નરસિંહ આત્મહત્યા કરવા માગતો હતો - Sandesh
  • Home
  • Sports
  • નરસિંહ આત્મહત્યા કરવા માગતો હતો

નરસિંહ આત્મહત્યા કરવા માગતો હતો

 | 4:01 am IST

સોનીપત, તા. ૨૬  

ભારતીય રેસલર નરસિંહ યાદવ પાસે રિયો ઓલિમ્પિકમાં મેડલની આશા હતી પરંતુ તે પહેલાં જ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જતાં નરસિંહ યાદવ ભાંગી પડયો હતો અને બદનામીના ડરથી આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો.  

આ અંગે નરસિંહ યાદવના સાથીએ કહ્યું કે, નરસિંહ ઘણો સ્વમાની છે. તે પોતાના દેશ અને પરિવાર માટે માન-સન્માન મેળવવા માગતો હતો. અત્યાર સુધી નરસિંહે જે મેળવ્યું છે તે કોઈ ડોપ વિના મેળવ્યું છે અને તેને પોતાના દેખાવ પર ગર્વ હતો. તે ક્યારેય પ્રતિબંધિત ડ્રગ્સ ન લઈ શકે. જ્યારે તેને ડોપ ટેસ્ટમાં ફેલ ગયાનું જાણવા મળ્યું ત્યારે તે ઘણો અપસેટ થઈ ગયો હતો અને તે આત્મહત્યાનું વિચારી રહ્યો હતો પરંતુ તેના કોચ જગમાલસિંહ અને સેન્ટરના વરિષ્ઠ સભ્યોએ સમજાવી તેને આકરું પગલું ભરતાં રોક્યો હતો.  

નરસિંહના કોચ જગમાલસિંહે કહ્યું કે, નરસિંહને રિયોમાં જતાં રોકવા માટે ષડ્યંત્ર રચવામાં આવ્યું છે. આ પ્રકારે ગંદી રાજનીતિ કરનારે નરસિંહ સામે જ નહીં પરંતુ કુસ્તી અને દેશ સાથે પણ ષડયંત્ર કર્યું છે.  

નરસિંહે સ્ટેરોઇડનું સેવન કર્યાનું બહાર આવ્યું છે. જેને કારણે તેના ઓલિમ્પિકમાં ભાગ લેવા પર પ્રતિબંધ લાગ્યો છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નરસિંહ યાદવની સાથે છે તેમ છતાં નરસિંહનું રિયોમાં ભાગ લેવું અશક્ય છે કેમ કે, હવે ઘણું મોડું થઈ ગયું છે. નરસિંહ સોનીપત સ્થિત સાઈ સેન્ટરમાં પ્રેકટ્સિ કરતો હતો. નરસિંહ ડોપ ટેસ્ટમાં ફેલ થયા બાદ અહી સન્નાટો પ્રસરી ગયો છે. આ પરિસરમાં રહેનારા લોકોને નરસિંહને મળનાર સજા કરતાં રિયોમાં ભાગ નહીં લઈ શકે તેનું દુઃખ છે.  

ભારતીય રેસલર યોગેશ્વર દત્તે પણ નરસિંહના સમર્થનમાં આવતાં કહ્યું કે, જ્યાં સુધી હું નરસિંહને જાણું છું ત્યાં સુધી તે એક સીધો  માણસ છે અને તપાસ બાદ બધુ સ્પષ્ટ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન