નરસિંહના સાથી રેસલર સંદીપ પણ ડોપ ટેસ્ટમાં ફેલ - Sandesh
  • Home
  • Sports
  • નરસિંહના સાથી રેસલર સંદીપ પણ ડોપ ટેસ્ટમાં ફેલ

નરસિંહના સાથી રેસલર સંદીપ પણ ડોપ ટેસ્ટમાં ફેલ

 | 3:00 am IST

નવી દિલ્હી, તા. ૨૫  

નરસિંહ યાદવની સાથે રહીને ટ્રેનિંગ કેમ્પમાં અભ્યાસ કરતા અને સાથે જ ભોજન લેતા રેસલર સંદીપ તુલસી યાદવનો ડોપ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ મામલે WFIના અધિકારીએ કહ્યું કે, સંદીપે ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ પણ કર્યું નહોતું તો તે ડ્રગ્સ શું કામ લે. તે નરસિંહની સાથે રહી ભોજન લેતો હતો જેને કારણે ડોપ ટેસ્ટમાં ફસાયો છે. અધિકારીના મતે નરસિંહ વિરૂદ્ધ રચવામાં આવેલા ષડ્યંત્રનો સંદીપ પણ શિકાર બન્યો છે. સોનીપત સ્થિત સાઈ સેન્ટરમાં ટ્રેનિંગ કેમ્પ દરમિયાન સંદીપ અને નરસિંહના ડોપ ટેસ્ટ લેવાયાં હતાં જ્યાં બંનેના  ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.

દરમિયાન ડોપિંગ વિવાદમાં ફસાયેલા રેસલર નરસિંહ યાદવના સમર્થનમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI) આવ્યું છે. WFIએ સ્પષ્ટ કહ્યું છે કે, નરસિંહ યાદવ સાથે ષડ્યંત્ર કરાયું છે અને સોનીપત કેમ્પ દરમિયાન તેના ભોજનમાં એક મહિલાએ દવા ભેળવી દીધી હતી.   કુસ્તી ફેડરેશનના અધ્યક્ષે કહ્યું કે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડીજી ઇન્જેતી શ્રીનિવાસને નરસિંહને સોનીપત કેન્દ્રમાં અભ્યાસ ન કરવાની ચેતવણી આપી હતી. તેમ છતાં નરસિંહ સોનીપત કેમ્પમાં ભાગ લેવા ગયો હતો જ્યાં તેના ભોજનમાં કંઇક ભળવી દેવાયું હતું જેને કારણે નરસિંહ અને તેના સાથી રેસલરને પણ ડોપ ટેસ્ટમાં ફસાવું પડયું છે.  

કુસ્તી ફેડરેશનના અધ્યક્ષ વૃજભૂષણ શરણે સૌનીપત કેમ્પની એક મહિલા ઇન્ચાર્જ પર ષડ્યંત્ર રચવાની શંકા વ્યક્ત કરી છે. વૃજભૂષણે વધુમાં કહ્યું કે, જો તેણે જાણી જોઈને ડ્રગ્સ લીધું હોત તો તે સ્પેનમાં ટૂર્નામેન્ટ રમવા ન જતો. સ્પેનમાં યોજાયેલી ટૂર્નામેન્ટમાં પણ મેડલ જીત્યો હતો. તેઓએ વધુમાં કહ્યું કે, એક મહિનામાં ત્રણ વખત કોઈ ખેલાડીનો ડોપ ટેસ્ટ થવો તે પણ એક શંકા ઊભી કરે છે કે, નરસિંહને ફસાવા ષડ્યંત્ર રચાયું હોઈ શકે. આ ઘટના બાદ નરસિંહ યાદવને રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવાની તક અંગે વૃજભૂષણે કહ્યું કે, આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે નરસિંહને ન્યાય અપાવવાનો પ્રયાસ કરીશું.  

નરસિંહ યાદવ વિવાદ મુદ્દે વડાપ્રધાન કોપી માગી

નરસિંહ યાદવનો વિવાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચી ગયો છે. કુસ્તી ફેડરેશનના અધ્યક્ષ વૃજભૂષણસિંહે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને સમગ્ર મામલાને ગંભીરતાથી લેતાં આ અંગેની એક કોપી માગી છે. બીજી તરફ નરસિંહ યાદવે પોતાના પર લાગેલા આરોપને લઈ સીબીઆઈ તપાસની માગ કરી છે. નરસિંહે આરોપ લગાવ્યો છે કે, તેના રિયોમાં ભાગ લેવાના સ્વપ્નને તોડવા માટે ષડયંત્ર રચ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય રમત મંત્રી વિજય ગોયલે સ્પષ્ટ કર્યું છે કે, નરસિંહ ડોપ ટેસ્ટમાં ફેલ થતાં તેના પર પ્રતિબંધ લગાવાયો છે  અને હવે રિયોમાં ૧૧૯ ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. જો નરસિંહ યાદવ ડોપ ટેસ્ટમાંથી નિર્દોષ સાબિત થશે તો તેને રિયો મોકલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન