નવરચના યુનિ.નું છઠ્ઠું કોન્વોકેશન ઃ ૫૩૫ વિદ્યાર્થીઓને ડિગ્રી અપાઈ - Sandesh
  • Home
  • Baroda
  • નવરચના યુનિ.નું છઠ્ઠું કોન્વોકેશન ઃ ૫૩૫ વિદ્યાર્થીઓને ડિગ્રી અપાઈ

નવરચના યુનિ.નું છઠ્ઠું કોન્વોકેશન ઃ ૫૩૫ વિદ્યાર્થીઓને ડિગ્રી અપાઈ

 | 3:39 am IST

 

પોળ કલ્ચર માણસને એકમેકની સાથે રાખતું હતું ઃ પદ્મશ્રી બાલકૃષ્ણ દોશી

કોન્વોકેશનમાં ૧૧ વિદ્યાર્થિનીઓ સહિત ૧૭ને ગોલ્ડ મેડલ અપાયા

ા વડોદરા ા

નવરચના યુનિવર્સિટીના ૬ઠ્ઠા કોન્વોકેશનમાં આજે પદ્મશ્રી બાલકૃષ્ણ વી. દોશીએ મુખ્ય અતિથી તરીકે હાજરી આપી હતી. કોન્વોકેશન પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, જૂના સમયના શહેરોમાં બનેલી પોળો અને ખડકીનું કલ્ચર સમાજને સાથે રાખવા માટેનું હતું. પરંતુ આજના કોન્ક્રીટના જંગલોમાં માણસ એકબીજાથી દૂર થઇ રહ્યો છે. આજે પણ જૂના અમદાવાદમાં આ કલ્ચર જળવાયેલું છે, તેથી જ તેને યુનેસ્કો દ્વારા હેરીટેજ સિટીનો દરજજો અપાયો છે.

નવરચના યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે આજે કોન્વોકેશન યોજવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના જ નહીં વિશ્વમાં આર્કિટેક્ચર ક્ષેત્રે નામના મેળવનાર પદ્મશ્રી બાલકૃષ્ણ દોશી હાજર રહ્યા હતા. તેમને ભારતના આર્કિટેક્ટ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, ભારતમાં અનેક શહેરોમાં જૂના આર્કિટેક્ચર જીવંત છે. જેના પગલે જ યુનેસ્કો દ્વારા ભારતના અને એમાં પણ ગુજરાતના અમદાવાદને હેરીટેજ સિટીનો દરજ્જો અપાયો છે. જૂના અમદાવાદ શહેરમાં આજે પણ પોળ અને ખડકી કલ્ચર જીવંત છે. ૬૦૦ વર્ષ કરતા પણ જૂના ઘરોની ડિઝાઇન અને તેની પાછળની વિચારધારા જ તેને હેરીટેજનો દરજજો અપાવે છે. તે સમયના મકાનોમાં રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મૂકાઈ હતી. ઘરની ડિઝાઇન જ એવી હતી કે તેમાં કોઇ પણ મોસમ હોય હવા-ઉજાસ પૂરતા પ્રમાણમાં મળી રહેતા હતા. તેટલું જ નહીં તે સમયના મકાનો સમાજને એકબીજાની નજીક લાવતા હતા. પરંતુ આજના સમયમાં બની રહેલા મકાનો લોકોને એક બીજાથી દૂર લઇ જઇ રહ્યા છે. તમારે કોઇ પરિવારજનને મળવા જવું હોય કે પછી કોઇ ખરીદી કરવી હોય તો તમારે ઘણું દૂર જવું પડે છે. જેમાં ઇંધણ અને સમય બન્નેનો વ્યય થાય છે.

કોન્વોકેશનમાં ૫૩૫ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જે પૈકી ૧૭ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ૧૧ વિદ્યાર્થિનીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. સમારોહમાં એન્જિનિયરીંગ અને ટેકનોલોજીમાં ૧૯૪, મેનેજમેન્ટમાં ૧૧૫, કોમ્પ્યુટર એપ્લીકેશનમાં ૨૧, સાયન્સમાં ૯૦, કોમર્સમાં ૧૧, સોશ્યલ વર્કમાં ૧૭, એજ્યુકેશનમાં ૪૫ અને આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇનમાં ૬૩ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઇ હતી.

;