નિષ્કલંક મહાદેવના દર્શન, સમુદ્ર સ્નાન કરી ભાવિકો ધન્ય - Sandesh
  • Home
  • Bhavnagar
  • નિષ્કલંક મહાદેવના દર્શન, સમુદ્ર સ્નાન કરી ભાવિકો ધન્ય

નિષ્કલંક મહાદેવના દર્શન, સમુદ્ર સ્નાન કરી ભાવિકો ધન્ય

 | 1:40 am IST

ા ભાવનગર ા

ભાવનગરથી ૨૩ કિલોમીટર દૂર કોળિયાકમાં ખંભાતનો અખાત જેમના નિત્ય ચરણ પખાળે છે તેવા ભગવાન શ્રી નિષ્કલંક મહાદેવજીના સાન્નિધ્યમાં આજે ભાદરવી અમાસે યોજાયેલા પરંપરાગત મેળામાં દૂરદૂરથી ભાવિક મહેરામણ ઉમટયો હતો.

મહાભારત કાળમાં પાંચ પાંડવ અને સતી દ્રૌપદી અહીં આવ્યા હતા અને ભગવાન ભોળાનાથની આરાધના, પૂજન અર્ચન કર્યું હતું. આમ, પાંડવો દ્વારા સ્થાપિત શિવલીંગ એટલે આ ભગવાન નિષ્કલંક મહાદેવ. તેવી પૌરાણિક કથા છે. કોળિયાકમાં ખંભાતના અખાતમાં એક કિલોમીટર અંદર બિરાજમાન ભગવાન નિષ્કલંક મહાદેવના સાન્નિધ્યમાં પ્રતિ વર્ષ ભાદરવી અમાસે પરંપરાગત રીતે મેળો ભરાય છે. જેમાં ભગવાનના દર્શન અને પવિત્ર સમુદ્રી સ્નાન માટે દૂરદૂરથી હજારો ભાવિકો ઉમટે છે અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

ભાદરવી અમાસના આ મેળાને અનુલક્ષીને વિશાળ સંખ્યામાં ભાવિકો ગઈ કાલ રાત્રીથી જ કોળિયાક પહોંચવા લાગ્યા હતા. ભાવિકો માટે લોકડાયરા, સંતવાણીના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ મેળાને અનુલક્ષીને એસ.ટી. પ્રશાસન દ્વારા ૫૫ જેટલી ખાસ બસ દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત, લક્ઝરી બસ, વેન સહિતના ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનો દ્વારા ભાવિકો કોળિયાક પહોંચ્યા હતા. પરિણામે ભાવનગર જિલ્લાના તમામ રસ્તા આજે કોળિયાક તરફ જતા જોવા મળ્યા હતા.

આજે સવારે મંગલ મુહૂર્તે નૌકા દ્વારા પહોંચેલ ભાવિકોએ ભાવનગરના મહારાજા અને યુવરાજ દ્વારા પૂજન કરાયેલ ધ્વજાનું આરોહણ કર્યું હતું અને મહાદેવજીનું પૂજન અર્ચન કર્યું હતું. દરિયામાં ઓટ સમયે જેવું પાણી ઉતર્યું કે તુરત ભાવિકો દેવાધિદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા અને પવિત્ર સમુદ્ર સ્નાન કરી ભગવાન સદાશિવના ચરણોમાં મસ્તક નમાવ્યું હતું.

કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે એસ.પી. માલ, સિટી ડીવાય.એસ.પી. મનિષભાઈ ઠાકર, એલ.સી.બી., એસ.ઓ.જી.ના સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો અને મેળાનું શાંતિપૂર્ણ સમાપન થયું હતું.