દીકરો દરેક વાતે છણકા કરતો કેમ થઈ ગયો? - Sandesh

દીકરો દરેક વાતે છણકા કરતો કેમ થઈ ગયો?

 | 2:25 am IST

કવન ઘરમાં આવ્યો કે તરત એની મમ્મીએ કહ્યું, બેટા, ‘ઘરમાં કશાને અડતો નહીં. પહેલાં હાથ-પગ-મોઢું ધોઈ લે.

કવન મોં બગાડીને કહે, ‘ઘરમાં આવ્યો નથી કે તારી કચ કચ ચાલુ થઈ જાય છે. હું ક્યાં જમવા બેસું છું કે હાથ ધોવડાવે છે!

મમ્મીએ કહ્યું, ‘બેટા, બહાર તમે લોકો ધૂળ-માટીમાં રમીને આવ્યા છો. તમારા હાથ ક્યાં ક્યાં પડયા હશે કોને ખબર! એમાં જંતુઓ પણ હોઈ શકે. માટે હાથ ધોઈ લેવા જોઈએ.

કવન વધારે ખિજાયો, ‘અરે પણ મમ્મી હું ક્યાં કશું ખાવાનો છું. હ્ય્ે જંતુઓ મોંમાં જતા રહેશે?’

દાદાએ કહ્યું, ‘કવન બેટા મમ્મી સાચું કહે છે. હાથ ધોઈ લે.

કવન કહે, ‘તમે પણ મારી વિરૃદ્ધ જ બોલવાના. મમ્મીનો જ પક્ષ લેવાના!

દાદા કહે, ‘જો દીકરા, પક્ષ લેવાની વાત નથી. તુ ખાવા નથી બેસવાનો, પણ નાના ભાઈને તો તેડીશને! એને જંતુનો ચેપ લાગી જાય તો?’

કવન પગ પછાડતો બાથરૃમમાં ગયો અને હાથ-પગ-મોઢું ધોઈને પાછો આવ્યો.

એ નાના ભાઈ પાસે ગયો અને એને રમાડવા માટે ઉઠાવતો હતો ત્યાં જ પપ્પાએ કહ્યું, ‘કવન જરાક સાચવજે, ગળા નીચે હાથ રાખજે.

ફરી કવન ખીજાયો, ‘તમે બાકી રહી ગયા હતા? હું નાનકાને પાડી દેવાનો હતો? મનેય ખબર પડે છે.

કવન નાનકાને રમાડવા લાગ્યો. મમ્મી અને પપ્પાને દાદાજીએ બીજા ઓરડામાં બોલાવ્યા. પછી કહે, ‘કવન હમણાંથી દરેક વાતે વડચકાં ભરે છે. જરાક તપાસ તો કરો. આજકાલ કોની સાથે રમે છે.બીજા દિવસે મમ્મીએ શોધી કાઢયું. શેરીમાં નવા પાડોશી આવ્યા છે. એમનો પુત્ર વિરેન કવન  સાથે આખો દિવસ રમતો હોય છે.

એ સાંજે દાદાજી નવા પાડોશીને ત્યાં ગયા. સીધું તો એમને કશું કહેવાય એમ નહોતું. ખુબ વિચારીને ચા પીતાં પીતાં પોતાના ઘર વિષે વાતો કરતા હોય એમ વાત કરી, અમારા ઘરમાં અમે બધા દરેક વાતે દરેકનો વાંક કાઢતા હતા. કવન અઢી વર્ષનો થયો ત્યારે એ પણ અમારી દરેક વાતે વાંક કાઢવા લાગ્યો.પછી અમને સમજાયું કે ઘરમાં આપણે ઘરમાં એકબીજાનો વાંક જ કાઢતા રહીએ તો બાળકો એવું જ શીખે છે. એટલે અમે બધાએ નક્કી કર્યું કે કોઈનો કોઈપણ વાતે વાંક ન કાઢવો. એ પછી માંડ માંડ કવનનો સ્વભાવ સુધર્યો.

એ પછી અમે તેને ખાસ શીખવાડયું છે કે સારી વાતો કરે એની સાથે જ રમવું. તમે પણ તમારા પુત્રને શીખવી દેજો કે સારી વાતો કરનારા છોકરાઓને જ દોસ્ત બનાવે.

દાદજીના ગયા પછી નવા પાડોશી પતિ-પત્ની વાત કરતા હતા. કાકાની વાત તદ્દન સાચી છે હોં! આપણો વીરેન પણ દરેક વાતે વાંક જ કાઢે છે, કારણ કે આપણે પણ એવું કરીએ છીએ. આપણે વાંક કાઢવાનું બંધ કરવું પડશે.