ધરમપુર નગરમાં વિકટ ટ્રાફિક સમસ્યાને પગલે તાજીયા બીજા દિવસે ઠંડા કરાશે - Sandesh
  • Home
  • Newspaper
  • ધરમપુર નગરમાં વિકટ ટ્રાફિક સમસ્યાને પગલે તાજીયા બીજા દિવસે ઠંડા કરાશે

ધરમપુર નગરમાં વિકટ ટ્રાફિક સમસ્યાને પગલે તાજીયા બીજા દિવસે ઠંડા કરાશે

 | 3:00 am IST

  • શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ સમાજનો મહત્ત્વનો નિર્ણય
  • પ્રથમ દિવસે મુસ્લિમ વિસ્તારમાં જુલૂસ નીકળશે

ા ધરમપુર ા

ધરમપુર ખાતે ગણેશ પર્વ તથા મોહરમને લઇને આજરોજ યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં, મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાના જુલૂસ મોડી સાંજે કાઢવા દરમિયાન ભીડને લઇ ઉદ્ભવતી સમસ્યાને ધ્યાને લઇ, પ્રથમ દિને તાજિયાનું જુલૂસ મુસ્લિમ વિસ્તારોમાંથી કાઢવામાં આવશે, તે બાદ બીજા દિને નગરમાંથી જુલૂસ કાઢી તાજિયાને ઠંડા કરવામાં આવશે તેવો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો.

ધરમપુર તાલુકા મામલતદાર જી.જી. તડવીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં હાજર મુસ્લિમ સુન્નત જમાતના પ્રમુખ મહમૂદ બાહનાનએ તાજિયાના જુલૂસ કાઢવામાં મોડી સાંજ થઇ જાય છે અને સાંજના સમયે ભીડને લઇ ઉત્પન્ન થતી અનેક સમસ્યાઓ સમસ્યાને ધ્યાને લઇ તાજિયાનું જુલૂસ પ્રથમ દિને ફક્ત મુસ્લિમ વિસ્તારોમાંથી પસાર કરવામાં આવે અને જે બાદ તાજિયાને ઠંડા કરવા માટે નગરમાં ફરીથી દિવસ દરમિયાન જુલૂસ કાઢવા સુચન કરાયું હતુ. આ સૂચનનો સર્વાનુમતે સ્વીકારાયો હતો.

બેઠકમાં હાજર ધરમપુર પોલીસ મથકના પ્રોબેશનર પીએસઆઇ એન.ટી. પૂરાણીએ તાજિયાના આયોજકો સહિત ગણેશ મહોત્સવના આયોજકોને, બંને પર્વોની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા અપીલ કરી હતી. તેમણે મહોત્સવ દરમ્યાન દારૃનું સેવન નહિ કરવા સહિત અન્ય કોઈપણ આસામાજિક પ્રવૃત્તિ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પીએસઆઇએ, કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેની સાથે ઘર્ષણ નહિ કરવા અને તેની જાણ પોલીસને તાત્કાલિક કરવાની સૂચના આપી હતી.

બેઠકમાં હાજર પાલિકા પ્રમુખ જયદીપભાઈ સોલંકીએ, જે સ્થળે તાજિયા ઠંડા કરવામાં આવશે અને જે સ્થળે વિસર્જન કરવામાં આવશે તે નદીના તટ પાસે જરૃરી વ્યવસ્થા ગોઠવવાની ખાતરી આપી હતી.  ઉલ્લેખનીય છે કે ધરમપુરમાં ઉત્સવો દરમિયાન દારુબંધીના કાયદાનો કડકાઈથી અમલ થાય તે માટે પોલીસે ખુદ પણ કાર્યવાહી કરવી પડશે.