નવેમ્બર એક્સ્પાયરી પૂર્વે માર્કેટમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે નરમાઈ  - Sandesh
  • Home
  • Business
  • નવેમ્બર એક્સ્પાયરી પૂર્વે માર્કેટમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે નરમાઈ 

નવેમ્બર એક્સ્પાયરી પૂર્વે માર્કેટમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે નરમાઈ 

 | 4:23 am IST
  • Share

  નિફ્ટી 17,601ની ટોચ બનાવી 17,354 પર પટકાયા બાદ 17,415 પર બંધ રહ્યો

  જોકે બ્રોડ માર્કેટમાં ખરીદી વચ્ચે બીએસઈ ખાતે માર્કેટબ્રેડ્થ પોઝિટિવ જોવા મળી 

   ઈન્ફેસિસ, આઈટીસી, રિલાયન્સ, લાર્સન, એચડીએફ્સી અને અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા કાઉન્ટર્સ પાછળ બેન્ચમાર્કમાં ઘટાડો  

  પબ્લિક સેન્ટર એન્ટરપ્રાઇસિસમાં જોવા મળેલી ભારે લેવાલી વચ્ચે ઓએનજીસી, કોલ ઈન્ડિયા, બીપીસીએલ અને એનટીપીસીમાં મજબૂતી 

વૈશ્વિક બજારોમાં સુસ્તી વચ્ચે નવેમ્બર સિરીઝ એક્સ્પાયરીના એક દિવસ પૂર્વે બજારમાં ઊંચી વોલેટિલિટી જોવા મળી હતી. બુધવારે સવારે ગેપઅપ કામગીરી દર્શાવ્યા બાદ મોટાભાગનો સમય ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ દર્શાવતું રહેલું બજાર એકાએક વેચવાલી પાછળ ગગડયું હતું અને નેગેટિવ બંધ રહ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 323.34 પોઇન્ટ્સના ઘટાડે 58,340.99ના સ્તરે જ્યારે નિફ્ટી 88.30ના ઘટાડે 17,415.05ના સ્તરે બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50 પ્રતિનિધિઓમાંથી 18માં સુધારો નોંધાયો હતો. જ્યારે 32 કાઉન્ટર્સ ઘટીને બંધ રહ્યાં હતાં. સેન્સેક્સે તેની દિવસની ટોચથી 825 પોઇન્ટ્સનો ઘટાડો દર્શાવ્યો હતો. માર્કેટમાં નરમાઈ વચ્ચે પણ ઈન્ડિયન વોલેટિલિટી ઇન્ડેક્સમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 17.09ના સ્તરે બંધ રહ્યો હતો. સામાન્યરીતે માર્કેટમાં નરમાઈ વખતે વીક્સમાં વૃદ્ધિનું વલણ જોવા મળતું હોય છે.  

લાર્જકેપ્સમાં ઘટાડો દર્શાવનારા કાઉન્ટર્સમાં ઇન્ફેસિસ, આઈટીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, તાતા મોટર્સ, લાર્સન અને તાતા સ્ટીલનો સમાવેશ થતો હતો. જ્યારે અદાણી પોર્ટ્સ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, બીપીસીએલ, એનટીપીસી જેવા કાઉન્ટર્સ સુધારો દર્શાવી રહ્યાં હતાં. ખાનગી બેંકિંગ ક્ષેત્રે કોટક બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકે પણ પોઝિટિવ ટ્રેડ નોંધાવ્યો હતો. જેની પાછળ નિફ્ટી પીએસઈ 0.75 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી મેટલ, નિફ્ટી પીએસયુ બેંક, નિફ્ટી એનર્જી પણ સાધારણ સુધારા સાથે બંધ જોવા મળતાં હતાં. જોકે નિફ્ટી ઓટો અને નિફ્ટી આઈટી એક ટકાથી વધુ ઘટાડા સાથે બંધ રહ્યા હતાં. ઓટો કાઉન્ટર્સમાં આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, બોશ, બાલક્રિષ્ણા ઇન્ડ, ટીવીએસ મોટર, તાતા મોટર્સ, એમએન્ડએમમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આઈટી કાઉન્ટર્સમાં માઇન્ડટ્રી, એલએન્ડટી ઇન્ફેટેક, એમ્ફ્ેસિસ, ઇન્ફેસિસ અને ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસિસ, ટેક મહિન્દ્રામાં એક ટકાથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો હતો.  

વૈશ્વિક બજારોમાં બુધવારે સુસ્તીનું માહોલ જોવા મળી રહ્યું હતું. સવારે એશિયામાં મોટાભાગના બજારો સાધારણ ઘટાડા સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બપોરે અગ્રણી યુરોપ બજારોમાં નરમાઈ જોવા મળતી હતી. જેની અસર સાથે ગુરુવારે નવેમ્બર એક્સ્પાયરીને કારણે પણ બજારમાં ટ્રેડર્સની ઊંચી કામગીરી પાછળ વોલેટિલિટીની આશંકા હતી. ટેકનિકલી નિફ્ટીને 17,600નો મજબૂત અવરોધ નડી રહ્યો છે અને તે ત્યાંથી જ પરત ર્ફ્યો હતો. જ્યારે તેને 17,200નો સપોર્ટ છે. બેન્ચમાર્ક જે બાજુ બ્રેકઆઉટ આપશે તે બાજુ ઝડપી સુધારો દર્શાવે તેવી શક્યતાં એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યાં છે. જોકે સાથે ઇન્ટ્રાડે વોલેટિલિટીનો ટ્રેન્ડ હજુ કેટલાંક સત્રો સુધી જળવાય તેમ પણ તેઓ ઉમેરે છે.  

બ્રોડ માર્કેટમાં જોકે પસંદગીન કાઉન્ટર્સમાં ખરીદી જોવા મળી રહી છે. બીએસઈ ખાતે 3,430 ટ્રેડેડ કાઉન્ટર્સમાં 1956 કાઉન્ટર્સ પોઝિટિવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1,334 કાઉન્ટર્સ નેગેટિવ ઝોનમાં જોવા મળ્યાં હતાં. નરમ બજારમાં 496 કાઉન્ટર્સે અપર સર્કિટ્સ દર્શાવી હતી. જ્યારે 151 કાઉન્ટર્સે નીચલી સર્કિટ્સ નોંધાવી હતી. છેલ્લા સપ્તાહમાં લિસ્ટ થયેલા આઈપીઓ કાઉન્ટર્સમાં પણ ખરીદી જોવા મળી હતી. જેમાં પેટીએમ, ફિનો પેમેન્ટ બેંક, એસજેએસ એન્ટરપ્રાઇસિસમાં સારી ખરીદી જોવા મળી હતી. પેટીએમ 17 ટકા ઊછળી બંધ રહ્યો હતો. જ્યારે ફિનો પેમેન્ટ્સ બેંક ઇન્ટ્રાડે 20 ટકા ઊછળ્યો હતો.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો