ધારણાથી વિરુદ્ધ ગયા એટલે લોકોને તકલીફ થવાની - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • ધારણાથી વિરુદ્ધ ગયા એટલે લોકોને તકલીફ થવાની

ધારણાથી વિરુદ્ધ ગયા એટલે લોકોને તકલીફ થવાની

 | 3:00 am IST
  • Share

આજે વાત કરવી છે લોકોની ધારણા અને તેના આધારે થતાં પરિવર્તનો અંગે. તમે જ્યારે લોકોને ગમે એવું, તેમને ફવે એવું, તેમને અનુકૂળ આવે એવું, રહો, બોલો, જીવો કે વર્તન કરો ત્યારે તેમને ખૂબ જ ગમે છે પણ જો તમે તેમની ધારણાથી વિરુદ્ધ ગયા એટલે પૂરું. તમારા સ્વભાવથી માંડીને તમારા ચારિત્ર્ય સુધી તમામ સ્તરે શંકાઓ કરવા લાગશે, મહેણાં મારવાં લાગશે અને કોલાહલ મચાવી લેશે. આ માણસને આવો ધાર્યો જ નહોતો, આ તો માત્ર દેખાડા કરે છે, તેણે અસલી રંગ દેખાડયો, તેની હિપોક્રસી સામે આવી ગઈ જેવી અનેક વાતો થશે. તેનું કારણ એટલું જ છે કે, તમે અરીસો દેખાડી દીધો. સમાજને જ્યારે પણ તમે અરીસો બતાવો છો, દુખતી નસ ઉપર હાથ મૂકો છો ત્યારે લોકો છંછેડાવાના છે. તમારામાં હજાર ગુણો હોય, તમે લાખો સારાં કામ કરતાં હોવ અને કરોડો વખત મદદ કરતા હોવ કે બીજું કોઈ કામ કરતા હોવ પણ જ્યારે ધારણા કરતાં વિરુદ્ધ ગયા, પ્રવાહની સામે તરવા લાગ્યા કે ઊહાપોહ મચવાનો જ છે. સંબંધોમાં આ સમસ્યાઓ ખૂબ જ સામાન્ય છે. તેમાંય જ્યારે તમે જાહેર જનજીવનમાં હોવ ત્યારે આ બાબતનો અનેક વખત સામનો કરવો પડે છે.

સંબંધોમાં જો સિમ્પલ ઓબ્ઝર્વેશન કરો તો ખ્યાલ આવશે કે, અપેક્ષાઓ પૂરી થતી રહે ત્યાં સુધી કોઈ સમસ્યા આવતી જ નથી. માતા-પિતા સંતાનોને તમામ સુખ સગવડો આપે તો તેની સામે માત્ર સારી કારકિર્દી અને અભ્યાસની જ અપેક્ષા હોય છે. પત્ની પોતાનાં સ્વજનોને છોડીને આજીવન પતિના ઘરે રહે અને તેના પરિવારને સાચવે અને તેનું સંવર્ધન કરે તેના બદલામાં માત્ર સ્નેહ અને વફદારીની જ અપેક્ષા રાખતી હોય છે. પુરુષ પણ આજીવન નોકરી કે વ્યવસાય કરતો હોય તો સામે પરિવાર પાસે સુખ અને શાંતિની જ અપેક્ષા રાખતો હોય છે. આવી અપેક્ષાઓ ખોટી નથી પણ જ્યારે સામેની વ્યક્તિ કોઈપણ રીતે પોતાની ધારણાથી કે અપેક્ષાથી વિમુખ થાય ત્યારે સમસ્યા શરૂ થાય છે. ત્યારે તરત જ તે વ્યક્તિ કે સંબંધ સામે સવાલો થવા લાગે છે, શંકા થવા લાગે છે.

રિલેશનશિપ એક એવી બાબત છે જે સમજાઈ જાય તો વાંધો નથી, તેની મર્યાદાઓ જાણતા હોઈએ તો તકલીફ્ નથી પણ જો તેમાં ધારી લઈ કે માની લઈએ તો પછી અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. રિલેશનશિપના કેટલાક મૂળ નિયમો હોય છે. તેમાંય જ્યારે વ્યક્તિ જાહેરજીવનમાં હોય, લેખક હોય, અભિનેતા હોય, નેતા હોય, સમાજસેવક હોય કે પછી ગમે તે ક્ષેત્રમાં હોય ત્યારે તેમાં અપેક્ષાઓ ઘણીબધી હોય છે. અહીંયાં આગળ વધવાની અને એકબીજા થકી વિકસતા રહેવાની અપેક્ષાઓ હોય છે. લોકોને એમ હોય છે કે, આપનાર પોતાની ધારણા પ્રમાણે આપતો રહે અને આપનારને એમ હોય છે કે હું જે આપું છું તે સામેની વ્યક્તિ સ્વીકારી લે. આ ધરતી ઉપરના બુદ્ધિજીવી ગણાતા માણસના અન્ય માણસ સાથેના કોઈપણ પ્રકારના સંબંધમાં અપેક્ષા ન હોય તેવું શક્ય નથી. ક્યાંક પ્રેમની, ક્યાંક વફદારીની, ક્યાંક સ્નેહની, ક્યાંય વ્યવસાયની તો ક્યાંક સમજદારીની પણ અપેક્ષા તો હોય જ છે. હવે સંબંધોના ચક્રનું એવું છે કે, બધું બરોબર ચાલતું હોય ત્યાં સુધી કોઈ રિપેરિંગ વિશે કે અકસ્માત વિશે વિચારતું નથી. જે દિવસે અચાનક સિસ્ટમ વિરુદ્ધ કંઈક આવ્યું એટલે બધું અટવાઈ જાય છે. તમે સનાતન સત્ય સામે મૂકી દીધું તેનો વાંધો નહીં પણ તેને સ્વીકારવું કેવી રીતે. લોકો માટે ન ગણી શકાય ન કાઢી શકાય જેવી સ્થિતિ સર્જાતી હોય છે. આ સંજોગોમાં તેઓ વિરોધના ઢોલ પીટવાના જ છે. ધારણાના આધારે જ સંબંધ વિકસાવ્યો હોય તો ક્યાંક ને ક્યાંક અથવા તો ક્યારેક ને ક્યારેક તે ખોટકાવાનો જ છે.

સામાન્ય રીતે કોઈપણ સંબંધ અથવા તો સંબંધિત વ્યક્તિને આપણે ઈવેલ્યુએટ કરીએ ત્યારે તેનો સાચો રસ્તો કયો? દરેક વખતે દરેક વ્યક્તિ આપણી અપેક્ષા મુજબ જ વર્તન કરે અથવા તો કામ કરે તેવું ખરેખર શક્ય છે? આપણી અપેક્ષા કે ધારણા ન સંતોષાય ત્યારે સામેની વ્યક્તિ બદલાઈ ગઈ છે અથવા તો તેના વિશે શંકા કરવા લાગવું કે કેટલા અંશે ગ્રાહ્ય છે? સંબંધોમાં એક સમસ્યા એવી છે કે, કોઈ વ્યક્તિ તેના સ્નેહી, સ્વજન કે મિત્ર માટે તમામ ભોગ આપે, સમાધાન આપે, સુખ આપે, સગવડ કરે, સમજદારી દાખવે કે પછી જતું કરે ત્યારે કોઈ સમસ્યા થતી નથી. જે દિવસે આ બધું જ ધારણા પ્રમાણે ન થયું તે દિવસે આ વ્યક્તિએ કરેલું બધું જ ઝીરો થઈ જાય છે. સંબંધીઓ, સ્નેહીઓ, મિત્રો કે પછી અન્ય કોઈ રીતે આપણી સાથે જોડાયેલા લોકો મૂળ રીતે બે પ્રકારના હોય છે. એક જેમને હંમેશાં આપણા પ્રત્યે આદરભાવ કે ગ્રેટિટયૂડની લાગણી હોય છે. બીજા હોય છે કે, સતત મનમાં દુઃખ લઈને ફ્રનારા. તેમને ક્યારેય સંતોષ મળતો જ નથી. તેમને સતત અભાવનું જ દુઃખ રહ્યા કરતું હોય છે. ગ્રેટિટયૂડવાળા માણસો તમામ સ્તરે અહોભાવમાં જીવતા હોય છે અને કદાચ સામેની વ્યક્તિથી એકાદ વખત ભૂલ થાય તો પણ તેઓ જતું કરવામાં નાનપ નથી અનુભવતા. દુઃખી અને ફ્રિયાદી સ્વભાવના લોકોને એકાદ કામ ન થયું હોય કે એકાદ અપેક્ષા પૂરી ન થઈ હોય તેની આજીવન ફ્રિયાદ હોય છે. તેને સામેની વ્યક્તિના અવગુણો જ દેખાવા લાગે છે. શંકાઓ શરૂ થઈ જાય છે. અપેક્ષા રાખવી ખોટી નથી પણ વધુ પડતી અપેક્ષા માણસને દુઃખી કરે છે અને સંબંધને ખરાબ કરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો