નીચાં વાવેતર છતાં નવી સિઝનમાં કોટનનું ઉત્પાદન ૧૨ ટકા વધવાનો અંદાજ   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • નીચાં વાવેતર છતાં નવી સિઝનમાં કોટનનું ઉત્પાદન ૧૨ ટકા વધવાનો અંદાજ  

નીચાં વાવેતર છતાં નવી સિઝનમાં કોટનનું ઉત્પાદન ૧૨ ટકા વધવાનો અંદાજ  

 | 2:00 am IST
  • Share

ચાલુ ખરીફ્ સિઝનમાં રાજ્યમાં કપાસનું વાવેતર સરેરાશ વાવેતર નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યું હોવા છતાં નવી સિઝનમાં ઉત્પાદન ૧૦-૧૨ ટકા વૃદ્ધિ દર્શાવે તેવો અંદાજ મુંબઈ સ્થિત અગ્રણી કોટન એજન્સીએ મૂક્યો છે. તેના મતે ઓક્ટોબર ૨૦૨૧થી શરૃ થવા જઈ રહેલા નવા કોટન વર્ષ દરમિયાન ગુજરાતમાં કોટનનું ઉત્પાદન ૧૦૫ લાખ ગાંસડીનું જોવા મળશે. જે છેલ્લા ચાર વર્ષોમાં સૌથી વધુ હશે. સપ્ટેમ્બર આખરમાં પૂરી થવા જઈ રહેલી સિઝનમાં રાજ્યમાં ૯૩.૫ લાખ ગાંસડી કોટન ઉત્પાદન જોવા મળ્યું હતું. જે અગાઉ વર્ષ કરતાં ૧.૫ લાખ ગાંસડીનો ઘટાડો દર્શાવતું હતું.

અભ્યાસ હેઠળના મુખ્ય નિરીક્ષણોમાં અત્યાર સુધી કપાસના પાક માટે જોવા મળેલું સાનૂકૂળ હવામાન છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદના અભાવે પાક સામે મુશ્કેલી સર્જાઈ શકી હોત પરંતુ છેલ્લાં દસેક દિવસોમાં જોવા મળેલા વરસાદે પાક માટે ખૂબ સારા સંજોગો ઊભા કર્યાં છે. સમગ્ર રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ૨-૪ ઇંચ વરસાદને કારણે જમીનમાં ભેજ ગયો છે અને તેને કારણે કોટનના પાક માટે ખૂબ સારી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સ્થિતિમાં પ્રતિ હેક્ટર ઉત્પાદક્તામાં ૧૦-૧૫ ટકા વૃદ્ધિ જોવા મળી શકે છે. જે રાજ્યમાં સમગ્રતયા ઉત્પાદન વૃદ્ધિનું કારણ બનશે. છેલ્લી બે ખરીફ્ સિઝનમાં રાજ્યમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જોવા મળતાં ભારે પાછોતરા વરસાદને કારણે કોટન સહિતના ખરીફ્ પાકો પર પ્રતિકૂળ અસર પડતી જોવા મળતી હતી. જ્યારે ચાલુ સિઝનમાં સ્થિતિ ઊલટી જોવા મળી છે. મે મહિનામાં વાવાઝોડાને કારણે પડેલા નોંધપાત્ર વરસાદને કારણે ઘણા ખેડૂતોએ વાવણી વહેલા કરી હતી. જોકે પાછળથી જોઈએ તેવો વરસાદ નહોતો પડયો પરંતુ જૂનમાં અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં પાક ટકી રહે તેટલો વરસાદ વરસી ગયો હતો. ઓગસ્ટમાં ખેડૂતોએ સિંચાઈનો ઉપયોગ કરવો પડયો હતો. જ્યારે સપ્ટેમ્બરમાં ફ્રીથી વરસાદ આવતાં પાકની પ્રગતિ પર અસર નથી થઈ. એક અન્ય મહત્ત્વનું પરિબળ એ પણ છે કે કોટનમાં ક્યાંય કોઈ રોગે દેખા નથી દીધી અને તેથી ઉત્પાદક્તા છેલ્લાં બે વર્ષો કરતા સારી રહેશે એમ અભ્યાસ જણાવે છે.

સરકારી આંકડા મુજબ રાજ્યમાં ૬ સપ્ટેમ્બર સુધીમાં ૨૨.૫૨ લાખ હેકટરમાં કોટનનું વાવેતર નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં ૨૨.૭૭ લાખ હેકટર પર હતું. આમ ચાલુ વર્ષે ૨૫ હજાર હેકટર વિસ્તારમાં વાવેતર ઘટયું છે. જો છેલ્લા ત્રણ વર્ષોના ૨૫.૫૩ લાખ હેકટર સાથે સરખામણી કરીએ તો વાવેતરમાં ૩ લાખ હેકટરનો મોટો ઘટાડો જોવા મળે છે. એટલે કે ત્રણ વર્ષની સરેરાશના ૮૮ ટકા વિસ્તારમાં જ વાવેતર નોંધાયું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન