નવદુર્ગાનું નવમું સ્વરૂપ શ્રી સિદ્ધિદાત્રી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Navratri
  • નવદુર્ગાનું નવમું સ્વરૂપ શ્રી સિદ્ધિદાત્રી

નવદુર્ગાનું નવમું સ્વરૂપ શ્રી સિદ્ધિદાત્રી

 | 4:56 am IST
  • Share

સર્વસિદ્ધિ પ્રદાન કરનારી દેવી સિદ્ધિદાત્રી

સિદ્ધગંધર્વપક્ષાઘેરસુરૈરમરૈરપિ ।

સેવ્યમાના સદા ભૂયાત્સિદ્ધિદા સિદ્ધિદાયિની ।।

મા દુર્ગાજીનું નવમું સ્વરૂપ એટલે સિદ્ધિદાત્રી. મા સિદ્ધિદાત્રી એટલે સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરનારી દેવી. જેની ઉપાસના નવરાત્રિના અંતિમ નવમા દિવસે કરાય છે. તે કમળના આસન પર બિરાજે છે. સિદ્ધો, ગંધર્વો, યક્ષો, અસૂરો, અને દેવો વગેરે પણ જેનું સેવન કરે છે. ગાન કરે છે.તે સિદ્ધિ પ્રદાન કરનારી હંમેશાં સિદ્ધિદાત્રી સિદ્ધિ આપનારી બની રહે છે. માર્કંડેયપુરાણમાં જણાવ્યા અનુસાર અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ  જેવી- આ આઠ સિદ્ધિઓ હોય છે. બ્રહ્મવૈવર્તપુરાણના શ્રીકૃષ્ણ જન્મખંડમાં આ સંખ્યા અઢારની દર્શાવવામાં આવી છે કે. અણિમા, મહિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, સર્વકામાવસાયિતા, સર્વજ્ઞાત્વ, દૂરશ્રવણ, પરકાયપ્રવેશન, વાકસિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સૃષ્ટિ, સંહારકરણસામર્થ્ય, અમરત્વ, સર્વન્યાયક્તવ, ભાવના અને સિદ્ધિ.    મા સિદ્ધિદાત્રી આ તમામ સિદ્ધિઓ આપવા સમર્થ છે.ભગવાન શિવશંકરને પણ તમામ સિદ્ધિઓ તેમણે જ પ્રદાન કરી હતી. તેમની કૃપાથી ભગવાન શિવ અર્ધનારેશ્વર બન્યાં હતા. મા સિદ્ધિદાત્રી ચતુર્ભુજ છે. તેમણે તેમની ચારેય ભુજાઓ પર શંખચક્ર, ગદા, પદ્મ અને કમળ ધારણ કર્યાં છે.  જેઓ સિંહ પર સવારી કરે છે. તેવા મા ભગવતી પોતાના ભક્તોને તમામ પ્રકારની સિદ્ધિઓ આપનારા છે. દુર્ગા સપ્તસતીના અગિયારમા અધ્યાયમાં જણાવ્યા અનુસાર દેવતાઓને વરદાન અને સિદ્ધિ તથા તેરમા અધ્યાયમાં જણાવ્યા અનુસાર રાજા સુરથને અને સમાધિ નામના વૈશ્યને અનેક પ્રકારના વરદાન તથા તમામ પ્રકારના ભોગ અને ઈચ્છા મુજબનો મોક્ષ પ્રદાન કરે છે. આમ આદ્યશકિત, મહાશક્તિ, મા જગદંબાએ તેમનું નામ સિદ્ધિદાત્રી તરીકે સાર્થક કરી બતાવ્યું છે. મા સિદ્ધિદાત્રીનું પ્રાચીન મંદિર હિમાચલના નંદા પર્વત ઉપર આવેલું છે. જે તીર્થસ્થળ જગપ્રસિદ્ધ છે. દુર્ગાદેવીની ઉપાસના મંત્રોથી કે સ્તોત્રોથી આ દેવીની આરાધના કરી શકાય છે.   અન્ય આઠ દુર્ગાઓની પૂજા – ઉપાસના શાસ્ત્ર્રીય વિધિ વિધાન અનુસાર કરતાં કરતાં ભક્ત દુર્ગાપૂજનના નવમા દિવસે એમની ઉપાસનામાં પ્રવૃત્ત થાય છે. ઉપાસકનું મન નિર્વાણ ચક્રમાં સ્થિર થાય છે. આ સિદ્ધિદાત્રી માની ઉપાસના પૂર્ણ કરી લીધા બાદ ભક્તો અને સાધકોની લૌકિક તથા પરલૌકિક સર્વે પ્રકારની મનોકામનાઓની ર્પૂિત થઈ જાય છે. પરંતુ સિદ્ધિદાત્રી માના કૃપાપાત્ર ભક્તના હૃદયમાં એવી કોઈ કામના શેષ રહેતી જ નથી, જે તે પૂર્ણ કરવા માગે. તેની બધી સાંસારિક ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને સ્પૃહાઓથી ઉપર ઊઠીને માનસિકરૂપે મા ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતાં અને તેમના કૃપા રસ – પીયૂષનું નિરંતર પાન કરતાં કરતાં વિષય – ભોગ – શૂન્ય થઈ જાય છે. મા ભગવતીનું પરમ સાંનિધ્ય જ તેનું સર્વસ્વ બની જાય છે. માના દિવ્યલોકમાં સાધક વિચરણ કરે છે. જેમકે રાજા સુરથ અને સમાધિ વૈશ્ય. આ પરમ પદને પામ્યા બાદ તેને અન્ય કોઈ પણ વસ્તુની આવશ્યકતા રહેતી જ નથી.   રાધાવલ્લભ સંપ્રદાયમાં પણ નવરાત્રિનું અનેરું મહત્ત્વ રહેલું છે. આસોસુદ એકમ એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસે રાધાવલ્લભલાલને લાલ પોષાક ધારણ કરાવીને વિશેષ પ્રકારનો શણગાર કરાવવામાં આવે છે અને મંદિરમાં જવેરાની સ્થાપના કરીને અપરસમાં રાખવામાં આવે છે. આસોસુદ દશમ એટલેકે વિજયાદશમીના દિવસે ઠાકોરજીને લાલ પોષાક ધારણ કરાવીને જવેરા શ્રીજીના કાન ઉપર ધારણ કરાવવામાં આવે છે. આમ નવરાત્રિના નવ દિવસ સુધી ભકિતભાવ પૂર્વક રસિકજનો જુદા જુદા પદોનું  ગાયક વૃંદો દ્વારા ગાન કરીને પ્રિયા -પ્રીતમની તન, મન અને ધનથી આરાધના કરે છે. આમ પુષ્ટિમાર્ગમાં પણ નવરાત્રિમાં યમુનાજીની આરાધના કરવામાં  આવે છે. નવરાત્રિમાં નવ દિવસ સુધી યમુનાષ્ટકનું ગાન કરવામાં આવે છે. શ્રીરાધાજી અને શ્રીયમુનાજી પણ નવદુર્ગાનું જ સ્વરૂપ માનવામાં આવે છે.

મા સિદ્ધિદાત્રીના ચરણોનું સાંનિધ્ય પ્રાપ્ત કરવા માટે બધીજ રાશિના જાતકોએ માની ઉપાસના કરવી જોઇએ. આ દિવસે જાંબલી રંગના કપડાં પહેરીને માની પૂજા આરાધના કરવાનું વિશેષ મહત્ત્વ છે. માને વિશેષ પ્રકારના શણગાર ધારણ કરાવીને પૂજન, અર્ચન, અભિષેક, થાળ અને આરતી કરીને માના શ્રદ્ધાપૂર્વક ગરબા અને રાસ ગવડાવીને માનો ગરબો વળાવવો જોઇએ.આપણે નિરંતર નિયમનિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ. મા ભગવતીનું સ્મરણ, ધ્યાન, પૂજન આપણને આ સંસારની અસારતાનો બોધ કરાવીને વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃતપદ તરફ્ લઈ જનાર છે.

ઉપાસના મંત્રો

શાંતિ કુરુ સિદ્ધિદાત્રી, સર્વ સિદ્ધિ પ્રદાયક, ભુક્તિ-મુક્તિ દાયક દેવી, નમસ્તે નમસ્તે સ્વાહા

‘ઓમ્ઐં, ર્હ્રીં સિદ્ધિદાર્ત્યે મમ્સુખ-શાંતિદેહિ દેહિ સ્વાહા’.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો