દેવ અને દાનવની વચ્ચે ઝૂલતો માનવ! - Sandesh
  • Home
  • Columnist
  • દેવ અને દાનવની વચ્ચે ઝૂલતો માનવ!

દેવ અને દાનવની વચ્ચે ઝૂલતો માનવ!

 | 2:12 am IST

ક્લાસિક : દીપક સોલિયા

જુવાનીના જુસ્સા અને મુગ્ધતાનું એક આગવું સૌંદર્ય હોય છે. જુવાનીમાં એવા એવા જોશીલા વિચારો આવે કે કોઈને કહીએ તો ગાંડામાં ખપી જઈએ. આવો એક વિચાર મને જુવાનીમાં આવેલો. ત્યારે તો ગાંડામાં ખપી જવાની શક્યતાને મદ્દે નઝર રખતે હુએ એ વિચાર કોઈને નહોતો કહ્યો, પણ હવે પચાસ વટાવ્યા પછી એ કહી શકાય, કારણ કે એ ગાંડપણ ઘણું પાછળ રહી ગયું છે. થયેલું એવું કે પચ્ચીસેકની ઉંમરે મેં રશિયન લેખક ફ્યોદોર દોસ્તોયેવસ્કીની નવલકથા ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ વાંચી (એનાથી પણ વધુ મજબૂત એવી, એ જ લેખકની, ધ બ્રધર્સ કારામાઝોવ પછી વાંચી). તો, ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ વાંચ્યા પછી મને એવો વિચાર આવેલો કે જગતમાં સગીર વય અને પુખ્ત વયને ૨૧ ને ૧૮ ને એવી બધી ઉંમરના આંકડા સાથે સાંકળવામાં આવે છે. એના કરતાં એક સાદો નિયમ આખી દુનિયા માટે ઘડી કાઢવો જોઈએઃ જેણે ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ વાંચી હોય એ પુખ્ત અને બાકીના બધા સગીર.  

અલબત્ત, એ વિચાર મારી નાદાનીની સાબિતી છે, પરંતુ સાહિરે જ્યારે કહ્યું કે ફ્રિ સુબહ હોગીફ્લ્મિનું સંગીત એ જ આપી શકે જેણે ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ વાંચી હોય, ત્યારે એમાં નાદાની નહોતી, ઠરેલપણું હતું. ફ્લ્મિ ફ્રિ સુબહ હોગી (કલાકારોઃ રાજ કપૂર, માલા સિંહા, દિગ્દર્શકઃ રમેશ સાયગલ)ની વાર્તા દોસ્તોયેવસ્કીની નવલકથા ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ પરથી રચવામાં આવેલી. દોસ્તોયેવસ્કીની ખૂબી એ છે કે એમની વાર્તાઓમાં માણસની લાગણીઓના સૂક્ષ્મતમ સૂરોની ગજબની ગૂંથણી જોવા મળે છે. એટલે જ તો ઓસ્ટ્રિયાના મોટા ગજાના સંગીતકાર અને સંગીતગુરુ ગુસ્તાવ મેલર એમના શિષ્યોને કહેતા કે સારું સંગીત રચવું હોય તો લેખક દોસ્તોયેવસ્કીને વાંચો. હવે જ્યારે આ જ દોસ્તોયેવસ્કીની વાર્તા પરથી ફ્લ્મિ બની રહી હોય અને એમાં સંગીત આપવાનું હોય ત્યારે સંગીતકારે દોસ્તોયેવસ્કીને બરાબર પચાવેલા હોવા જોઈએ એવો આગ્રહ ગીતકાર સાહિર રાખે તો એમાં કશું ખોટું નહોતું. માટે ફ્લ્મિના હીરો રાજ કપૂરના ટીમ મેમ્બર્સ એવા સુપરહિટ શંકર-જયકિશન ફ્રિ સુબહ હોગીના સંગીતકાર તરીકે નક્કી થઈ ચૂક્યા હોવા છતાં સાહિરના આગ્રહને માન આપીને ઓછા જાણીતા અને સંઘર્ષ કરી રહેલા સંગીતકાર ખય્યામને સંગીતની જવાબદારી સોંપાઈ. પછી સાહિર અને ખય્યામે મૂળ નવલકથાને બરાબર વાંચી-પચાવીને આ ફ્લ્મિ માટે જે ગીતો રચ્યાં એ હિન્દી ફ્લ્મિજગતમાં ગીતકાર-સંગીતકારની શ્રેષ્ઠ જુગલબંદીના મામલે ફ્લ્મિ પ્યાસાને ટક્કર મારે એવાં બન્યાં (પ્યાસાનાં ગીતો પણ સાહિરે લખેલાં, પરંતુ એમાં સંગીતકાર એસ.ડી. બર્મન હતા). 

ક્રાઈમ એન્ડ પનિશમેન્ટનો (અને ફ્લ્મિનો) હીરો જુવાન છે, તેજસ્વી છે, નખશીખ સજ્જન છે, છતાં એ શાંતિથી સમજી-વિચારીને ખૂન કરે છે (એ ખૂન શા માટે કરે છે એ બહુ પેચીદી અને લાંબી વાત હોવાથી વો કહાની ફ્રિ સહી). ઉચ્ચ હેતુ સાથે ખૂન જેવું નીચ કૃત્ય કર્યા બાદ ખૂની હીરો પકડાતો તો નથી, પરંતુ એનો અંતરાત્મા ખૂબ ડંખે છે. એટલે છેવટે એ નાયિકા પાસે પોતાના કરતૂતની કબુલાત કરે છે. હવે આ જે નાયિકા છે, એ કમસે કમ મેં જેટલી નવલકથા વાંચી છે એમાંની સૌથી મજબૂત તેમ જ સૌથી નાજૂક નાયિકા છે, એ જ્યારે નાયકના મોંઢેથી ગુનાની કબુલાત સાંભળે છે ત્યારે એના પર જાણે પહાડ તૂટી પડે છે, એ ભાંગી પડે છે, રડી પડે છે, કકળી ઊઠે છે. પોતાનો પ્રેમી એક સજ્જન અને સંવેદનશીલ માણસ છે એની નાયિકાને જાણ છે. બીજી તરફ્ પ્રેમી ખૂની પણ છે એની જ્યારે નાયિકાને જાણ થાય છે ત્યારે એણે અનુભવેલું મનોમંથન ફ્લ્મિમાં ગીતરૂપે રજૂ કરવામાં આવ્યું છે. મેં ફ્લ્મિ નથી જોઈ, પરંતુ એનાં ગીતો યુ-ટયૂબ પર જોયાં. તો સિચ્યુએશન એવી છે કે માલા સિંહા સમક્ષ ગુનો કબુલ્યા બાદ રાજ કપૂર નીચોવાઈ ગયેલી અવસ્થામાં માથું ઝુકાવીને બેઠો છે અને વલોવાઈ ગયેલી માલા સિંહા ધીમા સાદે ગાય છે. ગીતના (સાહિરના) શબ્દો છેઃ 

દો બૂંદે સાવન કી… હાય દો બૂંદે સાવન કી 

એક સાગર કી સીપ મેં ટપકે ઔર મોતી બન જાયે 

દૂજી ગન્દે જલ મેં ગિર કર અપના આપ ગવાયે 

કિસ કો મુઝરિમ સમઝે કોઈ કિસ કો દોષ લગાયે 

નાયિકા સમજે છે, સ્વીકારે છે કે એનો પ્રેમી ગટરના પાણી જેટલો ગંદો થઈ ચૂક્યો છે. બીજી તરફ્ છે નાયિકા પોતે, જે મૂળ વાર્તામાં અસહ્ય ગરીબીમાં પીડાતા પોતાના પરિવારને પોષવા ગણિકા બની ચૂકી છે અને છતાં એ મોતી જેટલી શુદ્ધ છે, એના મનમાં જે મંથન ચાલે છે તે એવું છે કે પૃથ્વી પર જન્મતો પ્રત્યેક જીવ તો વરસાદનાં ટીપાં જેટલો જ શુદ્ધ છે, પણ પછી એક ટીપું ગટરના પાણીમાં ભળીને ગટર બની જાય અને બીજું ટીપું છીપમાં પડીને કાળક્રમે મોતી બની જાય તો એમાં ગટર બનનાર ટીપાનો દોષ કેટલો અને મોતી બનનાર ટીપાની મહાનતા કેટલી? આ બહુ જ મહત્ત્વનો મુદ્દો છે. આપણે સૌ કેવા બનીએ છીએ એનો બહુ મોટો આધાર એ વાત પર છે કે આપણે ક્યાં ટપકીએછીએ, કેવાં મા-બાપને ત્યાં જન્મીએ છીએ, આપણો કેવો ઉછેર થાય છે, આપણા સંજોગો કેવા રચાય છે. આવામાં, વ્યક્તિના કૃત્ય વિશે ચુકાદા આપવાનું કામ અત્યંત કપરું છે. આ સવાલ છેવટે તો સૃષ્ટિના સર્જનહારને જ પૂછવો પડે કે એક ટીપું ગટરમાં પડે અને બીજું છીપલાંમાં પડે એ બધામાં હે ઉપરવાળા, તારી ભૂમિકા કેટલી, તારી ભૂમિકા કેવી? કોઈ માણસ સંત બની જાય અને કોઈ માણસ ઉગ્રવાદી બનીને ધડાકા કરે તો શું એ બધું ઉપરવાળાની ઇચ્છા પ્રમાણે બનતું હશે? આ ગંભીર સવાલ વિશેનું એક હળવું છતાં વેધક ગીત પણ ફ્લ્મિ ફ્રિ સુબહ હોગી માટે સાહિરે રચ્યું. શબ્દો જુઓ. 

આસમાં પે હૈ ખુદા ઔર ઝમીં પે હમ 

આજકલ વો ઇસ તરફ્ દેખતા હૈ કમ. 

આજકલ કિસી કો વો ટોકતા નહીં 

ચાહે કુછ ભી કિજીયે રોકતા નહીં 

હો રહી હૈ લૂટમાર, ફ્ટ રહે હૈ બમ… 

આસમાં પે હૈ ખુદા ઔર ઝમીં પે હમ 

આજકલ વો ઇસ તરફ્ દેખતા હૈ કમ. 

એક બાજુ ચોતરફ્ લૂંટમાર ચાલી રહી હોય અને બોમ્બ ફૂટી રહ્યા હોય ત્યારે ઉપરવાળો આ બાબતે કરી શું રહ્યો છે એવો સવાલ માત્ર એ ફ્લ્મિનાં એ પાત્રોને કે ગીતકાર સાહિરને જ નહીં, આપણને સૌને પણ થાય. આજનો માનવી પણ આ જ કહી રહ્યો છેઃ હો રહી હૈ લૂટમાર, ફ્ટ રહે હૈ બમ. પછી કવિ આગળ કહે છે,  

કિસ કો ભેજે વો યહાં હાથ થામને 

ઇસ તમામ ભીડ કા હાલ જાનને 

આદમી હૈ અનગીનત, દેવતા હૈ કમ 

આસમાં પે હૈ ખુદા ઔર ઝમીં પે હમ. 

કવિ ઉપરવાળાની મુશ્કેલી સમજી શકે છે. કરોડોની આબાદીથી ખદબદતા આ દેશમાં ઉપરવાળો કેટકેટલાનું ધ્યાન રાખે, કેટલું ધ્યાન રાખે. પછી કવિ છેલ્લે ઔકહે છેઃ 

જો ભી હૈ વો ઠીક હૈ, ઝિક્ર ક્યોં કરેં 

હમ હી સબ જહાન કી ફ્ક્રિ ક્યોં કરેં 

જબ ઉસે હી ગમ નહીં તો ક્યોં હમેં હો ગમ 

આસમાં પે હૈ ખુદા ઔર ઝમીં પે હમ. 

સ્થિતિ આવી કેમ છે અને લોકો આવા કેમ છે એવું પૂછવાનો કોઈ મતલબ નથી. એક ટીપું મોતી બની જાય અને બીજું ગટરમાં શા માટે ભળી જાય એવા સવાલો ઉઠાવવાનો અર્થ નથી. ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો શા માટે તરી જાય છે એવું બધું વિચારવાથી માથું ભમી શકે છે. માટે છોડો બધી ફ્કિર. ઉપરવાળાને પોતાને પોતાની સૃષ્ટિની ફ્કિર ન હોય તો પછી હું ફ્કિર શા માટે કરું? આમ પણ, આજકાલ ઉપરવાળો નીચે ઝાઝું ધ્યાન આપતો લાગતો નથી. સાવ જ સીધીસાદી પંક્તિઓમાં કહેવાયેલી વાતમાં જે ચોટ અને ઊંડાણ છે એ કેવી અને કેટલી છે એ તમે જાતે નક્કી કરો અને ગીત યાદ હોય તો ગણગણોઃ આસમાં પે હૈ ખુદા ઔર ઝમીં પે હમ, આજકલ વો ઇસ તરફ્ દેખતા હૈ કમ. (ક્રમશઃ)  

Facebook.com/dipaksoliya1

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન