ધર્મ સભાના માધ્યમથી ભવ્ય રામ મંદિરના નિર્માણ માટેના આંદોલનનું રણશિંગુ ફૂંકાશે   - Sandesh
  • Home
  • Baroda
  • ધર્મ સભાના માધ્યમથી ભવ્ય રામ મંદિરના નિર્માણ માટેના આંદોલનનું રણશિંગુ ફૂંકાશે  

ધર્મ સભાના માધ્યમથી ભવ્ય રામ મંદિરના નિર્માણ માટેના આંદોલનનું રણશિંગુ ફૂંકાશે  

 | 3:39 am IST

રામ મંદિર મુદ્દે આજે નવલખી મેદાનમાં વિરાટ ધર્મ સભા યોજાશે

ા વડોદરા ા

અયોધ્યામાં રામ લાલાના ભવ્ય મંદિર નિર્માણ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદના ચાલી રહેલા જનજાગરણ અભિયાનના ભાગરૃપે આવતી કાલે રવિવારે સાંજે ૪ કલાકે શહેરના નવલખી મેદાન ખાતે વિરાટ ધર્મ સભા યોજાશે. જે સભામાં વડોદરા શહેર- જિલ્લાના સાધુ, સંતો અને મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે. વિરાટ ધર્મ સભાને વિહિપના કેન્દ્રીય મંત્રી ઉમાશંકર શર્મા સંબોધશે.

ભવ્ય રામ મંદિર નિર્માણ મુદ્દે વિહિપ દ્વારા દેશભરમાં આંદોલનનુ રણશિંગુ ફૂંકી દેવાયુ છે. ત્રણ તબક્કામાં હાથ ધરાયેલા આ આંદોલનના બીજા ચરણમાં ધર્મ સભાઓ બોલાવાઈ છે. જે અંતર્ગત વડોદરા લોકસભા બેઠકને કેન્દ્રમાં રાખીને શહેરના નવલખી મેદાન ખાતે વિરાટ ધર્મ સભાનુ આયોજન કરાયુ છે. તે હેઠળ છેલ્લાં કેટલાક દિવસોથી શહેરના વિવિધ વિસ્તારમાં કેસરીયા ધજા સાથેની સ્કૂટર રેલીઓ નીકળી હતી.

હવે, આવતી કાલ રવિવારે સાંજે ૪ કલાકે શહેરના સૌથી વિશાળ ગણાતા નવલખી મેદાન ખાતે વિરાટ ધર્મ સભા બોલાવાઈ છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ઉમાશંકર શર્મા આ ધર્મ સભાને સંબોધશે. ધર્મ સભામાં વડોદરા શહેર અને જિલ્લાના સાધુ, સંતો અને મહંતો ખાસ ઉપસ્તિત રહેવાના છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનુ નિર્માણ થાય તે હેતુસર આંદોલનના ભાગરૃપે આયોજીત આ વિરાટ ધર્મ સભામાં મોટી સંખ્યામાં મેદની એકત્રીત થાય તે માટે વિહિપ દ્વારા નાગરિકોને આહવાન કરાયુ છે.

સંખ્યા અંગે ભાજપે ચિંતા કરી, વોર્ડ દીઠ ૧૦૦૦ લોકોને લઈ જવા સૂચના

એકતા યાત્રાની જેમ ધર્મ સભામાં પાંખી હાજરી ન રહે તે માટે શહેર ભાજપે ચિંતા કરી હતી. શુક્રવારે સાંજે સયાજીગંજના મનુભાઈ ટાવર ખાતેના ભાજપ કાર્યલયમાં હોદ્દેદ્દારો, કોર્પાેરેટરો અને કાર્યકરોને ધર્મ સભાને લઈને સંખ્યા બાબતે ચિંતા કરવા જણાવાયુ હતુ અને વોર્ડ દીઠ ૧૦૦૦ લોકોને સભામાં લઈ જવા ટાર્ગેટ અપાયો હતો તેવુ જાણવા મળે છે. શનિવારે બાઇક રેલી-મહાઆરતી યોજાઇ

વિરાટ ધર્મસભા પૂર્વે આજે શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી, ગ્રુપ મિટિંગો તેમજ મહાઆરતી યોજાઇ હતી.  શ્રીરામ જન્મભૂમિ ખાતે ભગવાન શ્રી રામજીના ભવ્યમંદિરનું નિર્માણ કરાય એવા હેતુસર દેશભરના વિવિધ વિસ્તારોમાં સૈંકડો સ્થળોએ ધર્મસભાનું આયોજન જારી છે. આવતીકાલે શહેરના નવલખી મેદાન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાનાર વિરાટ ધર્મસભા પૂર્વે શહેરના આજવા રોડ કમલાનગરથી આજે સાંજે બાઇક રેલી પ્રસ્થાન કરાવાઇ હતી. જે સરદાર એસ્ટેટ, માંડવી, ચોખંડી, વાડી શનિદેવ મંદિરના માર્ગે આગળ વધી વાઘોડિયા રોડ વડેશ્વર હનુમાનજી મંદિરે પહોંચી હતી જ્યાં સંધ્યાકાળે મહાઆરતી કરાઇ હતી. બીજી રેલી માંજલપુરથી નિકળી મકરપુરા જી.આઇ.ડી.સી, તરસાલી, માણેજાના માર્ગે આગળ વધી પરત સીતાબાગ ખાતે પરત આવી હતી જ્યાં પણ મહાઆરતીનું આયોજન કરાયું હતું. ત્રીજી રેલી હરણી સંગમ ચારરસ્તાથી નિકળી હતી જે ફતેપુરા મંગલેશ્વર થઇ વારસિયાના માર્ગે ફરી હતી. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન શહેરમાં ૬ સ્થળોથી બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આજે રાતે રાજમહેલ રોડ હાથીપોળના નાકે હનુમાનજી મંદિર પાસે હનુમાન ચાલીસાના પાઠ બાદ મહાઆરતીનું આયોજન કરાયું હતું.

;