ધોની હવે ઓસ્ટ્રેલિયામાં યુવા ખેલાડીઓને ક્રિકેટની તાલીમ આપશે - Sandesh
  • Home
  • Sports
  • ધોની હવે ઓસ્ટ્રેલિયામાં યુવા ખેલાડીઓને ક્રિકેટની તાલીમ આપશે

ધોની હવે ઓસ્ટ્રેલિયામાં યુવા ખેલાડીઓને ક્રિકેટની તાલીમ આપશે

 | 9:05 pm IST

ભારતીય ટીમનો સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હવે પોતાના જીવનની નવી ઇનિંગ રમવા જઈ રહ્યો છે. તેણે ક્રિકેટ કોચ બનવાની દિશામાં પગલાં માંડયા છે. ક્રેગ મેક્ડરમોટ એકેડેમીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરવા ધોની તૈયાર થઈ ગયો છે. આ ઓસ્ટ્રેલિયાની અત્યાધુનિક અંગત ક્રિકેટ અને તાલીમી રમત એકેડેમી છે જેમાં યુવાઓની પ્રતિભાને બહાર લાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ક્રેગ મેક્ડરમોટની આ એકેડેમી રમત અને સાયન્સ મેનેજમેન્ટમાં ચાર વર્ષની સ્નાતક ઉપાધિ આપી રહી છે જેમાં ક્રિકેટ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ભારતના ટી-૨૦ અને વન-ડે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આ આઇડિયા પસંદ પડયો છે અને તેણે આ ઓફર સ્વીકારી લીધી છે.

ટીમ ઇન્ડિયાને આઇસીસીના તમામ ફોર્મેટના ટાઇટલ અપાવનારા ધોનીએ કહ્યું હતું કે, રમતને પરત કંઇક આપવા માટે આ મારા માટે સોનેરી તક અને યોગ્ય પ્લેટફોર્મ છે. હું આમાં સામેલ થઈ તેનો ભાગ બનીને ઘણો ખુશ છું કેમ કે, આનાથી ભારત અને ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડીઓને મળી તેમને ટિપ્સ આપવાની તક મળશે. ધોનીએ કહ્યું કે, સૌથી ખાસ વાત એ છે કે, એકેડેમી રમતમાં રસ ધરાવતા બાળકોમાં શિક્ષણ અને રમતો વચ્ચે યોગ્ય સંતુલન સ્થાપિત કરતા તેમને ખેલાડી બનવામાં મદદરૂપ થશે. અત્યારસુધી એવું થતું હતું કે, જે બાળક ભણવામાં હોંશિયાર હોય અને સાથે જ રમતમાં સારો હોય તેણે આગળ જઈ કોઇ એકની પસંદગી કરવી પડતી હતી.

આ દરમિયાન મેક્ડરમોટે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ભારતીય ઉપખંડમાં તેણે આવવાનો નિર્ણય કર્યો હતો અને અમને એક એવા ચહેરાની જરૂર હતી જે દુનિયાના આ ભાગમાં અમારા દૂત બનીને કામ કરી શકે તથા ધોની આ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. મેક્ડરમોટે જણાવ્યું હતું કે, ધોનીની મોટી ફેન ફોલોવિંગ છે અને અમારા વીઝન સાથે તે સહમત છે. ઉલ્લેખનીય છે આ દરમિયાન ધોની સ્પોર્ટ્સ ફાઉન્ડેશન માટે યોજનાઓ બનાવવામાં આવી રહી છે. આનાથી એવી આશા રાખવામાં આવી રહી છે કે, યુવા ખેલાડીઓ ભણવાની સાથે રમતોમાં સારી સુવિધાઓ મેળવી શકશે. આ કરાર સીએમઆઇસીએ અને રિતી સ્પોર્ટ્સ વચ્ચે થયો છે.