારની ડેબ્યૂ ફિલ્મ દિલ 1990ના દાયકામાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર તે સમયે ટંકશાળ પાડી હોવાનું ઉલ્લેખનીય છે. વૅલ, ફિલ્મનું બજેટ માત્ર બે કરોડ જ હતું જ્યારે ફિલ્મે કમાણી વીસ કરોડની કરી હતી. જે તે સમયે તેના માટે ટંકશાળસમી જ હતી. આમ તો ઈન્દ્ર કુમારની દિલ ડેબ્યૂ ફિલ્મ હતી, પણ તે નસીબજોગે ડેબ્યૂ બની ગઇ હતી. ખરેખર ઈન્દ્ર કુમારે અનિલ અને માધુરીને લઇને બેટા બનાવવાની શરૂઆત પહેલાં કરી હતી. બેટા ફિલ્મથી તેઓ ડાયરેક્શન ક્ષેત્રે ડેબ્યૂ કરવા માંગતા હતા, પણ બન્યું એવું કે બેટા બનતાં ઘણી વાર લાગી અને બેટા અધૂરી હતી તે સમયે જ દિલ ફિલ્મનો પ્રોજેક્ટ હાથમાં લઇ લીધો હતો. દિલ પહેલાં બની ગઇ અને બેટા બાકી હતી, તો દિલ પહેલાં રિલીઝ કરવાનું નક્કી કરી નાખ્યું. આમ, નસીબજોગે દિલ ફિલ્મ ઈન્દ્ર કુમારની પહેલી ફિલ્મ બની હતી.  

 આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે માધુરીને લેવાનું ફાઇનલ હતું. બેટામાં તે કામ કરી રહી હતી, ઇન્દ્ર કુમારને માધુરીનું કામ ગમ્યું હતું, તેની મેથડ અને પ્રોફેશનાલિઝમ પણ ગમ્યાં હતાં, વળી દિલની વાર્તા પ્રમાણે માધુરી કેરેક્ટરમાં ફિટ થતી હતી, તેથી બેટાના શૂટિંગ સમયે એક બપોરે તેમણે માધુરીને દિલની વાર્તા સંભળાવી. માધુરીને વાર્તા ગમી, તેણે કહ્યું હું આ ફિલ્મ કરીશ. ઇન્દ્ર કુમારે કહ્યું તું એકસાથે બે બે ફિલ્મોનાં શૂટિંગ કરી શકીશ? માધુરી કહે દોનોં આપકી ફિલ્મેં હૈ, મુજે ક્યા ફીકર? આપ બોલેંગે તબ ઉસ ફિલ્મ કે સેટ પે ચલી જાઉંગી, આપ બોલેંગે તબ ઇસ ફિલ્મ કે સેટ પે આઉંગી. ખેર, એ તો મજાક હતી, પણ બન્યું એવું જ કે માધુરીએ એક સાથે બે બે ફિલ્મોનું શૂટિંગ સાથે કરવું પડયું હતું.  

 દિલમાં ઈન્દ્ર કુમારે જ્યારે આમીરને લેવાનું નક્કી કર્યું ત્યારે સૌથી પહેલો વાંધો ફિલ્મના પ્રોડયુસર અશોક ઠાકેરિયાએ ઉઠાવ્યો હતો, કારણ કે એ સમયે આમીરની ઇમેજ કુમાર ગૌરવ જેવી બની ગઇ હતી. કુમાર ગૌરવ પણ વન ફિલ્મ વન્ડર હતો. તેની પહેલી ફિલ્મ તો સુપરહિટ થઇ હતી પણ તે પછી આવેલી તમામ ફિલ્મો નિષ્ફળ ગઇ હતી. 1990ના દાયકામાં આપણાં મિસ્ટર પર્ફેક્ટનિસ્ટના પણ એવા જ હાલ હતા. આમીરની ડેબ્યૂ ફિલ્મ કયામત સે કયામત તક તો સુપરહિટ થઇ હતી પણ તે પછી બે વર્ષ તેની સળંગ બધી ફિલ્મો નિષ્ફળ ગઇ, પરિણામે તેને પણ વન ફિલ્મ વન્ડર માની લેવામાં આવ્યો હતો. એ સમયે ઈન્દ્ર કુમારે તેને દિલ માટે સાઇન કર્યો ત્યારે અશોકે પોતાનો અણગમો વ્યક્ત કરી દીધો. અશોકે જણાવ્યું કે મને ખબર નહોતી કે તમે આ નિર્ણય લેશો. મને લાગે છે કે તમારે તમારા નિર્ણય ઉપર ફરી વિચારવું જોઈએ. આ ફિલ્મમાં આમીરને લેવાનો શું મતલબ? તમે નથી જાણતાં કે તેની માર્કેટ વેલ્યૂ શું છે? અનિલને લેવાને બદલે તમે એક ફ્લોપ એક્ટરને લઇ રહ્યાં છો? અશોક સિવાય પણ ઇન્દ્ર કુમારના આ નિર્ણય ઉપર ઘણાંએ સવાલ ઉઠાવ્યા હતા. પણ ઈન્દ્ર કુમારને પોતાના નિર્ણય ઉપર ભરોસો હતો. તેમણે શાંત કલેજે બધાંને એક જ જવાબ આપ્યો કે દિલમાં જે પ્રકારનો રોમાન્સ અને જે પ્રકારના પ્રેન્ક્સ છે, તે કોઈ કૉલેજિયન દેખાતો નવો અને યુવાન છોકરો જ કરી શકશે. એમ કહો કે કૉલેજિયન દેખાતા ફૂટડા યુવાન ઉપર જ આ રોલ સારો લાગશે. અનિલની ઇમેજ અલગ છે. વળી આ રોલ માટે તે થોડો પીઢ પણ લાગશે. મારે જે પ્રકારના પ્રેન્ક્સ હીરો પાસે કરાવવા છે તે અનિલ કરશે તો નહીં જ સારા લાગે. એટલે મેં લીધેલો નિર્ણય યોગ્ય જ છે. આમીર જ આ ફિલ્મ કરશે અને તે જ સારો લાગશે. ઘણાં લોકોના કહેવા છતાં ઇન્દ્ર કુમાર એકના બે ન થયા, અંતે આમીરને લેવાનું ફાઇનલ થયું અને જેવું વિચાર્યું હતું તેવું જ રિઝલ્ટ મળ્યું. દિલ ફિલ્મના આમીરને જોઈને અનેક યુવતીઓ તેની પાછળ ઘેલી થઇ ગઇ હતી. ફિલ્મ, તેનું મ્યુઝિક, તેની સ્ટારકાસ્ટ બધાંને દર્શકોએ આવકારી લીધાં અને આમ આમીરના માથે લાગેલું બીજા કુમાર ગૌરવનું ટેગ હટી ગયું હતું.  

 ફિલ્મનું મ્યુઝિક આનંદ મિલિંદે આપ્યુું હતું. આ બંનેએ પહેલાં દિલ માટે અલકા યાજ્ઞિક પાસે ગીતો ગવડાવ્યાં હતાં, પણ અલકા યાજ્ઞિક સાથે આનંદ મિલિંદ અને ટીસીરિઝને કોઈ મુદ્દે ચડભડ થતાં અલકા પાસે ગવડાવેલાં બધાં જ ગીતો અનુરાધા પાસે ફરીથી ગવડાવીને અલકાને ફિલ્મમાંથી કાઢી નાખી હતી.  

 દિલનું ગીત દમદમાદમ ઈન્દ્ર કુમારનું મનપસંદ ગીત હતું, પણ ફંડના અભાવે આ ગીત શૂટ નહોતું થઇ શક્યું, જોકે પોતાને આ બહુ ગમતું હોવાથી તેમણે વિચારેલું કે જો ફિલ્મ હિટ થશે તો પાછળથી તેમાં આ ગીત ઉમેરી દઇશ. ફિલ્મ હિટ ગઇ અને ઈન્દ્ર કુમારે સેલ્ફને કરેલી પ્રોમિસ પાળીને દમદમાદમ ગીત ફરીથી ઉમેર્યું હતું. દિલ ફિલ્મ માટે માધુરીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.       

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો